ગુજરાતમાં આવતીકાલથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. શહેરના બોપલ, બાપુનગર, મણિનગર, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ઘોધમાર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે રાજ્યમાં આજે સારા વરસાદની આગાહી કરી છે
અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો
વીજળીના કડાકાભડાકા સાથે બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. શહેરના બોપલ, સેટેલાઈટ, એસજી હાઈવેનો પટ્ટો, સરખેજ, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ગોતા, સરસપુર, કાલુપુર, અસારવા, અમરાઈવાડી, વટવા, જશોદાનગર, ખોખરા, વસ્ત્રાલ, નિકોલ, હાટકેશ્વર, ઓઢવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.
આજે રાજ્યમાં સારા વરસાદની સંભાવના
આજે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની 20 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે
આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે. જેને પગલે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં વરસાદની જે ઘટ પડી છે ત્યારે રાહતના સમાચાર મળી શકે છે.
14મી સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા
બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14મી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન આવતીકાલે બુધવાર સુધીમાં વરસાદની સિસ્ટમ સર્જાવાના એંધાણ છે. આવતી 8 અને 9 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.