તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપના લોકસમર્થનની ચરમસીમા:ગુજરાતના સત્તાકારણમાં કોંગ્રેસ જડમૂળથી સાફ, ભાજપ માટે મોદી જ રામ, 2022માં વિધાનસભા ચૂંટણીમાં માધવસિંહનો 149નો રેકોર્ડ તોડી શકે

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: મનીષ મહેતા, એડિટર, દિવ્યભાસ્કર ડિજિટલ
  • કૉપી લિંક
  • 1992 પછી ભાજપને સતત રામનું નામ ફળ્યું છે અને 2002 પછી ભાજપને મોદીનું નામ ફળ્યું

ભાજપને શહેરોની પાર્ટી માનવામાં આવે છે. કોંગ્રેસને ગામડાંમાંથી સાફ કરી નાખીને ભાજપે પોતાની એ છાપ ભૂંસી નાખી છે. એવી જ રીતે કોંગ્રેસ ગ્રામીણ લોકોનો પક્ષ છે અને દેશની સૌથી જૂની પાર્ટી છે અને તેના વિના ભારતીય રાજકારણની કલ્પના ન કરી શકાય એવું મનાતું હતું. એ માન્યતા પણ હવે ભૂંસાઇ ગઈ છે. ગુજરાત હવે લગભગ વિપક્ષ વિનાનું રાજ્ય બની ગયું છે.

ભાજપ માટે મોદી જ રામ
1992 પછી ભાજપને સતત રામનું નામ ફળ્યું છે અને 2002 પછી ભાજપને મોદીનું નામ ફળ્યું છે. ગોધરાકાંડ પછી ભાજપમાં મોદીયુગનો પ્રારંભ થયો, જે ગુજરાતથી શરૂ થઈને 2014માં દેશભરમાં શરૂ થયો. 2022માં ભાજપમાં મોદીયુગને બે દાયકા થશે. 2002 પછી મોદી સાથેની એક લાંબી મુલાકાત પછી મેં લખ્યું હતું કે મોદીનું પેકેજિંગ સમજવું અઘરું છે. તેઓ સામાન્ય રાજકારણી નથી. મોદી હિન્દુત્વ અને વિકાસના કોમ્બિનેશનવાળા ચહેરા તરીકે ભાજપમાં ઊભરી રહ્યા હતા. 2014માં તેમના નામ પર જ ભાજપે દેશભરમાં એકલે હાથે સત્તા મેળવી અને એક પછી એક રાજ્યો સર કર્યાં.

મહાપાલિકા પછી પંચાયતમાં પછડાટ
ગયા અઠવાડિયે 6 મહાનગરપાલિકામાં કોંગ્રેસના સફાયા પછી હવે પાલિકા-પંચાયતોની ચૂંટણીમાં પણ કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. 2015ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનને કારણે ભાજપને ભીંસ પડી હતી અને એનો ફાયદો કોંગ્રેસને મળ્યો હતો, પણ 2021માં ભાજપે એ નુકસાન માત્ર સરભર જ નથી કર્યું પણ ગામડાંમાંથી કોંગ્રેસને મૂળિયાંમાંથી ઉખેડી નાખી છે. શહેરોની ચૂંટણી અને તેનું પરિણામ વહેલાં થઇ ગયાં; એનાથી ભાજપને એડવાન્ટેજ મળ્યો અને કોંગ્રેસને કોલેટરલ ડેમજ થયું.

કોંગ્રેસનું પતન હાર્દિક અટકાવી ન શક્યો
2015માં પાટીદાર અનામત આંદોલન ચલાવીને હાર્દિક પટેલે કોંગ્રેસને આડકતરી મદદ કરી હતી. એ પછી હાર્દિક કોંગ્રેસમાં જોડાયો અને કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ બની ગયો, પણ એનાથી કોંગ્રેસને કોઇ ફાયદો થયો નથી. ગુજરાતમાં કોંગ્રેસની એટલી હદે નામોશી થઇ છે કે હવે કોંગ્રેસને આગામી ચૂંટણી સુધીમાં બેઠી કરવી અત્યંત કપરું કામ છે.

પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સૌથી મોટો ચહેરો હતો.
પાટીદાર અનામત આંદોલનમાં હાર્દિક પટેલ સૌથી મોટો ચહેરો હતો.

ખેડૂત આંદોલનની વચ્ચે ફરી ગુજરાત પર કબજો
દિલ્હીમાં ત્રણ મહિનાથી વધુ સમયથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતના રડ્યાખડ્યા ખેડૂતો જ તેનું સમર્થન કરતા રહ્યા છતાં કોંગ્રેસને ઊંડે ઊંડે આશા હતી કે લોકો મોદીવિરોધી ભલે ન બોલે પણ પંચાયતની ચૂંટણી વખતે ગામડાંના ખેડૂતો આંદોલનનો આક્રોશ ઠાલવશે અને કોંગ્રેસને મદદ કરશે. એવું થયું નહિ.

ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સંગઠનો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યાં છે.
ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો સંગઠનો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યાં છે.

ભાજપની મહેનતુ પાર્ટી, કોંગ્રેસ તૈયાર ભાણે જમવા માગે છે
છેલ્લા અઢી દાયકાથી ગુજરાત કોંગ્રેસ એવું માને છે કે ભાજપથી નારાજ થઇને લોકો તેમને મત આપશે, પણ એ મત મેળવવા પોતે કોઇ મહેનત કરતી નથી. કોઇપણ પ્રકારની મહેનત વિના કોંગ્રેસને જીતવું હોય છે અને ભાજપ મહેનત કરવામાં ક્યાંય કચાશ બાકી નથી રાખતો. ભાજપે હંમેશાં પોતાનો લક્ષ્યાંક ઊંચો રાખ્યો છે. ભાજપનો ઇરાદો બહુમતી મેળવીને માત્ર સત્તા મેળવવાનો જ નથી, પણ કોંગ્રેસનો જનાધાર સમાપ્ત કરવાનો છે અનેે એમાં ભાજપ મહદંશે સફળ થયો છે.

2022માં માધવસિંહનો રેકોર્ડ તૂટી શકે
1985માં અનામત આંદોલન પછી માધવસિંહે રાજીનામું આપી દીધું હતું. એ પછીની ચૂંટણીમાં માધવસિંહ 55.55 ટકા વોટ મેળવીને કોંગ્રેસને વિજય અપાવ્યો. 149 બેઠકો જીતવાનો કોંગ્રેસનો રેકોર્ડ આજ સુધી અકબંધ છે. એ વખતે ભાજપને માત્ર 14.96 ટકા મત મળ્યા હતા. અત્યારે વોટ શેરની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટ શેરનું અંતર વધી રહ્યું છે. આ જોતાં માધવસિંહનો 1985નો 149 બેઠકો જીતવાનો રેકોર્ડ ભાજપ તોડી શકે છે.

2017ની ચૂંટણીમાં ભાજપને 49.1 ટકા અને કોંગ્રેસને 38.95 ટકા વોટ મળ્યા હતા. 2010માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી થઈ હતી ત્યારે મહાનગરોમાં ભાજપ અને કોંગ્રેસને મળેલા મતોની ટકાવારીમાં 20 ટકાનું અંતર હતું, એ 2015માં ઘટી ગયું હતું. હવે ભાજપ-કોંગ્રેસ વચ્ચે વોટશેરનો ગેપ 20 ટકા કરતાં વધી જાય ત્યારે આ શક્ય બનશે. આ લખાય છે ત્યાં સુધી હજી ચૂંટણી પંચ તરફથી વોટશેરના ફાઇનલ આંકડા આવ્યા નથી.

માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે.
માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ છે.

કોંગ્રેસ ક્યાંય નથી હવે ગુજરાતમાં
અસલી કોંગ્રેસીઓ જીતેલી ગણીગાંઠી બેઠકો ગણાવીને કહેશે કે અમે જીત્યા છીએ, પણ હકીકત એ છે કે ગુજરાત કોંગ્રેસમુક્ત બની ગયું છે. હવે મોદીના ગુજરાતમાં ભાજપ નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યો છે. 2022ની ચૂંટણી એકતરફી બની જાય તો નવાઇ નહિ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો