તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશ ડિફેન્સમાં આત્મનિર્ભર બનશે:ગુજરાત ડિફેન્સ એક્સપો-2022નું યજમાન બનશે, CM રૂપાણીએ કહ્યું-ડિફેન્સ સેક્ટરમાં પણ દેશમાં સૌથી વધુ રોકાણો મેળવનારૂં રાજ્ય બનશે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
અધિકારીઓ સાથે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી રૂપાણી - Divya Bhaskar
અધિકારીઓ સાથે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી રૂપાણી

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજવામાં આવતા ડિફેન્સ એક્સપોના 2022માં યોજાનારા 12માં સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે. આગામી 2022માં 10 થી 13 માર્ચ દરમ્યાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગ દ્વારા આ પ્રદર્શની ગાંધીનગરમાં યોજાશે. ગુજરાતમાં વિશાળ પાયા પર યોજાનારા આ ડિફેન્સ એક્સપો-2022ના સુગ્રથિત આયોજન અંગે સમીક્ષા બેઠક સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને મુખ્યમંત્રી રૂપાણીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ વિશ્વાસ દર્શાવ્યો કે ગુજરાત જે રીતે વાયબ્રન્ટ સમિટના સફળ આયોજનથી વિશ્વના નિવેશકો માટે બેસ્ટ ચોઇસ ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે તે જ પરિપાટીએ ડિફેન્સ એક્સપો-2022ના આયોજનથી ડિફેન્સ સેક્ટરમાં પણ દેશમાં સૌથી વધુ રોકાણો મેળવનારૂં રાજ્ય બનશે.

આ ડિફેન્સ એક્સપો-2022ના આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ અંગેના એમ.ઓ.યુ પણ સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગના સંયુકત સચિવ અને ગુજરાતના ઊદ્યોગ કમિશનરે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કર્યા હતા.

સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા વેગવાન બનીઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી રૂપાણીએ આ બેઠકમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા અને સંરક્ષણ મંત્રીના માર્ગદર્શનથી આવા ડિફેન્સ એક્સપો દેશના જુદા જુદા રાજ્યોમાં યોજવાની જે પહેલ થઇ છે તે પ્રશંસનીય છે. તેમણે આગામી ડિફેન્સ એક્સપો-2022ના આયોજન માટે ગુજરાતની પસંદગી કરવા માટે પ્રધાનમંત્રી અને સંરક્ષણ મંત્રીનો હ્રદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. રૂપાણીએ સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતા આવા ડિફેન્સ એક્સપોના માધ્યમથી વધુ વેગવાન બની રહી છે તેમ પણ ઉમેર્યુ હતું.

ગુજરાતે પોતાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલિસી બનાવી
તેમણે જણાવ્યું કે, ગુજરાતે પોતાની ડિફેન્સ એન્ડ એરોસ્પેસ પોલિસી બનાવી છે. એટલું જ નહિ, આ પોલિસી અંતર્ગત ડિફેન્સ ઇક્વીપમેન્ટ પ્રોડકશન એકમો માટે જમીન ખરીદીમાં સ્ટેમ્પ ડયુટીથી મુક્તિ, ઉત્પાદન શરૂ થયાના પાંચ વર્ષ સુધી ઇલેકટ્રિસિટી ડયૂટીથી માફી જેવા પ્રોત્સાહનો પણ ગુજરાતમાં આપવામાં આવે છે.

ધોલેરા SIR ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન યુનિટસ માટેનું શ્રેષ્ઠ સ્થળ બની શકે
વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન માટે જે ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ જોઇએ તે ગુજરાતમાં છે. ધોલેરા SIR ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન યુનિટસ માટેનું શ્રેષ્ઠ સ્થળ બનાવાની સંપૂર્ણ સંભાવનાઓ ધરાવે છે. વિશાળ રન-વે સાથેનું એરપોર્ટ અહિં નિર્માણાધિન છે અને વેપન ટ્રાયલ એન્ડ ટેસ્ટિંગ રેન્જ માટે જરૂરી જમીન પણ ઉપલબ્ધ છે.

