અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઇનસ વચ્ચે આઈપીએલની ફાઈનલ મેચ યોજાવાની છે. મેચ જોવા માટે દર્શકો સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે. IPL ફાઇનલ મેચ જોવા માટે લોકો એટલા ઉત્સાહિત છે કે હજી પણ સ્ટેડિયમની બહાર લોકો ટિકિટ લેવા માટે એકબીજાને પૂછી રહ્યા છે. વધુ પૈસા આપીને પણ ટિકિટ લેવા માટે તેઓ તૈયાર છે. સ્ટેડિયમ તરફ આવવાના તમામ રસ્તાઓ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. લોકો પોતાની પસંદની ટીમની ટી-શર્ટ પહેરીને ટીમનો ઉત્સાહ વધારવા માટે પહોંચ્યા છે. આજે ફાઇનલ મેચ હોવાને કારણે બપોરે ત્રણ વાગ્યાથી લોકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. ગુજરાતીઓ હાથમાં અલગ-અલગ સ્લોગનના બોર્ડ સાથે પોતાની ટીમને ચિયર્સ કરવા માટે પહોચ્યાં છે. સાથે જ સ્ટેડિયમની બહાર ગ્લેમર ગર્લ્સનો હટકે અંદાજ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં હવે છેલ્લી ઘડીએ લોકો પ્રવેશ મેળવી રહ્યા છે. મોટાભાગે લોકોએ સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લીધો છે. ક્રિકેટ ફેન હજી પણ સ્ટેડિયમની બહાર ઉભા છે.
સ્ટેડિયમમાં હજી પણ લોકો પ્રવેશ મેળવવા માટે ટિકિટ મળે તેની રાહ જોઈ રહ્યા છે. તો બીજી તરફ એક ટિકિટ પર બેથી ત્રણ જણા જતા રહ્યા હોવાનો બનાવ બનતા સિક્યુરિટી ગાર્ડ અને પોલીસને ટિકિટ ખાસ તપાસવા માટે જણાવવામાં આવ્યું હતું.
પોતાની ટિકિટો સાચવીને રાખવા માટે સૂચના
બીજીતરફ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે આઈપીએલની ફાઈનલ મેચ યોજાવાની છે જેમાં દર્શકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે ધીરે ધીરે લોકોની ભીડ સ્ટેડિયમમાં વધી રહી છે અને સ્ટેડિયમ ભરાઈ રહ્યું છે. સ્ટેડિયમની બહાર લોકોને પોલીસ દ્વારા સતત માઈકમાં એનાઉન્સમેન્ટ કરી અને પોતાના પર્સ, મોબાઈલનું ધ્યાન રાખવા માટે જણાવવામાં આવી રહ્યું છે. પોતાની ટિકિટો પણ સાચવીને રાખવા માટે સૂચના આપવામાં આવી રહી છે. જે પણ વ્યક્તિઓ મેચ જોવા માટે આવ્યા છે તેમને તાત્કાલિક ધોરણે સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી લેવા માટે જણાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતીઓનો ઉત્સાહ કેમેરામાં કેદ થયો...
બંને ટીમોના ફેન્સનો ઉત્સાહ સાતમા આસમાને
સુરતનો આખો પરિવાર ગુજરાત ટાઈટન્સની ટીમનો પાવર વધારવા માટે આવ્યો છે. લોકોને સ્ટેડિયમમાં અત્યારે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત ટાઈટન્સની સાથે હવે રાજસ્થાન રોયલ્સના ફેન્સ પણ સ્ટેડિયમ પહોંચી રહ્યા છે. રાજસ્થાનના બાંસવાડાના ગંગાડતલાઈ ગામનો દોશી પરિવાર આખો રાજસ્થાન રોયલ્સને સપોર્ટ કરવા માટે આવ્યો છે. કહ્યું,'અમે રાજસ્થાન જીતશે તેની આશા રાખીએ છીએ'. Save Soilના મેસેજ સાથે મેચમાં ગુજરાત ટાઈટન્સને સ્પોર્ટ કરવા આવ્યા છે.
