તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનતાને સજા, નેતાને મજા:ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યો અને સિન્ડિકેટ મેમ્બરો ભાન ભૂલ્યા, સ્વાગત કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઊડ્યા

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિ હિમાંશુ પંડ્યા પણ કોરોનાની ગાઇડલાઇન્સ ભૂલ્યા

ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં જ સેનેટ અને સિન્ડિકેટ મેમ્બરની નિમણૂક કરવામાં આવી છે. નિમણૂક થતાં જ આજે ABVPના કાર્યકરો અને નવા નિમણૂક પામેલા સેનેટ વેલ્ફેર અને સિન્ડિકેટ મેમ્બર હાજર રહ્યા હતા. યુનિવર્સિટીમાં પ્રવેશતાંની સાથે જ તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિની હાજરીમાં જ લોકોએ નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા.

યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા ભાન ભૂલ્યા
તાજેતરમાં જ શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત યુનિવર્સિટીના 20 સેનેટ-વેલ્ફર અને સિન્ડિકેટ મેમ્બરની નિમણૂક કરવામાં આવી હતી. નિમણૂક કરાયા બાદ આજે કુલપતિ દ્વારા તમામને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશતાંની સાથે જ સરસ્વતી માટેની પૂજા કરવામાં જ સભ્યો ભાન ભૂલ્યા હતા. એ બાદ એલ્યુમની રૂમમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો, એમાં પણ નાના રૂમમાં અનેક લોકો ભેગા થયા હતા. નિમણૂક થયેલા સભ્યોની સાથે ABVPના કાર્યકરો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નિમણૂક પામેલા સભ્યોને કુલપતિ દ્વારા નિમણૂક પત્ર આપવામાં આવી રહ્યા હતા, ત્યારે નિયમ પ્રમાણે 2 ફૂટનું અંતર જાળવવાનું હોય છે, એ પણ યુનિવર્સિટીના કુલપતિ હિમાંશુ પંડ્યા અને ઉપકુલપતિ જગદીશ ભાવસારે જાળવ્યું નહોતું.

એલ્યુમની રૂમમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.
એલ્યુમની રૂમમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

ABVPના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
અત્યારે જાહેર કાર્યક્રમ કરવા મંજૂરી આપવામાં આવતી નથી. ત્યારે નિમણૂક પત્ર માટે આવેલા સભ્યો સાથે મોટી સંખ્યામાં ABVPના કાર્યકરો હાજર રહ્યા હતા. બીજી તરફ, જ્યારે યુનિવર્સિટીમાં કોઈ બાબતે વિદ્યાર્થી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવા આવે છે ત્યારે 5 સભ્યથી વધુને પરવાનગી આપવામાં આવતી નથી, ત્યારે નિમણૂક પત્ર આપતા સમયે મોટી સંખ્યામાં કાર્યકરોને પ્રવેશ આપવા પરવાનગી કોણે આપી.

એક વૃક્ષ સાથે 15 કાર્યકર્તા ફોટો પડાવવા ભેગા થયા
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રાજ્યભરમાં અનેક લોકોએ પોતાની આજુબાજુની યોગ્ય જગ્યાએ વૃક્ષારોપણ કર્યું હતું, જેમાં રાજકીય પાર્ટીઓએ પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ અનેક જગ્યાએ રાખ્યો હતો. અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં ધારાસભ્ય જગદીશ પંચાલ અને કોર્પોરેટરે વૃક્ષારોપણ કર્યું હતું, પરંતુ એમાં એકસાથે ઘણા લોકો ભેગા થયા હતા, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઊડતા નજરે પડ્યા હતા. એક વૃક્ષ સાથે 15 કાર્યકર્તા ફોટો પડાવવા ભેગા થયા હતા, જેને કારણે કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

નિમણૂક પત્ર આપતા સમયે મોટી સંખ્યામાં કાર્યકરોને પ્રવેશ આપવા પરવાનગી કોણે આપી.
નિમણૂક પત્ર આપતા સમયે મોટી સંખ્યામાં કાર્યકરોને પ્રવેશ આપવા પરવાનગી કોણે આપી.

સેવા સમયે પણ ફોટો સેશન ન ચૂક્યા
અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમાર ઘણા ચર્ચામાં છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અસારવાની એક ધાર્મિક સંસ્થા દ્વારા ડોનેટ કરવામાં આવેલા ઓક્સિજન કૉન્સન્ટ્રેટરને લઈ ધારાસભ્ય અને કોર્પોરેટરની પણ ટીકાટિપ્પણી સોશિયલ મીડિયામાં થઈ રહી છે, જેમાં એક કૉન્સન્ટ્રેટર જે સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે તે વ્યક્તિ સિવાય ધારાસભ્ય, કોર્પોરેટર અને તેમના કાર્યકર્તાઓ ફોટો પડાવવા માટે ભેગા થયા હતા. અવારનવાર આવા ફોટો સેશન માટે આ ધારાસભ્યનું નામ ખૂબ ચર્ચામાં રહેતું હોય છે, જેમાં તેઓ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા હોય છે.

પ્રજાના સેવકે જ લોકોના જીવન જોખમમાં મૂક્યા
ભાજપના કોર્પોરેટર અને રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈના પોતાના જ ફેસબુક પ્રોફાઈલ પર માસ્ક વગરના ફોટોમાં સામે આવ્યા છે. આ ફોટોમાં મહાદેવ દેસાઈ માસ્ક વગર પાંચથી છ લોકો સાથે મતવિસ્તારમાં ફરી રહ્યા છે અને લોકોને મળી રહ્યા છે. તેમની સાથેના પણ બેથી ત્રણ લોકોએ માસ્ક પહેર્યાં નથી. માસ્ક વગર ફરતા નેતાજીએ અન્ય લોકોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકી તેમને મળ્યા છે, ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ જ બેદરકારી દાખવી રહ્યા છે.