રાજ્યમાં ધોરણ 9, 10 11 અને 12માં પરીક્ષાને લઈને અગત્યનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ આ અંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં ફાયદો થશે. વિદ્યાર્થીઓ ધોરણ 9થી 12 સુધી 30 ટકા પ્રશ્નો હેતુલક્ષી એટલે કે મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન (MCQ) પુછાશે. જોકે આ જાહેરાત દરમિયાન ફી મુદ્દે શિક્ષણમંત્રીએ મગનું નામ મરી ન પાડ્યું.
વિદ્યાર્થીઓને ફાયદો થશે
રાજ્યના શિક્ષણમંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું કે ધોરણ 9, 10, 11 અને 12માં હવે સામાન્ય પ્રવાહમાં હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પુછાશે. જ્યારે 70 ટકા વર્ણનાત્મક પ્રશ્ન પુછાશે, જેને પરિણામે રાજ્યના 29 લાખ વિદ્યાર્થીને અભ્યાસમાં ફાયદો થશે, સાથે સાથે સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓને ફાયદો થશે એવો દાવો રાજ્યના શિક્ષણમંત્રીએ કર્યો છે.
કોરોના કાબૂમાં આવતાં સ્કૂલો ચાલી કરાઈ છે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા આજે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22માં ધો.12માં 15/7/2021ના રોજથી અને ધો. 9થી 11માં તા.26/7/2021થી ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. છ માસિક પરીક્ષા નિયત સમયે ઓફલાઇન રીતે લેવામાં આવી છે. રાજ્યના વિદ્યાર્થીઓનું ભાવી હિત,JEE અને NEETની પરીક્ષાઓમાં તેઓ સારો દેખાવ કરી શકે, દેશના અન્ય વિદ્યાર્થીઓ સાથે તંદુરસ્ત સ્પર્ધા કરી શકે, તેઓની ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટે સાનુકુળ વાતાવરણ બની રહે, સાથોસાથ અભ્યાસ બાબતે વિદ્યાર્થીઓનો તનાવ અને વાલીઓની ચિંતા ઘટે તે ધ્યાને લઈ મહત્વનો નિર્ણય સમયસર કરેલો છે.
વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ ઘટાડવા પ્રયાસ
રાજ્ય સરકાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષના પ્રથમ શૈક્ષણિક સત્ર અને હાલની સ્થિતિ ધ્યાને લેતાં વિધાર્થીઓનું શૈક્ષણિક ભારણ/ચિંતા ઘટે અને વાલીઓનો પણ તણાવ હાલની પરીક્ષા પધ્ધતિને લઈને ઘટે તે દિશામાં ચિંતા કરતાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં હવેથી લેવાનાર આગામી ધો. 9થી 12ની પરીક્ષાઓની હાલની અમલી પધ્ધતિમાં બદલાવ કરવા સંવેદનશીલ રાજ્ય સરકારે નિર્ણય કરેલો છે.
હાલનું નિયત થયેલી પરીક્ષા પધ્ધતિનું માળખુ
ક્રમ | ધોરણ | હેતુલક્ષી પ્રશ્નો | વર્ણનાત્મક પ્રશ્નો | વિકલ્પનો પ્રકાર |
1 | 9,10,11 અને 12 (સા.પ્ર.) | 20% | 80% | ઇન્ટરનલ |
2 | 12 (વિ.પ્ર.) | 50% (OMR) | 50% | ઇન્ટરનલ |
હવેથી અમલમાં આવનાર પરીક્ષા પધ્ધતિનું માળખુ
ક્રમ | ધોરણ | હેતુલક્ષી પ્રશ્નો | વર્ણનાત્મક પ્રશ્નો | વિકલ્પનો પ્રકાર |
1 | 9,10,11 અને 12 (સા.પ્ર.) | 30% | 70% | જનરલ |
2 | 12 (વિ.પ્ર.) | 50% (OMR) | 50% | જનરલ |
વાલીઓને રાહત થશે અને વિદ્યાર્થીઓને ઉત્તર આપવામાં વિકલ્પો મળશે
રાજ્ય સરકારના ઝડપથી અને સમયસર કરેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અને રાહત મળશે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં પ્રશ્નોના જવાબ આપવા વધારે વિકલ્પોની તક મળશે. આમ રાજ્યના ધોરણ 9,10,11 અને 12માં અભ્યાસ કરતાં કુલ 29,75,285 જેટલા વિદ્યાર્થીઓને આ સંવેદનશીલ અને સમયસરના નિર્ણયથી લાભ થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.