ગાંધીનગરઃ વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દેશ અને રાજ્યમાં વ્યાપક થતું અટકાવવા 21 દિવસના જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બેરોકટોક અને નિયમીત મળતો રહે તેવી જડબેસલાક વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. કોરોના વાયરસની સ્થિતીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. લોકડાઉન જાહેર કર્યા બાદ ગુજરાતમાં રોજનું કમાઇને રોજ ખાઇને જીવન નિર્વાહ કરતા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જોકે આ પરિવારો માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂપાણીએ 21 દિવસ સુધી ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે. જેનો અમલ 1લી એપ્રિલથી કરવામાં આવશે. 1લી એપ્રિલથી રેશનકાર્ડ ધારકોને અનાજ આપવામાં આવશે. જેનો લાભ કારીગરો, ગરીબ, શ્રમજીવી સહિત કુલ સવા ત્રણ કરોડ લોકોને મળશે.
વ્યક્તિદીઠ અનાજ આપવામાં આવશે
1લી એપ્રિલથી એક મહિના માટે સમગ્ર રાજ્યની સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન પર વ્યક્તિ દીઠ 3.50 કિલો ઘંઉ, 1.50 કિલો ચોખા તથા કુટુંબ દીઠ 1 કિલો ખાંડ, 1 કિલો દાળ અને 1 કિલો મીઠુ મફતમાં આપવામાં આવશે. કોરોનાના સંક્રમણથી નાગરિકોને બચાવવા લોકડાઉનની જાહેરાત પ્રધાનમંત્રીએ કરી છે તે સ્થિતીમાં આવા નાના અને ગરીબ પરિવારોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠામાં કે અન્ય કોઇ પણ આવશ્યક સેવાઓમાં ભવિષ્યમાં પણ કોઇ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર પૂરી ગંભીરતાથી આયોજન કરી રહી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
રાજ્યમાં કોઇપણ સ્થળે જીવન જરૂરી વસ્તુઓની અછત નહીં સર્જાય
હાલની પરિસ્થિતીમાં સૌ કોઇ નાગરિકોને જીવન આવશ્યક પુરવઠામાં ઘઉનો લોટ, ચણાનો લોટ સહિત અન્ય લોટ-આટો પણ સરળતાએ મળે તે માટે રાજ્યના મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને વનબંધુ વિસ્તાર દાહોદના ફલોર મિલ્સ એસોસિયેશનો સાથે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવશે. અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં કોઇ પણ સ્થળે જીવન આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા કે વિતરણની કમી ન સર્જાય તેવી સંપૂર્ણ વ્યવસ્થા મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં સુનિશ્ચિત કરવામાં આવી છે.
રાજ્યમાં દૈનિક ૩ કરોડ લીટર દૂધની આવક, દૂધનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળતો રહેશે
મુખ્યમંત્રીના સચિવે આ નિર્ણયોની ભુમિકા આપતાં જણાવ્યું કે રાજ્યમાં દરેક નાગરિકોને દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણું સુચારૂ રીતે હાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ રહ્યું છે. આ વ્યવસ્થા જળવાઇ રહે અને દૂધ વિતરણમાં કે શાકભાજી ફળફળાદિના પુરવઠામાં વિપરીત અસર ન પડે તે માટે રાજ્યના બનાસડેરી, સુમુલ, સાબર, પંચમહાલ અમૂલ ડેરી સહિત 18 જેટલા મોટા દૂધ સંઘો પર દૂધની આવક અને વિતરણ વ્યવસ્થા પર દેખરેખ અને સંકલન માટે રાજ્ય સરકારના અધિકારીની નિયુકિત કરવામાં આવશે. રાજ્યમાં દૈનિક ૩ કરોડ લીટર દૂધની આવક છે અને અંદાજે પપ લાખ લીટર દૂધના પાઉચ વિતરણ થાય છે. રાજ્યમાં આવેલા દુધ પાર્લર પરથી આ વિતરણ વ્યવસ્થા નિયમીત ચાલતી રહેશે અને આવનારા દિવસોમાં દૂધનો પુરવઠો પર્યાપ્ત માત્રામાં મળતો રહેશે.
શાકભાજી, ફળફળાદિ મળતુ રહે એ માટે સંકલન સાધવામાં આવશે
તેમણે કહ્યું કે, ગુજરાતમાં દૈનિક 53 હજાર કવીન્ટલથી વધુ શાકભાજીની આવક રહે છે. તેમાં મુખ્યત્વે લીલા શાકભાજી, બટાકા, ડુંગળી અને ટામેટાનો જથ્થો હોય છે. આ શાકભાજી તેમજ ચૈત્રી નવરાત્રિના શરૂ થયેલા પર્વમાં ઉપવાસ વ્રત કરનારાઓ માટે ફળફળાદિ સરળતાએ મળે તે માટે રાજ્યની 75 જેટલી APMCમાં સહકાર વિભાગના સચિવની આગેવાનીમાં અધિકારીઓ દેખરેખ રાખશે. બટેટા અને ડુંગળી જેવા શાકભાજી માટે કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થાનું પણ યોગ્ય સંકલ્ન કરાશે તેમ તેમણે ઉમેર્યુ હતું. ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી પણ શાકભાજીનો જથ્થો આવે છે. આ જથ્થો પણ નિયમિત આવતો રહે, તે લઇને આવનારા વાહનોને કોઇ સમસ્યા ન નડે તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના મુખ્ય સચિવને જે તે સંબંધિત રાજ્યના મુખ્ય સચિવ સાથે સંપર્કમાં રહીને વ્યવસ્થા જળવાય તેની સૂચનાઓ આપી છે. આવા શાકભાજી, ફળફળાદિ રાજ્યમાં નગરો-શહેરો-ગામોમાં લઇ જતા વાહનો-ફેરિયાઓને પણ કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના પોલીસ મહાનિદેશક સાથે સંકલન સાધવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.