ગુજરાત હાઇકોર્ટના આદેશનું પાલન નહીં કરવાના વલણ સામે ચીફ જસ્ટિસે ગુજરાત રાજ્ય સમાજ કલ્યાણ બોર્ડના અધિકારીઓ સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. વર્ષ 2019માં થયેલ કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજીમાં આપેલ બાહેંધરી પ્રમાણે કાર્યવાહી કરવામાં નથી આવી. જેથી આ મામલે ફરી એક વાર કન્ટેન્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવામાં આવી છે. બે કર્મચારીઓને કાયમી કરવાની બાબતે નાણાં વિભાગે બોર્ડની ફાઇલમાં ઉલ્લેખ કર્યો હતો કે 'કોર્ટનો કોઈપણ નીતિ વિરોધનો આદેશ હોય, તો તેનું પાલન કરતા પહેલા તેમની અગાઉથી પરવાનગી લેવા માટે સૂચના આપવામાં આવે છે.
વધુ પડતી ચાલાકી બતાવવાનો પ્રયાસ ન કરશો
આ મામલે મુખ્ય ન્યાયધીશની ખંડપીઠે ભારે નારાજગી વ્યકત કરી છે. હાઈકોર્ટે ટકોર કરતાં કહ્યું કે, વધુ પડતી ચાલાકી બતાવવાનો પ્રયાસ ન કરશો.કર્મચારીઓને કાયમ કરવાની બાબતે નાણા વિભાગ અને બોર્ડ વચ્ચે ચાલતી ફાઈલમાં ઉલ્લેખ કરવામાં આવેલ એક વાતને લઈને પણ કોર્ટે વાંધો ઉઠાવ્યો છે. સમાજ કલ્યાણ બોર્ડની ઉપરી કચેરી એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પણ એક પત્ર રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે 'નાણાં વિભાગની સૂચના પ્રમાણે હવે પછી જ્યારે કોઈ કોર્ટ કેસનો ચુકાદો પ્રવર્તમાન નીતિ-નિયમ વિરુદ્ધ હોય, ત્યારે નિર્ણય કરતા પહેલા વિભાગની પરવાનગી લેવા સુચના આપવામાં આવે છે.
ડીવીઝન બેન્ચે સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો
પ્રસ્તુત કિસ્સામાં વર્ષ 2017માં લેબર કોર્ટે 25 વર્ષની નોકરીમાં આધારે 2 કર્મચારીઓને 25% બેક વેજીસ આપી કાયમી કરવાનો આદેશ કર્યો હતો. જે આદેશને ગુજરાત સમાજ કલ્યાણ બોડૅ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે કાયમી કરવાનો નિર્ણય યથાવત રાખ્યો પરંતુ 25% બેક વેજીસનો મુદ્દો મંજૂર ન કર્યો. તેની સામે ફરીથી બોર્ડ દ્વારા ડિવિઝન બેંચમાં સિંગલ જજના આદેશને પડકારવામાં આવ્યો. જેમાં ડીવીઝન બેન્ચે સિંગલ જજના આદેશને માન્ય રાખ્યો.
બે કર્મચારીઓને કાયમી નહોતા કરાયા
લેબર કોર્ટ અને હાઇકોર્ટના બે હુકમ બાદ પણ બોર્ડ દ્વારા બે કર્મચારીઓને કાયમી ન કરવામાં આવ્યા. જેથી હાઈકોર્ટના આદેશના તિરસ્કારને લઈ વર્ષ 2019માં અરજી કરવામાં આવી હતી. જે દરમિયાન બોર્ડ તરફથી બંને કર્મચારીઓને કાયમી કરવાની બાંહેધરી આપી ઓર્ડર કર્યો હતો. જેથી કન્ટેમ્પટની અરજીનો નિકાલ થયો હતો .જ્યારે બન્ને કર્મચારીઓ 29-6 2019 ના રોજ નિવૃત્ત થયા ત્યારે કાયમી કરવાનો હુકમ અને એડહોક તરીકે નિમણૂક હુકમ પણ બોર્ડ રદ કરી નાખ્યો. જેની સામે ફરીથી અરજદાર વતી એડવોકેટ વશિષ્ઠ એમ.જોષી દ્વારા કન્ટેમ્પટ ઓફ કોર્ટની અરજી કરવામાં આવી. જે અંગે મુખ્ય ન્યાયધીશ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની ખંડપીઠે બોર્ડના વલણ પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.