ભાજપમાં ગણગણાટ:ગુજરાતનાં મહાનગરોમાં નેતાઓએ નોનવેજ ઝુંબેશ કોના કહેવાથી શરૂ કરી હતી? ખુદ મુખ્યમંત્રીએ સીધી દરમિયાનગીરી કરવી પડી

2 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • એકબાજુ પાટીલ અધિકારીઓને પક્ષના આગેવાનોની વાત સાંભળવાનું કહે છે, તો સત્તા પક્ષ ભાજપના નેતાઓએ કેમ આવું કર્યું!
  • ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ નોનવેજની ઝૂંબેશને વખાણી હતી

ગુજરાતની ચાર મહાનગરપાલિકા દ્વારા શહેરોમાંથી ઈંડાં-મટનની લારીઓ હટાવવાની શરૂ કરવામાં આવેલી ઝુંબેશ સામે ખુદ મુખ્યમંત્રીએ આડકતરી રીતે રોક લગાવવાના આદેશો કર્યા છે. ત્યારે ભાજપમાં ગણગણાટ શરૂ થઈ ગયો છે કે, મહાપાલિકાના શાસકોમાં સરકારને પૂછ્યા વિના શરૂ કરવાની હિંમત આવી કેવી રીતે? આની પાછળનું ગણિત શું હતું?

નોનવેજ-ઈંડાં લારી હટાવવાનો આદેશ કોનો?
ભાજપમાં જોરદાર ચર્ચા ચાલુ થઈ ગઈ છે કે, મહાનગરપાલિકાના માર્ગો પરના દબાણો હટાવવા એ મહાનગરપાલિકા અને અન્ય સત્તાવાળાઓની પ્રાથમિક ફરજ છે અને તે હેઠળ આ કામગીરી થઈ શકે છે, પરંતુ ચોક્કસ વર્ગ અને નોનવેજની લારીઓને જ ટાર્ગેટ કરીને જે કામગીરી થાય છે, એટલું જ નહીં, ગાંધીનગરથી આવા પ્રકારના આદેશ નથી અને ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ કહ્યું હતું કે, ભાજપનો આ નિર્ણય નથી તો પછી મહાનગરપાલિકાના હોદ્દેદારોએ કોના પાસેથી આ હિંમત લીધી?

મુખ્યમંત્રી ઝુંબેશથી નારાજ
મહાનગરપાલિકાઓની નોનવેજની ઝુંબેશને એક બાજુ રાજ્યના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ વખાણી હતી, સાથે સાથે અમદાવાદ, વડોદરા, ભાવનગર અને રાજકોટ મહાનગરપાલિકામાં આ મૌખિક નિર્ણય ભાજપના હોદ્દેદારોએ લીધો હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું હતું . તો બીજી બાજુ મુખ્યમંત્રીએ આ નિર્ણય સામે નારાજગી સાથે આડકતરો ઇશારો કરી આવી ઝુંબેશ બંધ કરવાના આદેશો પણ આપ્યા હતા.

જેને જે ખાવું હોય એ ખાય: મુખ્યમંત્રી
સોમવારે આણંદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્ત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે ‘કોઇ વેજ ખાય કે નોનવેજ ખાય એની સામે અમારો કોઇ પ્રશ્ન જ નથી. જેને જે ખાવું હોય એ ખાય, પણ લારીઓમાં વેચાતા ખાદ્ય પદાર્થ આરોગ્ય માટે હાનિકારક ના હોય એટલા પૂરતી જ વાત છે. ઉપરાંત ટ્રાફિકને અડચણ રૂપ લારી હટાવવા જેવી બાબત હોય એ પાલિકા, મહાપાલિકા હટાવી જ શકે એ એમાં વેજ-નોનવેજની કોઇ વાત નથી.’ મુખ્યમંત્રી આણંદ જિલ્લાના બાંધણી ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમ માટે આવ્યા હતા.

પક્ષ કે સરકારની પરવાનગી વગર કેવી રીતે ઝુંબેશ ચલાવી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ-પ્રમુખ સી આર પાટીલ છેલ્લા કેટલાક દિવસોથી અધિકારીઓને ચીમકી આપી પક્ષના આગેવાનો અને હોદેદારોની વાત સાંભળવાની સૂચના આપી રહ્યા છે. ત્યારે સત્તાધારી પક્ષ ભાજપના જ મહાનગરપાલિકાના હોદ્દેદારો સરકાર કે પક્ષની પરવાનગી વિના આટલી મોટી ઝુંબેશ શરૂ કરી દેતા ભારે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ વધુ વકરે એ પહેલાં જ મુખ્યમંત્રી એ સ્પષ્ટતા કરી મહાપાલિકાના નેતાઓને આદેશ પણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...