સત્તા પહેલાં શ્રદ્ધા:ગૃહમંત્રીએ ભારતમાતા, શિક્ષણમંત્રીએ ગણેશજી અને શહેરી વિકાસમંત્રીએ નીલકંઠ વર્ણીની સ્થાપના કરી ચાર્જ સંભાળ્યો

અમદાવાદ3 મહિનો પહેલા
  • તમામ મંત્રીઓએ પોતાના પરિવારના સભ્યો સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો

ગત ગુરુવારે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ હતી, જેમાં 24 મંત્રીએ શપથ લીધા હતા, જેમાંથી 7 મંત્રીએ આજે ચાર્જ સંભાળ્યો છે. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ ખાતે મંત્રીઓએ ખુરશી પર બેસતાં પહેલાં ઓફિસમાં પૂજા કરાવી હતી, જેમાં ગણેશજી, નીલકંઠ વર્ણી, ભગવદ્ ગીતા સહિતની મૂર્તિ-પુસ્તકોની સ્થાપના કરી પૂજા-આરતી કરી હતી. શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ચાર્જ સંભાળતાં પહેલાં પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના આશીર્વાદ લીધા હતા, જ્યારે ભૂપેન્દ્રસિંહે વાઘાણીને ગણેશજીની મૂર્તિ તેમજ પેન ભેટ આપી હતી. ગૃહમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ ભારતમાતાની પૂજા કરી ચાર્જ સંભાળ્યો હતો

7 મંત્રીએ ચાર્જ સંભાળ્યો
શ્રાદ્ધ પહેલાં જ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે વહેલી સવારથી એક પછી એક મંત્રીઓએ ચાર્જ સંભાળી લીધો છે. સૌથી પહેલા શિક્ષણમંત્રી જિતુ વાઘાણી, શ્રમ અને રોજગારમંત્રી બ્રિજેશ મેરજા અને કૃષિમંત્રી રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યો હતો. ત્યાર બાદ કૃષિમંત્રી રાઘવજી પટેલ, દેવાભાઈ માલમ બાદ મહિલા અને બાળકલ્યાણ (સ્વતંત્ર હવાલો), સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગનાં મંત્રી મનીષાબેન વકીલે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો. તમામ મંત્રીઓએ પોતાના પરિવાર સભ્યો સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો.

મંત્રી મનીષાબેન વકીલે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો.
મંત્રી મનીષાબેન વકીલે પણ આજે ચાર્જ સંભાળ્યો હતો.

પિતા સાથે ઓફિસ પહોંચ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી
રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પોતાના પિતા સાથે ઓફિસમાં પ્રવેશ કર્યો હતો, સાથે જ પોતાની સાથે‘ યશસ્વી ભારત, ભગવદ્ ગીતા અને માય જર્ની વિથ એન આઈડિયોલોજી નામનાં ત્રણ પુસ્તકો લઈને પોતાની ચેમ્બરમાં આવ્યા હતા, જ્યાં તેમણે યશસ્વી ભારત, ભગવદ્ ગીતા તેમજ ભારતમાતાની પૂજા-આરતી કરી હતી. ઉપરાંત શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઈ મોરડિયાએ નીલકંઠ વર્ણીની મૂર્તિની સ્થાપના કરી પૂજા-આરતી કર્યા બાદ ઓફિસમાં પહેલા દિવસની શરૂઆત કરી હતી.

રાજ્યકક્ષાના શ્રમ અને રોજગારમંત્રી બ્રિજેશ મેરજાએ પૂજાવિધિ કરીને ચાર્જ સંભાળ્યો.
રાજ્યકક્ષાના શ્રમ અને રોજગારમંત્રી બ્રિજેશ મેરજાએ પૂજાવિધિ કરીને ચાર્જ સંભાળ્યો.

નીતિન પટેલ માટે બનાવેલી ચેમ્બર હવે રાજેન્દ્ર ત્રિવેદી પાસે
નવા મંત્રીમંડળની રચના સાથે હવે સ્વર્ણિમ સંકુલમાં પણ પાવર સેન્ટર બદલાયાં છે. જૂના મંત્રીઓએ ખાલી કરેલી ચેમ્બરો નવા મંત્રીઓને ફાળવવાના વિધિવત્ આદેશ સામાન્ય વહીવટ વિભાગે આપ્યા છે. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ નીતિન પટેલ માટે સ્વર્ણિમ સંકુલના બીજા માળે બનાવેલી આલીશાન ચેમ્બર હવે રાજેન્દ્ર ત્રિવેદીને ફાળવાઈ છે. સ્વર્ણિમ સંકુલ-1ના બીજા માળે નીતિન પટેલના સ્ટાફની ચેમ્બર હવે જિતુ વાઘાણીને અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ચેમ્બર કૃષિમંત્રી રાઘવજી પટેલને ફાળવી છે.

નવી સરકારનું, નવું મંત્રીમંડળ
10 + 1 કેબિનેટ મંત્રી

ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યમંત્રી)
રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા
જિતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ, વીસનગર
પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
રાઘવજી પટેલ, જામનગર ગ્રામ્ય
કનુભાઈ દેસાઈ, પારડી
કિરીટસિંહ રાણા, લીંબડી
નરેશ પટેલ, ગણદેવી
પ્રદીપ પરમાર, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ

5 રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી, મજૂરા
જગદીશ પંચાલ, નિકોલ
બ્રિજેશ મેરજા, મોરબી
જિતુ ચૌધરી, કપરાડા
મનીષા વકીલ, વડોદરા

9 રાજ્યકક્ષાના મંત્રી
મુકેશ પટેલ, ઓલપાડ
નિમિષાબેન સુથાર, મોરવા હડફ
અરવિંદ રૈયાણી, રાજકોટ
કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
આર. સી. મકવાણા, મહુવા
વિનુ મોરડિયા, કતારગામ
દેવા માલમ, કેશોદ

અન્ય સમાચારો પણ છે...