વિદ્યાર્થીઓ આનંદો!:ગુજરાત યુનિવર્સિટી હવે B.comની માફક BBA-BCAમાં પણ બેઠક વધારશે, અનેક વિદ્યાર્થી પ્રવેશથી વંચિત છે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત યુનિવર્સિટી - Divya Bhaskar
ગુજરાત યુનિવર્સિટી
  • અગાઉ બીએ અને બી કોમમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજ દીઠ 20 બેઠક વધારાઈ હતી
  • પ્રવેશ પ્રક્રિયાના 2 રાઉન્ડ સંપૂર્ણ પૂર્ણ થયા બાદ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે
  • BBA-BCAમાં હજુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે કોલેજમાં જગ્યા ના હોવાથી વિદ્યાર્થીઓ ધક્કા ખાય છે

ગુજરાત યુનિવર્સિટીમાં આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા લાંબી ચાલી છે. 2 રાઉન્ડ બાદ પણ અનેક્ વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત હતા. જેથી બીએ અને બી કોમમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજ દીઠ 20 બેઠક વધારવામાં આવી હતી. પરંતુ BBA-BCAમાં પણ હજુ વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી. જેથી યુનિવર્સિટી દ્વારા BBA-BCAમાં પણ બેઠક વધારવામાં આવશે.

વિદ્યાર્થીઓ પ્રવેશ માટે ઘક્કા ખાય છે
માસ પ્રમોશનના કારણે આ વર્ષે વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે, પરંતુ કોલેજ માટે બેઠક અગાઉથી વધારવામાં આવી નહોતી. પ્રવેશ પ્રક્રિયાના 2 રાઉન્ડ સંપૂર્ણ પૂર્ણ થયા બાદ ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોને ભાન થયું કે હજુ અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત છે. જેથી યુનિવર્સિટી દ્વારા બીકોમ અને બીએ માટે કોલેજ દીઠ 20 બેઠક વધારવામાં આવી હતી, પરંતુ BBA-BCAમાં હજુ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે કોલેજમાં જગ્યા ના હોવાથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યાં છે.

14 કોલેજમાં બેઠક વધારાશે
અત્યારે બીએ બી કોમની બેઠકમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવે BBA- BCAની બેઠકમાં પણ વધારો કરવામાં આવશે. BBA-BCAની 14 કોલેજમાં બેઠકમાં વધારો આપવામાં આવશે. BBAની 5 અને BCAની 7 કોલેજમાં 60 બેઠક વધારા માટે પ્રવેશ સમિતિએ નીડ કમિટીને જાણ કરી છે, જેથી નીડ કમિટીએ બેઠક વધારાની તૈયારી કરીને કોલેજના નામનું પત્રક કુલપતિ પાસે મોકલાવ્યું છે. કુલપતિની મહોર લાગ્યા બાદ બેઠકમાં વધારાની જાહેરાત કરવામાં આવશે.

માસ પ્રમોશનના કારણે સ્થિતિ સર્જાઈ
દર વર્ષે ગુજરાત યુનિવર્સિટીમાં 20 હજાર જેટલી બેઠક ખાલી રહે છે, પરંતુ આ વર્ષે માસ પ્રમોશનના કારણે વિદ્યાર્થીઓનો ધસારો વધ્યો હતો, જેની યુનિવર્સિટીએ ગંભીરતા ના લીધી, જેના કારણે 2 મહિના સુધી પ્રવેશ પ્રક્રિયા ચાલુ રાખી છતાં અનેક લોકો પ્રવેશથી વંચિત રહી ગયા અને ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ કરીને અંતમાં બેઠક વધારી હતી.