તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકાર સુપ્રીમમાં જશે:નામ-અટક બદલી, ખોટી લાલચો આપી બહેન-દીકરીઓને લગ્ન માટે ફસાવવાના હીન પ્રયાસને રાજ્ય સરકાર સાંખી નહીં લે- પ્રદીપસિંહ

એક મહિનો પહેલા
કાયદા અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા.
  • લવ-જેહાદ કાયદા પર હાઈકોર્ટે મનાઈહુકમ આપતા ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં પડકારશે
  • ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર કરી બહેન-દીકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ

નામ બદલી- અટક બદલી -હાથે નાડાછડી બાંધી, હિંદુ ધર્મના પ્રતિકોનો ખોટો દુરુપયોગ કરી, ખોટી લાલચો આપી, છેતરીને બહેન- દીકરીઓને લગ્ન કરવા ફસાવવાના હીન પ્રયાસને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં તેમ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દીકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે કેટલાંક વિરોધી તત્વોએ આ કાયદાનું ખોટુ અર્થઘટન કરીને કોર્ટમાં પિટિશન કરી હતી અને હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ અપાતા આ મનાઈ હુકમને ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.

કાયદા રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતમાં હિંદુ સહિત તમામ ધર્મની બહેન-દીકરીઓને સુરક્ષિત કરવાના મક્ક્મ નિર્ધાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. દીકરીઓ સાથે દુર્વ્યવહાર કરનારા જેહાદી તત્વોને નાથવા માટે અમે લવ-જેહાદનું કાયદારૂપી શસ્ત્ર રાજકીય દ્રઢ ઈચ્છાશક્તિના પરિણામે ઉગામ્યું છે. ખોટા હિંદુ નામ ધારણ કરી, હિંદુ ચિહ્નો ધારણ કરી, લોભ-લાલચ કે પ્રલોભનથી ફસાવીને બહેન-દીકરીઓ સાથે વિશ્વાસધાત કરીને કરવામાં આવતા લગ્નો ઉપર રોક લગવવાના શુભ ઇરાદાથી રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દીકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે.

જાડેજાએ ઉમેર્યું કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આ શસ્ત્ર ઉગામીને બહેન દીકરીઓને સુરક્ષિત કરવા માટે લાવવામાં આવેલ આ કાયદો એ પોલિટિકલ એજન્ડા નહી પણ દુર્વ્યવહાર પ્રત્યેની વ્યથાને વ્યવસ્થામાં પરિવર્તીત કરવાનો સનિષ્ઠ પ્રયાસ છે. બહેન-દીકરીઓને ફસાવવાના આ હીન પ્રયાસને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. રાજ્ય સરકારે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક ગુજરાત વિધાનસભા ખાતે પસાર કરી બહેન દીકરીઓને સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે કેટલાંક વિરોધી તત્વોએ આ કાયદાનું ખોટુ અર્થઘટન કરીને કોર્ટમાં પિટિશન કરી હતી અને હાઈકોર્ટ દ્વારા મનાઈ હુકમ અપાતા આ મનાઈ હુકમને ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવશે.

મંત્રીએ ઉમેર્યુ કે ગુજરાત ધર્મસ્વાતંત્ર્ય અધિનિયમ, 2003ની જોગવાઈઓમાં સરકારે સુધારો કર્યો છે જે મુજબ લાલચને લગતી જોગવાઈમાં વધુ સારી જીવનશૈલી, દૈવી-કૃપા જેવી અન્ય જોગવાઈ ઉમેરવામાં આવેલ. કપટયુક્ત સાધનોની જોગવાઈમાં ધાર્મિક ચિહ્નો વગેરેનો ખોટો ઉપયોગ પણ ઉમેરવામાં આવેલ છે. આ ઉપરાંત કલમ-3ની જોગવાઈમાં બળ, લાલચ, કપટ વગેરે માધ્યમો થકી કરાતા ધર્મપરિવર્તનમાં લગ્નના માધ્યમથી ધર્મપરિવર્તન ન કરી શકાય તે માટે સુધારો કર્યો છે. જેનુ ધર્મ-પરિવર્તન કરવામાં આવેલ હોય તેનાથી નારાજ વ્યક્તિ ઉપરાંત તેમના નજીકના સંબંધીઓ પણ પોલીસમાં ફરિયાદ કરી શકે તે માટે જોગવાઈ ઉમેરવામાં આવી હતી.