ડિફેન્સ એક્સપો-2022ને જવલંત સફળતા મળશેઃરાજનાથ સિંહ
ગુજરાતમાં આયોજિત થનારા આ ડિફેન્સ એક્સપો-2022થી રાજ્યમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડકશન અને મેન્યૂફેક્ચરિંગ સેક્ટરને નવી દિશા મળશે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો-2022ની આ 12મી કડી અવશ્ય જવલંત સફળતા પ્રાપ્ત કરશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવ્યો હતો. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને આત્મનિર્ભર બનવાનો જે મંત્ર આપ્યો છે. તેને અનુસરતા સંરક્ષણ મંત્રાલય દ્વારા આ વખતના ડિફેન્સ એક્સપોમાં વિવિધ કંપનીઓને સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં રોકાણ કરવા માટે માર્ગદર્શન સાથે પ્રેરિત કરવામાં આવશે.

ડિફેન્સ એક્સપોની 11મી શ્રેણીમાં 70 દેશોની 1000 કંપનીઓએ ભાગ લીધો હતો
રાજનાથસિંહે આવા ડિફેન્સ એક્સપો દ્વારા ‘મેઇક ઇન ઇન્ડિયાથી મેક ફોર ધ વર્લ્ડ’ની આપણી નેમ છે તેમ જણાવતા ઉમેર્યુ કે આવનારા ટૂંક સમયમાં ભારત ગ્લોબલ ડિફેન્સ મેન્યૂફેકચરીંગ હબ બને તેવી પૂરી સંભાવનાઓ પણ છે. ગત વખતે લખનઉમાં યોજાયેલી ડિફેન્સ એક્સપોની 11મી શ્રેણીમાં 70 જેટલા દેશોની એક હજાર જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ વખતે ભાગ લેનારા દેશોની સંખ્યા વધારીને 100 સુધી લઇ જવાનું લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

રાજનાથસિંહે કહ્યું કે, ડિફેન્સ એક્સપોની સાથે ડિફેન્સ મિનિસ્ટર્સ કોન્ક્લેવ પણ યોજવામાં આવે છે. ગાંધીનગરમાં પણ વિવિધ દેશોના સંરક્ષણ મંત્રીઓનું અધિવેશન યોજવાનું આયોજન છે. ગત વખતે તેમાં 40 દેશના સંરક્ષણ મંત્રીઓ સહભાગી બન્યા હતા તેનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.

આ એક્ઝિબિશેનમાં કોન્કલેવ, સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાશે
આ બેઠકમાં એવી વિગતો રજૂ કરવામાં આવી હતી કે કોરોના મહામારીની આર્થિક ક્ષેત્રમાં થયેલી અસરને ખાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા આત્મ નિર્ભર ભારતના સંકલ્પનો પડઘો ઝીલતો ડિફેન્સ એક્સપો 2022 મેગા ઇન્ટરનેશનલ ડિફેન્સ એક્ઝિબિશેન છે.
આ એક્ઝિબિશેનમાં ઘણી ઇવેન્ટ, કોન્કલેવ, સેમિનાર, બિઝનેસ એક્ટિવિટીસ યોજાશે. ડિફેન્સ એક્ઝિબેશન, પબ્લિક સેક્ટર યુનિટ ઓફ ડિફેન્સને પ્રમોટ કરવા, ખાનગી સંરક્ષણ ક્ષેત્રને લગતા ઉદ્યોગો–સ્ટાર્ટ અપ તેમજ લઘુઉદ્યોગો સહિત, સંરક્ષણ ક્ષેત્રના વિભિન્ન સાધનોનું ડેમોન્સ્ટ્રેશન,રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ, સેમિનાર, વેબીનાર સહિતનાં વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ એક્ઝિબિશનનો ઉદ્દેશ ‘મેઇક ઇન ઇન્ડિયા’ને પ્રમોટ કરવા સાથે દેશને સંરક્ષણ સાધનોનાં ઉત્પાદનમાં મેજર હબ બનાવવા એરોસ્પેસ અને સંરક્ષણ ક્ષેત્રમાં ઇનોવેશન, સ્ટાર્ટ અપ અને લધુ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવાનો પણ છે. આ બેઠકમાં ડિફેન્સ એક્સપો-2022ના આયોજન સંદર્ભે વિસ્તૃત પ્રેઝેન્ટેશન પણ પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સંરક્ષણ સચિવ રાજ કુમાર, એસીએસ જે. પી. ગુપ્તા, મુખ્યમંત્રીના સલાહકાર એરમાર્શલ આર. કે. ધીર, સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી ચંદ્રાકાર ભારતી અને અચલ મલહોત્રા, ગુજરાતના ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા અને ઇન્ડેક્ષ-બી ના એમ.ડી નિલમ રાની ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...