CM નહીં CRનું ચાલ્યું:મધ્ય ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પણ મંત્રીમંડળમાં દક્ષિણનો ડંકો, ઓછા MLA છતાં સૌરાષ્ટ્ર-મધ્યને પાછળ પાડ્યું

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મયંક વ્યાસ
  • કૉપી લિંક
  • દક્ષિણ ગુજરાતના ધારાસભ્યો ફક્ત 24 છતાં 30% મંત્રીઓ મળ્યા, મધ્યમાં 43 MLA છતાં માંડ 15% જ મંત્રી બની શક્યા
  • ઉત્તરમાં ગુજરાતમાં તો મંત્રીપદની ફાળવણીમાં પણ દુકાળ પડ્યો, સૌરાષ્ટ્ર-કચ્છને ફાળે પણ 7 જ મંત્રીઓ આવ્યા

ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મંત્રીમંડળની રચનાનું કોકડું આખરે ઉકેલાઈ ગયું છે. ગાંધીનગર રાજભવન ખાતે ગુરુવારે પટેલ સરકારના કેબિનેટ કક્ષાના 10 અને રાજ્યકક્ષાના કુલ 14 મંત્રીઓએ શપથ લીધા હતા. આ સાથે જ 24 મંત્રીઓ અને 25મા મુખ્યમંત્રી ધરાવતી કેબિનેટની રચના થઈ ચૂકી છે. જો કે, આ વખતે કેબિનેટની રચનામાં દક્ષિણ ગુજરાતના 7 સભ્યોની સંખ્યા જોવા મળી છે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે મંત્રીમંડળની રચનામાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો જ દબદબો રહ્યો છે.

દક્ષિણ ગુજરાતને લોટરી લાગી, મંત્રીઓની સંખ્યા બેવડાઈ 7 થઈ
આ વખતે ઝોનવાઈઝ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતને રીતસરની લોટરી લાગી છે તેવું કહી શકાય. આમેય સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ બન્યા તે દિવસથી જ નક્કી ગણાતું હતું કે આગામી કેબિનેટ વિસ્તરણમાં દક્ષિણનું પ્રતિનિધિત્વ વધશે. અગાઉ વિજય રૂપાણી કેબિનેટમાં દક્ષિણ ગુજરાતના માત્ર 4 મંત્રીઓ હતા જેના સ્થાને હવે ભૂપેન્દ્રદાદાની કેબિનેટમાં દક્ષિણના 7 મંત્રીઓ સમાવાયા છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતના 7-7 તથા ઉત્તર ગુજરાતના 3 મંત્રીઓનો નવી કેબિનેટમાં સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતના ધારાસભ્યો વધુ છતાં 7-7 મંત્રીઓ
ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં મંત્રીઓની ફાળવણીની બાબતમાં ઝોનવાર પણ બેલેન્સ કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતને 7 મંત્રીઓ મળ્યા, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતને પણ 7-7 મંત્રીઓ મળ્યા છે. ભાજપની સરકારમાં દક્ષિણના ફક્ત 24 ધારાસભ્યો છે, જ્યારે મધ્ય ગુજરાતના 43 અને સૌરાષ્ટ્ર-કચ્છના 32 ધારાસભ્યો છે. આમ છતાં સૌથી વધુ ધારાસભ્યોની સરખામણીએ મધ્ય ગુજરાતને મંત્રીમંડળમાં ઓછું પ્રતિનિધિત્વ મળ્યું છે.

ઉત્તરના મંત્રી વધ્યા પણ અપેક્ષામાં નવી કેબિનેટ ઊણી ઉતરી
ઉત્તર ગુજરાતની વાત કરીએ તો હાલની કેબિનેટમાં ઉત્તર ગુજરાતના મંત્રીઓની સંખ્યા 3 થઈ છે. અગાઉની રુપાણી કેબિનેટની તુલનામાં ઉત્તર ગુજરાતને આ વખતે 1 મંત્રી વધુ મળ્યા છે. અલબત્ત, ઉત્તર ગુજરાતમાં ગત ચૂંટણીમાં ભાજપનું ઘોવાણ થયું હતું અને કુલ 32માંથી ફક્ત 14 સીટો પર જ ભાજપનો વિજય થયો હતો. આ બાબતને ધ્યાને રાખે આ વખતે નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતના સભ્યોની સંખ્યા હજી વધીને 5ને પાર જાય અને સ્થાનિક કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થાય તેવી ગણતરી હતી.

કેબિનેટ કક્ષાના 3, રાજ્યકક્ષાના 4 મંત્રીઓથી દક્ષિણ જોરમાં
ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં દક્ષિણ ગુજરાતના 3 ધારાસભ્યો- પૂર્ણેશ મોદી (સુરત પશ્ચિમ), કનુભાઈ દેસાઈ (પારડી-વલસાડ) તથા નરેશ પટેલ (ગણદેવી - નવસારી )નો સમાવેશ થાય છે. જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં દક્ષિણ ગુજરાતના હર્ષ સંઘવી (મજુરા- સુરત), જીતુ ચૌધરી (કપરાડા - વલસાડ), મુકેશ પટેલ (ઓલપાડ- સુરત) તથા વિનોદ મોરડીયા (કતારગામ- સુરત) સામેલ છે. આમ નવા મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતને ઓછા ધારાસભ્યોએ પણ વધુ પ્રતિનિધિત્વ મળી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...