હાલ રાજ્યમાં ફાટી નીકળેલા કોરોનાને દર્દીઓના જીવ બચાવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહેલા રેમડેસિવીર ઈન્જેક્શનની તંગી સર્જાઈ છે. માત્ર એટલું જ નહીં, રેમડેસિવિર ઈન્જેક્શનને કારણે ભાજપના સરકાર અને સંગઠન પણ સામ સામે આવી ગયા છે. જેને પગલે 5 એપ્રિલે હાઈપાવર કમિટીની બેઠકમાં કોવિડ હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને વ્યાજબી ભાવે રેમડેસિવિર ઈન્જેક્શન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે સિવિલ હોસ્પિટલો, મેડિકલ કોલેજ, GMERS મેડિકલ કોલેજની સ્થાનિક જરૂરિયાત ઉપરાંત જથ્થા પૈકી શક્ય હોય એટલો રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતા દર્દીઓને પણ મદદરૂપ થવા હોસ્પિટલોને પણ પડતર કિંમતે ફાળવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ડોક્યુમેન્ટ આપવા પડશે
મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, સુપ્રિટેન્ડેન્ટ GMERS, સુપ્રિટેન્ડન્ટ મેડિકલ કોલેજે ખાનગી કોવિડ હોસ્પિટલોને રેમડેસિવિરની ફાળવણી સમયે દાખલ દર્દીના કેસની વિગત, દર્દીના આધારકાર્ડની નકલ અને RTPCR ટેસ્ટની નકલ જેવા ડોક્યુમેન્ટ્સ મેળવી ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા પ્રવર્તમાન ખરીદ કિંમત મુજબ રેમડેસિવિર આપવાના રહેશે.
GMSCLના બેંક એકાઉન્ટમાં જમા કરાવવા પડશે
ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવતા દર્દીઓને વધારાના કોઈપણ ચાર્જ વસૂલ કર્યા વિના ખરીદ કિંમતે ઈન્જેક્શન આપવાના રહેશે. તેમજ ઈન્ડેન્ટ ફોર્મમાં તે મુજબની બાહેંધરી પણ આપવાની રહેશે. તેમજ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, સુપ્રિટેન્ડેન્ટ GMERS, સુપ્રિટેન્ડન્ટ મેડિકલ કોલેજે ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલોને સપ્યાલ કરેલા ઈન્જેક્શન અંગેના નાણા RTGSથી GMSCLના બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે.
રેમડેસિવિરથી દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય ઘટાડી શકાય
ગુજરાત કોવિડ ટાસ્કફોર્સના સભ્ય અને ચેપી રોગના નિષ્ણાત તબીબ ડો. અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે કોવિડ સંક્રમિત વ્યક્તિના ઈલાજમાં રેમડેસિવિર ઈન્જેકશન એ લાઈફ સેવિંગ દવા નથી. રેમડેસિવિરથી માત્ર દર્દીનો હોસ્પિટલાઈઝેશન સમય પાંચ દિવસ જેટલો ઘટાડી શકાય છે, એ જ તેનો લાભ છે.
રેમડેસિવિરના આડેધડ વપરાશ અંગે ચેતવતા ડો.અતુલ પટેલ જણાવ્યું હતું કે રેમડેસિવિર ઈન્જેકશનથી શારીરિક રીતે સાઈડ ઈફેક્ટ થાય છે તેમજ દર્દીના માથે ખોટા ખર્ચનો બોજો આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીના કિસ્સાઓમાં રેમડેસિવિરનો ઉપયોગ થઈ રહ્યો છે એ ઠીક નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.