ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં 23.69 ઈંચ સાથે મોસમનો સરેરાશ 73.67 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગુજરાતમાં હજુ પણ 20 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત, મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનમાં મંગળવાર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વરસાદ પડશે
હવામાન વિભાગ મુજબ, આ અઠવાડિયે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાયું છે. જે મધ્યપ્રદેશ પર છે. જે આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં નબળું થતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના બની રહી છે.
21મી સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી
ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ, મધ્ય પ્રદેશમાં શુક્રવારે ભારે વરસાદ પડ્યો જે શનિવાર અને રવિવારે પણ યથાવત રહેશે. વધુમાં રાજસ્થાન અને ગુજરાતમાં 18થી 21 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. હાલની આગાહીના આધારે IMDએ શનિવારે યેલો ઓરેન્જ જાહેર કર્યું છે, જ્યારે રવિવારથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદની વાતાવરણના કારણે તાપમાનનો પારો પણ નીચે ગગડશે.
ગુજરાતના આ જિલ્લાઓમાં વરસાદ થશે
ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધી પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત
નોંધનીય છે કે, આ પાંચ દિવસ પડેલા ભારે વરસાદને પગલે ગુજરાતના અનેક જિલ્લાઓ હજુ પણ અસરગ્રસ્ત છે. તેમાં પણ સૌરાષ્ટ્રના રાજકોટ અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદથી પૂર આવ્યું હતું. જેમાં અનેક ગામડાઓમાં પૂરના પાણીમાં લોકોની ઘરવખરી તથા પશુધનને નુકસાન પહોંચ્યું હતું. જેની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મુલાકાત લીધી હતી.
ગુજરાતમાં ચોમાસાની આ સીઝન દરમિયાન ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
ઝોન | ટકા | ઇંચ |
કચ્છ | 75.13 | 13.07 |
ઉત્તર ગુજરાત | 57.41 | 16.18 |
મધ્ય ગુજરાત | 62.83 | 19.96 |
દક્ષિણ ગુજરાત | 73.95 | 42.55 |
સૌરાષ્ટ્ર | 87.19 | 24.05 |
ગુજરાત | 73.67 | 24.33 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.