વાહન બદલાશે, નંબર નહીં:રાજ્યના વાહન ચાલકો હવે વાહનનો જૂનો નંબર જ ફરી મેળવી શકશે, જૂનું વાહન સ્ક્રેપમાં જાય કે વેચો નવા વ્હીકલનો પણ એ જ નંબર મળશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલિકી તબદીલ થયેલા વાહનને અન્ય નવો નંબર ફાળવાશે
  • જૂના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે
  • જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તે વાહનની માલિકી ઓછામાં ઓછા એક વર્ષની હોવી જરૂરી

વાહન ચાલકો માટે રાજ્ય સરકારે આજે મહત્વનો નિર્ણય કર્યો છે. વાહન ચાલકો હવે વાહનનો જૂનો નંબર રિટેન(જૂનો નંબર ફરી લઈ શકશે) કરી શકશે એ માટે વાહન સ્ક્રેપ થાય કે અન્યને વેચે તો પણ એ જ નંબર વાહન ચાલકોને ફાળવવામાં આવશે.

માન્યતાઓને ધ્યાનમાં લઈ નિર્ણય
આ અંગે વાહન વ્યવાહર મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે,વાહન માલિકો તેઓની અલગ-અલગ પ્રકારની વ્યક્તિગત, ધાર્મિક, સામાજિક કે ન્યુમરોલોજી વગેરે માન્યતાના આધારે તેઓના વાહન માટે ચોક્ક્સ નોંધણી નંબર મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. વાહન માલિકોની તેઓના નંબર સાથે જોડાયેલ લાગણી-માન્યતાને કારણે જૂના વાહનોના નંબર રિટેન રાખવાનો આગ્રહ રાખતા હોય છે એને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

બેવાર જૂનો નંબર જાળવી શકાશે
મંત્રીએ ઉમેર્યું કે,વાહન વ્યવહાર દ્વારા અરજદારોની રજૂઆતો ધ્યાને લઇ દિલ્હી, ઉત્તરપ્રદેશ તથા પશ્ચિમ બંગાળની જેમ ગુજરાતમાં પણ વ્હીકલ નંબર રિટેન્શનની પોલિસીને અમલમાં મુકવાનો આ નિર્ણય કરવામાં આવ્યો છે આ પોલિસીમાં વાહન માલિક બે વખત તેઓના વાહન નંબર રિટેન્શન કરી શકશે.

જૂનું વાહન ખરીદનારને નવો નંબર મળશે
તેમણે વધુમાં કહ્યું કે,વાહન માલિક જ્યારે વાહનની તબદીલીની અરજી કરે તે સમયે તે વાહનનો નંબર રિટેન કરી વાહન માલિક દ્વારા ખરીદાયેલા નવા વાહનોને જે તે રિટેન કરેલ નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે. તબદિલ થયેલા વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે. વાહન સ્ક્રેપ થતું હોય તે સમયે વાહન માલિક દ્વારા નવા ખરીદાયેલા વાહન પર જૂના વાહનનો નંબર રિટેન કરી શકાશે અને જૂના સ્ક્રેપ થનાર વાહનને અન્ય નંબર ફાળવવામાં આવશે.

નવા વ્હીકલ પર જ નંબર રિટેન કરી શકાશે
તેમણે ઉમેર્યુ કે,વાહન માલિક પોતાનો વાહન નંબર પોતાના દ્વારા ખરીદાયેલા નવા વાહનો ઉપર જ રિટેન કરી શકશે. જૂના વાહન ઉપર વાહન નંબર રિટેન થઇ શકશે નહીં. તેમજ જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તે તથા જે વાહન પર નંબર રિટેન કરવાનો છે તે બંન્ને વાહનોની માલિકી એક જ વ્યક્તિની હોવી જરૂરી છે. વધુમાં જે વાહનનો નંબર રિટેન કરવાનો છે તે વાહનની માલિકી વાહન માલિક પાસે ઓછામાં ઓછા એક વર્ષની હોવી જોઇશે અને બન્ને વાહનોના પ્રકાર સમાન હોવા જરૂરી છે.

અગાઉ સ્ક્રેપ થયેલા વાહનોના નંબર રિટેન કરી શકાશે નહીં
અગાઉ સ્ક્રેપ થઇ ચૂકેલ હોય તેવા વાહનોનો નંબર રિટેન કરી શકાશે નહી. રિટેન કરવામાં આવેલ નંબરની સામે ખરીદાયેલ નવા વાહનને રિટેન કરેલ નંબર ફાળવવાની પ્રક્રિયા 15 દિવસમાં પુરી કરવાની રહેશે. ત્યારબાદ રિટેન કરેલ નંબર નવા વાહનને ફાળવી શકાશે નહી. ટ્રાન્સફર કે સ્ક્રેપ થતા વાહન જેનો નંબર રિટેન કરવાનો છે તેને નવો વાહન નંબર ફાળવવાની પ્રકિયા વાહન નંબર રિટેન્શન કર્યાની સાથે તુરંત કરવાની રહેશે.

આ ચાર્જ ચૂકવવો પડશે
મંત્રીએ ઉમેર્યુ કે,વાહન નંબર રિટેન્શન માટે અગાઉ જેમ ચોઇસ નંબર માટે નિયત કરેલ ફીની જોગવાઇ મુજબ જ ટુ વ્હીલરના ગોલ્ડન નંબર માટે રૂ.8,000, સિલ્વર નંબર માટે રૂ.3,500 અને અન્ય નંબર માટે રૂ.2,000 અને અન્ય વાહનો માટે ગોલ્ડન નંબર માટે રૂ.40,000, સિલ્વર નંબર માટે રૂ.15,000 અને અન્ય નંબર માટે રૂ.8000 મિનીમમ ફી ચુકવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...