આજે 1.32 લાખ ક્રિકેટ ફેન્સ વચ્ચે ફાઈનલ મેચ
પહેલીવાર જ IPL રમી રહેલી ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી હોવાથી લોકોમાં મેચને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજની મેચમાં 1.32 લાખ ક્રિકેટ ફેન્સ વચ્ચે ફાઈનલ મેચની શરૂઆત પહેલાં સાંજે 6.30 વાગ્યાથી IPL 2022 ક્લોઝિંગ સેરેમની યોજાશે. એમાં રંગારંગ કાર્યક્રમમાં જાણીતા સિંગર્સ તથા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રણવીર સિંહ અને સંગીતકાર એઆર રહેમાનના સ્પેશિયલ શોનું પણ આયોજન કરાયું છે. 1 કલાક સુધી ચાલનારા આ શો બાદ 7.30 વાગ્યે બંને ટીમ વચ્ચે ટોસ ઊછળશે.
31 પાર્કિંગ પ્લોટમાં 27000થી વધુ વાહનની જગ્યા
મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલની ફાઈનલ મેચ યોજાવાની હોવાને પગલે જેપણ લોકો મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાના છે તેમના માટે 31 પ્લોટમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દર્શકોએ નિયત કરેલાં પાર્કિંગ સ્થળ પર પોતાના વાહન પાર્ક કરવાનાં રહેશે. કુલ 31 જેટલા પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે. ટૂ-વ્હીલર માટે 8 પાર્કિગ પ્લોટ, ફોર-વ્હીલર માટે 23 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે, જેમાં 12000 ટૂ-વ્હીલર અને 15000 ફોર વ્હીલર પાર્ક કરી શકાશે. મેચ જોવા આવનારી દરેક વ્યક્તિએ ફરજિયાતપણે પોતાનું વાહન Show my park એપ પર એડવાન્સમાં બુકિંગ કરાવીને આવવાનું રહેશે.
ફાઈનલ મેચ માટે BRTSની સુવિધા
રવિવારના રોજ સ્ટેડિયમ સુધી પહોંચવા BRTSની 71 બસ મૂકવામાં આવી છે, જેમાં નારોલથી ઝુંડાલ સર્કલ માટે 26 બસ, નારોલથી વિસત સર્કલ માટે 6 બસ એલડી કોલેજથી ઝુંડાલ સર્કલ સુધી 24 બસ, ઈસ્કોનથી વિસત સર્કલ સુધી 7 બસ અને નેહરુનગરથી વિસત સર્કલ સુધી 8 બસ મૂકવામાં આવી છે. મેચ પૂરી થયા બાદ પાછા જવા સ્ટેડિયમથી વિવિધ રૂટ માટે 48 બસ મૂકવામાં આવી છે. ઉપરાંત મેચ પૂર્ણ થયા બાદ ભીડની સંભાવનાને પગલે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતેથી અલગ ટિકિટ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
જનપથ ટીથી સ્ટેડિયમ સુધીનો રોડ બંધ રહેશે
મોદી સ્ટેડિયમમાં IPLની મેચ રમાવાની હોવાને પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા વાહનોની અવરજવર માટે ડાઇવર્ઝન આપવામાં આવ્યું છે. એવામાં આજે બપોરે 3 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રહેશે. વાહનચાલકો એને બદલે તપોવન સર્કલથી વિસત ટી થઈને ઓએનજીસી ચાર રસ્તાથી જનપથ ટી થઈ, પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધ રાવળ સર્કલ સુધીના રસ્તાથી અવરજવર કરી શકશે. આવી જ રીતે કૃપા રેસિડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ-કોટેશ્વર રોડ થઈ અપોલો સર્કલ તરફ અવરજવર કરી શકશે. જોકે ક્રિકેટ સાથે સંકળાયેલાં વાહનો, ફરજમાં રહેલાં સરકારી વાહનો, ફાયરબ્રિગેડ, એમ્બ્યુલન્સ તથા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશો માટે આ જાહેરનામું લાગું પડશે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.