મંત્રીએ જણાવ્યું હતું કે આ કાયદાની સુધારેલી કલમ-3 મુજબ કોઈ પણ વ્યક્તિનું એક ધર્મથી અન્ય ધર્મમાં ધર્માંતરણ બળજબરી/દબાણ દ્વારા, અથવા લાલચ/પ્રલોભન દ્વારા અથવા કપટયુક્ત સાધનો દ્વારા અથવા લગ્ન દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલ છે. તદુપરાંત સુધારેલા અધિનિયમની કલમ 4-બ એ નક્કી કરે છે કે કોઈપણ લગ્ન કે જે એક ધર્મના વ્યક્તિ દ્વારા બીજા ધર્મની વ્યક્તિ સાથે ગેરકાયદેસર ધર્માંતરણ કરવાના હેતુથી કરવામાં આવે તેને ફેમિલી કોર્ટ દ્વારા રદબાતલ જાહેર કરવામાં આવશે.

વિશેષમાં તેમણે કહ્યુ કે આ કાયદાની કલમ-5 જે આ કાયદાનું હાર્દ છે તે જોગવાઈ પણ આ સુધારેલા કાયદામાં યથાવત રાખવામાં આવેલ જેથી જ્યારે કોઇ વ્યક્તિ, ધર્મગુરુ કે મૌલવી કોઇ વ્યક્તિનું એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવવા ધારે તો મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવી ફરજીયાત બનાવવામાં આવેલ છે અને જે વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરવામાં આવે તેના દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને જાણ કરવાની જોગવાઈ છે અને કોઇ વ્યક્તિ આ જોગવાઈનું ઉલ્લંઘન કરે તેને એક વર્ષ સુધીની જેલ અને દંડની સજા થઈ શકે છે.

તેમણે ઉમેર્યું કે, કેટલીક વ્યક્તિઓ દ્વારા આ કાયદાની જોગવાઇઓને પડકારતી અરજીઓ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલ જેની સુનવણી દરમિયાન, 2021ના સુધારેલા આ કાયદાના હેતુઓ તેમજ ઉપરોક્ત પાસાઓને ધ્યાનમાં લીધા બાદ, ગુજરાતની નામદાર ઉચ્ચ અદાલતે તેના તારીખ 19-8-2021ના વચગાળાનો આદેશ આપતા સ્પષ્ટતા કરી છે કે, આ અરજીઓની અંતિમ સુનાવણી બાકી છે ત્યાં સુધી કલમ 3, 4, 4ક, 4ખ, 4ગ, 5, 6ક ને બળજબરી/દબાણ અથવા પ્રલોભન/લાલચ અથવા કપટયુક્ત માધ્યમો વિના લાગુ પાડી શકાશે નહીં. આમ, ઉપરોક્ત સંજોગોમાં કે જેમાં લગ્ન દ્વારા વ્યક્તિને એક ધર્મમાંથી બીજા ધર્મમાં ધર્માંતરિત કરવા માટે બળ, લાલચ અથવા કપટનું માધ્યમ અપનાવામાં આવેલ હોય તો તેવા ધર્મ પરિવર્તનનો હાલમાં પણ અધિનયમની કલમો મુજબ પ્રતિબંધિત રહેશે અને ઉપરોક્ત કલમો 3, 4, 4ક, 4ખ, 4ગ, 5, 6 અને 6ક લાગુ પડશે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે 2003ના અધિનિયમની કલમ-5, કે જે એક ધર્મથી બીજા ધર્મમાં પરિવર્તન માટેની પદ્ધતિ વિશેની જોગવાઇ કરે છે, તેમાં ધર્મ પરિવર્તન માટેની અગાઉની પરવાનગી વિશેની જોગવાઇ કરે છે. તેથી આ 2003ના અધિનિયમની કલમ-5નો ઉલ્લેખ હાઇકોર્ટના ઉપરોક્ત હુકમના ફકરા-8માં ક્ષતિયુક્ત લાગતાં, હાઈકોર્ટના તા. 19/8/2021ના હુકમમાં સુધારો કરી કલમ-5નો ઉલ્લેખ દૂર કરાવવા માટે સરકારે આજ રોજ હાઈકોર્ટમાં અરજી દાખલ કરેલ જેની સુનાવણી દરમિયાન હાઈકોર્ટ દ્વારા તે અરજીનો સ્વીકાર કરવાનું કોઇ કારણ નથી તેમ જણાવી અરજી કાઢી નાખેલ છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ આ સુધારા અરજીને હાઇકોર્ટ દ્વારા સ્વીકારવામાં ન આવતાં, હાઇકોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટ સમક્ષ પડ્કારવામાં આવશે.