એડમિશન:ગુજરાત યુનિવર્સિટીએ ઓફલાઈન એડમિશન પ્રક્રિયા શરૂ કરતા કોલેજો પર વિદ્યાર્થીઓ-વાલીઓની ભીડ જામી

અમદાવાદએક વર્ષ પહેલા
કોલેજમાં ફોર્મ ભરવા પહોંચેલા વિદ્યાર્થીઓ
  • અગાઉ ઓનલાઈનમાં વિદ્યાર્થીઓ એક જ દિવસે તમામ કોલેજ પસંદ કરી ફોર્મ ભરી શકતા
  • ઓફલાઈન એડમિશન પ્રક્રિયામાં વિદ્યાર્થી માંડ 1-2 કોલેજમાં ફોર્મ ભરી શકે છે

ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સમાં 2 રાઉન્ડ ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા કર્યા બાદ ત્રીજા રાઉન્ડથી ઓફલાઈન પ્રક્રિયા કરી દીધી છે. ઓફલાઈન પ્રક્રિયામાં કોલેજ પર રૂબરૂ જઈને જ ફોર્મ ભરવું પડતું હોવાથી કોલેજ પર ઘસારો વધ્યો છે. ગુજરાત યુનિવર્સિટી અને કોલેજ તરફથી યોગ્ય વ્યવસ્થા ના કરાતા કોલેજ પર લાંબી લાઈન અને લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી છે.

કોલેજમાં એડમિશન પ્રક્રિયા માટે વિદ્યાર્થીઓનો ધસારો
ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયામાં ફરજીયાત કોલેજ જવું પડે છે ત્યારે તમામ કોલેજો પર એડમિશન લેવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ ભેગી થઇ છે, કોલેજ અને યુનિવર્સિટી દ્વારા કોઈ વ્યવસ્થા ના કરાતા કોલેજની બહાર અને કોલેજની અંદર તમામ જગ્યાએ મોટી સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા. ફી ભરવાની બારી, ડોક્યુમેન્ટ જમા કરાવવાની બારી, ફોર્મ વેરીફિકેશન માટે રૂમ, કોલેજનું પાર્કિંગ, ઓફિસથી લઈને તમામ જગ્યાએ ટોળા જ જોવા મળ્યા હતા.

કોલેજ બહાર ભીડ ઉભી થતા વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા નહીં
એક તરફ કોરોનાના કેસ ઘટતા છૂટછાટ આપવામાં આવી રહી છે. બીજી તરફ યુનિવર્સિટીએ ઓફલાઈન એડમિશન પ્રક્રિયા શરુ કરતા કોલેજ પર લોકોએ ફરજીયાત જવું પડતું હોવાથી કોલેજ પર ભારે ભીડ ભેગી થઇ છે. તમામ કોલેજોમાં અત્યારે લાંબી લાઈન અને લોકોના ટોળા જોવા મળ્યા છે. સવારથી જ આ પ્રકારની ભીડ ભેગી થઇ છે જે સાંજ સુધી રહેશે. ભીડ ભેગી થઇ હોવા છતાં કોલેજ કે યુનિવર્સિટી દ્વારા વ્યવસ્થા ના કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ પરેશાન થયા છે.

વિદ્યાર્થી એક દિવસમાં માંડ 1-2 કોલેજમાં ફોર્મ ભરી શકે છે
ઓફલાઈન એડમિશનના કારણે કોલેજ પર લોકો રૂબરૂ આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આવતા એક જ દિવસમાં વિદ્યાર્થી 1 અથવા 2 કોલેજ પર ફોર્મ ભરી શકે છે જ્યારે ઓનલાઈન પ્રક્રિયામાં એક જ દિવસમાં તમામ કોલેજ પસંદ કરીને ફોર્મ ભરી શકાતું હતું. બીજી તરફ નિયંત્રણમાં આવેલ કોરોના સંક્રમણ આ પ્રકારની ભીડના કારણે ફરીથી ફેલાઈ શકે છે.