તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટી સફળતા:ગુજરાત NCBએ વડોદરામાં MD ડ્રગ્સનું મોટું કન્સાઈનમેન્ટ ઝડપ્યું, 2 મહિલા સહિત 7 પાસેથી કરોડોના જથ્થો જપ્ત કર્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
NCBએ જપ્ત કરેલો MD ડ્રગ્સનો જથ્થો અને રોકડ રકમ - Divya Bhaskar
NCBએ જપ્ત કરેલો MD ડ્રગ્સનો જથ્થો અને રોકડ રકમ
  • મહારાષ્ટ્રથી લોકલ કેરિયર મારફતે ગુજરાત માટે MD ડ્રગ્સ મોકલાયું હતું
  • કન્સાઈનમેન્ટ ગુજરાત માટે કોણ મોકલતું હતું? આરોપીઓની પુછપરછમાં ખુલવાની શક્યતા

ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે વડોદરામાંથી મોટી માત્રામાં ડ્રગ્સ કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું છે. NCBને MD ડ્રગ્સની હેરાફેરી અંગે ચોક્કસ બાતમી હકીકત મળી હતી કે, મહારાષ્ટ્રથી લોકલ કેરિયર મારફતે ગુજરાત માટે મોકલાયું છે. જે માહિતી આધારે વડોદરામાં રેડ કરતાં 7 શખસની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે બે મહિલાઓને પણ પકડી છે, જેઓ આ MD ડ્રગ્સ સિન્ડિકેટ સાથે સંડોવાયેલ હોઈ શકે છે.

વધુ લિંક પકડવા NCBએ તપાસ શરૂ કરી
હાલમાં પકડાયેલા સાતેય આરોપીઓ પાસેથી 994 ગ્રામ મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન (MDMA)કબ્જે કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં રોકડ રૂ. 7.50 લાખ કબ્જે કરવામાં આવ્યા છે. MD ડ્રગ્સના મહારાષ્ટ્રથી આવેલા આ કન્સાઇનમેન્ટની વધુ લિંક જાણવા NCBએ ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી કન્સાઈનમેન્ટ ગુજરાત માટે કોણ મોકલતું હતું? અને તેનો માફિયા કોણ છે તે બાબતે આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે NCBની ટીમે પકડાયેલા આરોપીઓ પાસેથી 3 કાર કબજે કરી છે.

સ્પેશિયલ ઓપરેશનમાં NCBને સફળતા
ઉલ્લેખનીય છે કે, MD ડ્રગ્સ પકડવા માટે NCBની ટીમે સ્પેશિયલ ઓપરેશન પાર પાડી MD ડ્રગ્સના નેટવર્કની તોડી પાડ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે લાખો રૂપિયાના MD ડ્રગ્સ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડવાનું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં પ્રથમ વખત NCBએ MD ડ્રગ્સ અને આ મોટા કન્સાઈન્મેન્ટને પકડી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે.

MD ડ્રગ્સ શું છે અને કેવી રીતે તે મૂડ બદલે છે
મેથિલેનેડિઓક્સી મેથેમ્ફેટેમાઇન (MDMA) એટલે કે MD ડ્રગ્સ એક પ્રકારનું સિન્થેટિક ડ્રગ છે. જે એકાએક મૂડને ઉત્તેજિત કરીને અલગ પ્રકારની રંગીન દુનિયામાં હોવાનો અહેસાસ કરાવે છે. તે સ્ટીમ્યુલન્ટ અને હેલુસિનોજેન્સ એટલે કે મૂડ ઉત્તેજક તરીકેની રાસાયણિક પ્રક્રિયા શરીરમાં ભજવે છે. MDMAને ઈસ્ટેસી અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. MD ડ્રગ્સ અન્ય માદકદ્રવ્યો જેવા કે કોકેઈનની સરખામણીમાં સસ્તું અને વધુ નશાકારક હોવાનું મનાય છે.

રાજ્યના મોટા શહેરોમાં લોકો MD ડ્રગ્સનો નશો કરે છે
અગાઉ એક સંસ્થાએ એક યુવતીને ઈસમોની ચુંગાલમાંથી અમદાવાદમાં બચાવી હતી. આ ડ્રગ્સની લત એટલી ખરાબ છે કે જો તેનો ઓવરડોઝ થઈ જાય તો સેવન કરનારનું મોત પણ થઈ શકે છે. ડ્રગ્સનું રેકેટ પકડનારી સંસ્થાના એક અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, ગુજરાતના મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં MD ડ્રગ્સનો લોકો નશો કરે છે. જેમાં અમદાવાદ અને વડોદરા MD ડ્રગ્સના ઉપયોગ કરવામાં અન્ય શહેરો કરતા આગળ છે.

માલેતુજાર પરિવારના છોકરાઓને ટાર્ગેટ કરાય છે
MD ડ્રગ્સનો નશો મોંઘો હોય છે. સહુ કોઈ તેને એફોર્ડ કરી શકે તેમ નથી હોતા, એમ જણાવી તપાસ અધિકારીએ ઉમેર્યું હતું કે, MD ડ્રગ્સનો ધંધો કરનારા મોટાભાગે માલેતુજાર પરિવારના છોકરાઓને ટાર્ગેટ કરે છે. શરૂઆતમાં તેઓ આ છોકરાઓને ફસાવવા ફ્રીમાં કે અન્ય યારી-દોસ્તી બાંધવા તેમને MD ડ્રગ્સના રવાડે ચઢાવે છે. આ ખર્ચ પોતે જ ભોગવે છે અને તેને એક પ્રકારનું ઈન્વેસ્ટમેન્ટ ગણે છે જેમાં ચાર-પાંચ ઈસમો ભેગા હોય છે. પછી આ ઈસમો મળીને MD ડ્રગ્સનો બંધાણી છોકરો હોય તો તેની પાસે ઘરમાં ચોરી કરાવે છે તથા ક્યારેક ડિલિવરીબોય તરીકે પણ તેનો ઉપયોગ કરે છે. જ્યારે છોકરીઓનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવે છે.