પ્રજા તો છોડો ધારાસભ્ય પણ ધરણાં પર ઊતર્યા:પ્રજાનાં કામ પૂરાં કરાવવા માટે ધારાસભ્યની કફોડી હાલત, CMના સચિવની ઓફિસ સામે લાંબા થઈ સૂઈ ગયા

ગાંધીનગર2 મહિનો પહેલા
મુખ્યમંત્રીના સચિવની ઓફિસ સામે લાંબા થઈને સુઈ ગયેલા જશુ પટેલ.

ગુજરાત સરકાર પ્રજાનાં કામ કરે છે કે નહીં, તેનું ઉદાહરણ આજે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જોવા મળ્યું છે. ગ્રામ્ય વિસ્તારના કાચા રસ્તા, તૂટેલા રસ્તાનું સમારકામ કરાવી પાકા રસ્તાઓ બનાવવા જોબ નંબર ના ફાળવાતા હોવાની માંગ સાથે બાયડના કોંગી ધારાસભ્ય જશુ પટેલ મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંઘની ઓફિસ પાસે ધરણાં પર બેસી ગયા હતા.

CM અને અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથીઃ જશુ પટેલ
ધરણાં કરતી વખતે જ ધારાસભ્ય જશુ પટેલે દિવ્ય ભાસ્કર સાથે ફોન પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બે વર્ષમાં કુલ મળીને રૂપિયા 20 કરોડની રકમના રોડના જોબ નંબર સરકારે ફાળવ્યા નથી. મુખ્યમંત્રી અને અધિકારીઓને રજૂઆત કરી છતાં કોઈ સાંભળતું નથી. ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે એવા સંજોગોમાં મારા મત વિસ્તારમાં કાચા રોડના જે કામ મંજૂર કર્યાં છે, પણ જોબ નંબર ન ફળવતા કામ શરૂ થઈ શક્યાં નથી. લોકોને હાલાકી પડી રહી છે જેથી જોબ નંબર મેળવવા માટે અંતે ધરણાં પર બેસવું પડ્યું છે.

ધરણાંમાં જશુ પટેલ સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ જોડાયા હતા.
ધરણાંમાં જશુ પટેલ સાથે કોંગ્રેસના અન્ય ધારાસભ્યો પણ જોડાયા હતા.

‘બે વર્ષથી જોબ નંબર ફાળવતા નથી’
ધારાસભ્ય જશુ પટેલની માંગણી છે કે, તેમના મત વિસ્તાર બાયડમાં 20 કરોડના રોડ રસ્તાના જોબ નંબર ફાળવવામાં આવ્યા નથી. રોડ રસ્તાના જોબ નંબર ન ફાળવતા કામ શરૂ થઈ શકતા નથી. ચોમાસા દરમિયાન બાયડ વિસ્તારમાં રસ્તાની ખરાબ સ્થિતિ છે. સ્થાનિકોની માંગણી આધારે ધારાસભ્યએ રસ્તા મંજૂર કરાવ્યા હતા છતાં બે વર્ષથી રોડના જોબ નંબર ના ફાળવતા ધારાસભ્યને સચિવની ઓફિસ સામે ધરણાં પર બેસવાની ફરજ પડી હતી.

આરોગ્ય કર્મચારીની બદલી માટે અધિકારીઓ વારંવાર ધક્કા ખવડાવતા હતા.
આરોગ્ય કર્મચારીની બદલી માટે અધિકારીઓ વારંવાર ધક્કા ખવડાવતા હતા.

6 માસ અગાઉ આરોગ્ય કમિશનર ઓફિસે પણ ધરણાં કર્યાં હતાં
ધારાસભ્ય જશુ પટેલ અગાઉ પણ આરોગ્ય કમિશનરની ઓફિસ સામે ઘરણાં પર બેઠા હતા. ધારાસભ્ય જશુ પટેલે તેમના વિસ્તારના આરોગ્ય કર્મચારીની બદલી માટે અધિકારીઓ તેમને વારંવાર ધક્કા ખવડાવતા હતા જેથી કંટાળીને ધારાસભ્યોએ આરોગ્ય કમિશનરની ઓફિસ ખાતે જ ધરણાં પર બેસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...