પ્રાથમિક શિક્ષકોનો ગ્રેડ પે ઘટાડવાનો પરિપત્ર હાલ સ્થગિત કરવામાં આવ્યો છે. સરકાર અને શિક્ષણ સંઘ વચ્ચેની ચોથી બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો રાજ્યના અંદાજે 65 હજારથી વધુ શિક્ષકોને લાભ થવાનો છે. આમ હવે શિક્ષકોનો 4200નો ગ્રેડ પે યથાવત રહેશે. આ પહેલા ગુજરાતના 65 હજારથી વધુ શિક્ષકોના ગ્રેડ-પેના વિવાદના મામલે શિક્ષણમંત્રી અને શિક્ષક સંઘ વચ્ચે ત્રણ બેઠક યોજવામાં આવી હતી. આમ છતાં આ વિવાદનો કોઇ ઉકેલ આવી શક્યો નહોતો.
પરિપત્રનો અમલ સ્થગિત કરવાની મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, આ પત્રના અનુસંધાને શિક્ષક સંઘો અને શિક્ષક આલમમાં જે અસંતોષની લાગણી હતી તે હવે મુખ્યમંત્રીના આ નિર્ણયથી સંપૂર્ણપણે દૂર થઇ છે. શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબહેન દવેની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષણિક મહાસંઘના પદાધિકારીઓ સાથેની સફળ બેઠક બાદ શિક્ષણમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારના આ પત્રના સંદર્ભમાં શિક્ષક સંઘો દ્વારા થયેલી વિવિધ રજૂઆતો બાબતે છેલ્લા 15 દિવસમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષણ મંત્રી કક્ષાએ તેમજ અંતિમ નિર્ણય માટે મુખ્યમંત્રી કક્ષાએ પરામર્શ-ચર્ચાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ તદઅનુસાર શિક્ષક સમૂદાયના વ્યાપક હિતમાં નિર્ણય લઇને 25 જૂન 2019નો શિક્ષણ વિભાગના આ પરિપત્રનો અમલ મોકૂફ-સ્થગિત કરવાની વિભાગને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
4200નો ગ્રેડ-પે 2800 કરતા શિક્ષકો આંદોલનના માર્ગે વળ્યા હતા
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં વર્ષ-2010 બાદ ભરતી થયેલા શિક્ષકોને 9 વર્ષે મળવાપાત્ર રૂપિયા 4200ના ગ્રેડ-પેમાં કોઇ જ અભ્યાસ કે શિક્ષકોના મંતવ્ય લીધા વિના જ ગ્રેડ પે રૂપિયા 2800 કરી દેવામા આવ્યો છે. આથી રાજ્યભરના 65000 શિક્ષકોને દર મહિને પગારમાં અંદાજે 10,000નું આર્થિક નુકશાન થઇ રહ્યું છે. શિક્ષકોને થઇ રહેલા અન્યાયના મામલે છેલ્લા એક વર્ષથી લડત આપી રહ્યા છે. તેમ છતાં રાજ્ય સરકારે મગનું નામ મરી પાડતા શિક્ષકોનો રોષ સાતમાં આસમાને પહોંચ્યો હતો. હાલમાં કોરોનાની મહામારીમાં રેલી કે આંદોલન કરી શકે નહીં તે માટે પ્રાથમિક શિક્ષકોએ ગ્રેડ પે 4200ની માંગણીને લઇને સોશિયલ મીડિયામાં લડત શરૂ કરી હતી. શિક્ષકોની માંગણીઓને મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ સમર્થન આપ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.