આર્થિક મુશ્કેલી / કોરોનાને કારણે ગુજરાતમાં નાણાંકીય કટોકટીનો ભય; આ વર્ષે 10 હજાર કરોડના નુકશાનનો અંદાજ

મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર
X
મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીરમુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર

  • આરોગ્ય વિભાગમાં વધુ નાણાં ફાળવવા બીજા વિભાગના બજેટમાં કાપ મુકવા ગણતરી શરૂ
  • કોરોનાને કારણે બંધ થયેલી આવકને સરભર કરવા કેન્દ્ર પાસે પેકેજ માંગવાની દિશામાં ચર્ચા શરૂ

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 01:49 PM IST

અમદાવાદ. ગુજરાતમાં કોરોનાના કારણે રાજ્ય સરકારનો આરોગ્યલક્ષી ખર્ચ વધી ગયો છે તો બીજી બાજુ આવક સંપૂર્ણ બંધ થઇ ગઇ છે. આ સંજોગોમાં રાજ્ય સરકાર નાણાકીય કટોકટી દૂર કરવા સાથે આવક શરૂ કરવા આગળ વધી રહી છે. તેમાં પણ રાજ્ય સરકાર કોરોના પાછળ દરરોજ એક કરોડનો ખર્ચ કરી રહી છે, તે જોતા છેલ્લા બે મહિનામાં ગુજરાતની તિજોરી પર 10 હજાર કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના છે,ત્યારે ગુજરાતનું બજેટ સરભર કરવા કેન્દ્ર પાસે પેકેજ માંગવા અને હાલ બીજા વિભાગના બજેટમાં કાપ મૂકી કોરોનાને ડામવા માટે ઉપયોગ કરવાની મથામણ નાણાં વિભાગે શરૂ કરી છે. ગુજરાતના નવા 1 વર્ષના બજેટમાં વિવિધ વિભાગો માટે ફાળવેલી રકમોનો ઉપયોગ કોરોના સંક્રમણને અટકાવવા માટે કરી શકાય તેમ છે તેનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે, કારણ કે કોરોના સામે લડવા માટે રાજ્યના એક વર્ષના આરોગ્યનું બજેટ પણ ઓછું પડી શકે છે. જો કે સૌથી મોટો પ્રશ્ન સરકારની વેરાની આવકનો છે. જો વેરાની આવકોમાં ઘટાડો થશે તો નાણાકીય વર્ષના અંતે એટલે કે 31મી માર્ચ 2021માં મોટો ફટકો પડી શકે તેમ છે.

બજેટમાં આરોગ્ય ક્ષેત્રને ફાળવેલા રૂ. 11,243 કરોડ કોરોના પાછળ ખર્ચવા શક્ય નથી
ગુજરાતના 2020–21ના બજેટનું કદ 2.17 લાખ કરોડ રૂપિયા છે. સરકારે કૃષિ વિભાગ માટે બજેટમાંથી 7,423 કરોડની જોગવાઇ કરી હતી, જેમાં કોઇ કાપ મૂકી શકાય તેમ નથી. જળસંપત્તિના કામો માટે 7,220 કરોડની અને શિક્ષણ માટે 31,995 કરોડની સૌથી વધુ જોગવાઇ કરવામાં આવી છે, જ્યારે આરોગ્યલક્ષી કામો માટે સરકારે પહેલીવાર 11,243 કરોડની જોગવાઇ કરી છે. પરંતુ આ જોગવાઇ સામે કોરોના સંક્રમણને હરાવવા તમામ રૂપિયાનો ખર્ચ કરવો શક્ય નહીં બને કારણ કે રાજ્યની અન્ય આરોગ્યલક્ષી યોજનાઓ માટે પણ વર્ષ દરમ્યાન આ રકમ ખર્ચ કરવાની હોય છે. સરકાર મહિલા અને બાળવિકાસ, પાણી પુરવઠા, સામાજિક ન્યાય,આદિજાતિ વિકાસ, પંચાયત, શહેરી વિકાસ, બંદર, ઉદ્યોગ કે બીજા અન્ય વિભાગોમાં કામ મૂકી શકે તેમ છે કે કેમ તેનો અભ્યાસ ચાલી રહ્યો છે.

ટેક્સની આવક બંધ થઈ અને કોરોનાને કારણે ખર્ચ વધ્યો
આમ ખર્ચનો તમામ આધાર કોરોના સંક્રમણ કયાં સુધી ચાલે છે તેના પર છે. સરકારના 25થી 27 વિભાગો પૈકી કયા વિભાગના બજેટમાં કાપ મૂકી શકાય તેમ છે તેની ચર્ચા નાણા વિભાગના અધિકારીઓએ જે તે વિભાગોના વડા સાથે શરૂ કરી છે. કોરોના મહામારીને નાથવા માટે ગુજરાત સરકારને આર્થિક મદદની જરિયાત છે. બીજી તરફ ટેકસની આવક ઘટતી જાય છે.

રાજ્ય સરકાર કેન્દ્ર સમક્ષ કોરોના પેકેજની પણ માગણી કરી શકે

નાણા વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે કોરોનાથી ગુજરાતને થયેલા નુકશાનને ભરપાઇ કરવા રાજ્ય સરકાર કેન્દ્ર સમક્ષ કોરોના પેકેજની માગણી પણ કરી શકે છે. હાલની સ્થિતિએ જોઇતો ગયા વર્ષના બજેટના આખરી મહિના માર્ચમાં સરકારને અંદાજ પ્રમાણેની વેરાની આવકો મળી નથી. આઠ થી દસ હજાર કરોડનું નુકશાન છે. એવી જ રીતે નવા વર્ષના નાણાકીય વર્ષના એપ્રિલ અને મે મહિના તો કોરોના સંક્રમણમાં ગયા છે.

જુલાઇના અંત સુધીમાં રાજ્ય સરકારને કરવેરામાં 13થી 15 હજાર કરોડનો ફટકો પડી શકે
હજી એવી દહેશત છે કે આગામી મહિનામાં પણ કોરોના સંક્રમણ થશે તેથી સરકારને આરોગ્ય સુવિધાઓ માટે વધારાના આર્થિક ફંડની જરૂરિયાત રહેશે. જુલાઇના અંત સુધીમાં રાજ્ય સરકારને કરવેરામાં 13થી 15 હજાર કરોડનો મોટો ફટકો પડે તેમ છે તેથી સરકારને રૂપિયા બહારથી વ્યાજે લેવાની ફરજ પડી શકે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી