રાજ્યમાં હવે તહેવારો શરૂ થતાં મુસાફરો માટે એસ.ટી નિગમે મોટાભાગના સ્થળો પર ટ્રીપો વધારી દીધી છે. જેમાં આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચૂક્યો છે. શ્રાવણ માસમાં તહેવારોની ભરમાર રહેશે. ત્યારે આવા સમયે લોકો બહાર જવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈને 600 એક્સ્ટ્રા એસટી બસોનું સંચાલન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેથી મુસાફરોને તમામ સ્થળો પર જવા માટે સરળતાથી બસ મળી રહે.
10 ટકા સ્પેરમાં રહેતી બસો દોડાવાશે
સામાન્ય રીતે રજાઓ અને તહેવાર દરમિયાન સોમનાથ, દ્વારકા, અંબાજી, પાવાગઢ, ડાકોર, ચોટીલા, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મુસાફરોનું પ્રમાણ વધુ થાય છે. જેથી એસટી નિગમ દ્વારા સ્પેરમાં રખાતી 10% બસમાંથી 600 જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન આગામી તહેવારો દરમિયાન કરવામાં આવશે. આગામી સમયમાં જન્માષ્ટમી અને રક્ષાબંધન જેવા તહેવારો આવી રહ્યા છે, આથી મુસાફરોનો વધારે ધસારો હોય છે. આમ ટ્રાફિક એન્ડ માંગ પ્રમાણે નિગમ દ્વારા વધારાનું સંચાલન હાથ ધરાશે. હાલ રાજ્યમાં 6300 જેટલી બસોનું સંચાલન ચાલુ છે. જે 75 ટકા સિટિંગ કેપેસિટી સાથે ચાલે છે. હવે ભીડ વધતા સંચાલન પણ વધશે. જો કે, નિગમે મુસાફરોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા વિનંતી કરી છે.
રજાના દિવસોમાં લોકો ફરવા જતા હોય છે
એસ.ટી વિભાગના પ્રવક્તા કે.ડી દેસાઈએ જણાવ્યું હતું કે, હવે તહેવારો આવી રહ્યા છે, જેથી તમામ ડેપો પર અમે જરૂરિયાત મુજબ ટ્રીપ વધારી રહ્યા છે. ખાસ કરીને રજાના દિવસમાં પણ હવે લોકો ફરવા લાયક સ્થળ જવાનું વધુ પસંદ કરતાં હોય છે, જેથી દ્વારકા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, પાવાગઢ અને ડાકોર માટે પણ અમે ટ્રીપ વધારી છે. આ સિવાય કેટલીક બસો સ્ટેન્ડ બાય રખાય છે. જેમ ડિમાન્ડ વધશે તેમ તે બસોનું સંચાલન ચાલુ કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.