વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં CBSEની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગઈકાલે પીએમએ CBSEની પરીક્ષા રદ કરી હતી
ગઈકાલે(મંગળવાર) 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું હતું. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? ત્યારબાદ આજે અઢી કલાકની કેબિનેટની બેઠક બાદ અંગે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
પરીક્ષા રદ નહિ થાય તો NSUI દ્વારા આંદોલન ચિમકી અપાઈ હતી
NSUIના વિદ્યાર્થીઓએ પણ આ પરીક્ષા રદ કરવા માટે માગણી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર આ નિર્ણય વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને લઈ શકે તો ગુજરાતના વિદ્યાર્થીઓ માટે પણ શિક્ષણમંત્રીએ આ બાબત ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ. આ નિર્ણય લેવામાં નહીં આવે તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે અને DEO કચેરીનો ઘેરાવ કરીને વિરોધપ્રદર્શન પણ કરવામાં આવશે.
ધો. 10ના 3.80 લાખ રિપીટર્સ અંગે પછી નિર્ણય
NSUIએ ધોરણ 10ના રિપીટર્સ વિદ્યાર્થીઓને પાસ કરવાની માગણી કરી છે. આવા વિદ્યાર્થીઓને સરકાર પાસ કરવા માગે છે, પણ કયા ધોરણ કઇ રીતે લાગુ કરવા એ પ્રશ્ન સરકારને મૂંઝવે છે. આ અંગે હવે પછી નિર્ણય કરવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.