વિધાનસભામાં હોબાળો:હર્ષ સંઘવી અંગે બિનસંસદીય શબ્દનો પ્રયોગ કરતા કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશ 7 દિવસ માટે ગૃહમાંથી સસ્પેન્ડ

અમદાવાદ5 મહિનો પહેલા
કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ ( ફાઈલ ફોટો) - Divya Bhaskar
કોંગ્રેસના ધારાસભ્ય પુંજાભાઈ વંશ ( ફાઈલ ફોટો)
  • જમીન પચાવી પડાવા પર પ્રતિબંધ અને ઓર્ગેનિક એગ્રિકલ્ચર યુનિવર્સિટી સુધારા વિધેયક પસાર થશે
  • કોંગ્રેસના પરેશ ધાનાણીએ ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પ્રશ્નનો યોગ્ય ઉત્તર નહીં મળતાં બેઠક છોડી નીચે બેસી જતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી બોલ્યા, આવી દાદાગીરી ના ચલાવી લેવાય. ગૃહમંત્રીના આવાં ઉચ્ચારણો સાથે કૉંગ્રેસના સભ્યો ઊભા થઈ હોબાળો માચાવવા લાગ્યા હતા, જેની સામે ભાજપે પણ ગૃહમાં હંગામો મચાવી દીધો હતો, કૉંગ્રેસના સભ્યએ મંત્રીઓ સામે હાથ કરી નોંધ ના લેવાય તેવા શબ્દ બોલતા જ બધા મંત્રીઓ ઉશ્કેરાઈ ગયા હતા, ગૃહની કામગીરી ખોરંભે પડી ગઈ હતી.

અધ્યક્ષે પુંજાભાઈ વંશને શબ્દો પાછા ખેંચવા કહ્યું
કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ શબ્દો પાછા ખેંચવા અધ્યક્ષને સૂચન કરતા અધ્યક્ષે શબ્દો પાછા ખેંચવા કહ્યું હતું. અંતે પુંજાભાઈ વંશે શબ્દ પાછા ખેંચી કહ્યું હતું કે ગૃહમંત્રીની બોડી લેંગ્વેજ તેમની ભાષા પણ શોભે એવી નથી. અંતમાં, અધ્યક્ષ નીમાબેન આચાર્યએ મામલો શાંત પાડી દીધો હતો. વિધાનસભા ગૃહમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અંગે બિનસંસદીય શબ્દનો પ્રયોગ કરવા બદલ કૉંગ્રેસના ધારાસભ્ય પુંજા વંશને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

વિધાનસભાના દંડક પંકજ દેસાઇએ સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મુકી
ભાજપના વિધાનસભા પક્ષના દંડક પંકજ દેસાઇએ પૂંજાભાઈ વંશને અપશબ્દ બોલવા બદલ સાત દિવસ માટે બરતરફ કરવાની દરખાસ્ત મૂકી હતી. જે દરખાસ્ત બહુમતીના જોરે પસાર કરવામાં આવતા જ કૉંગ્રેસના તમામ સભ્યો સુત્રોચ્ચાર કરી વોકઆઉટ કરી ગયા હતા.આ અગાઉ પુંજાભાઇ વંશે તેમને ઉચારેલા બિનસંસદીય શબ્દ પાછા ખેંચી લીધા હતા તેમ છતાં પ્રશ્નોતરી પૂર્ણ થતાં જ તેમને 7 દિવસ માટે સસ્પેન્ડ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.

ગત ચોમાસુ સત્રમાં કોંગ્રેસના 10 ધારાસભ્યો સસ્પેન્ડ કરાયા હતાં
વિધાનસભાના ગત ચોમાસુ સત્રમાં કોરોના મુદ્દે સરકારની નબળી કામગીને લઈ પ્રશ્નો પૂછાતા હોબાળો થયો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પોસ્ટર્સ બતાવી વિરોધ કરી કેટલાક ધારાસભ્યોએ વેલામાં ઘૂસી અને વેલમાં બેસી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના પરેશ ધાનાણી, વિરજી ઠુંમર, અશ્વિન કોટવાલ, ગુલાબસિંહ રાજપૂત,લલિત વસોયા, નૌશાદ સોલંકી, અમરીશ ડેર વેલમાં ઘૂસી આવતા વિધાનસભા અધ્યક્ષે 10 ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતાં.કોંગ્રેસના હોબાળાના કારણે વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.

બજેટસત્રના પહેલા દિવસે વિપક્ષનો હોબાળો
વિધાનસભાના ગૃહના બજેટસત્રના પ્રથમ દિવસે જ રાજ્યપાલે સંબોધન કર્યું હતું, પણ કોંગ્રેસે રાજ્યપાલને સંબોધન કરવા દીધું નહીં. રાજ્યપાલે સંબોધન હાથ ધરતાં કોંગ્રેસે ‘ગૃહમંત્રી રાજીનામું આપે’ તેવા સૂત્રોચ્ચાર કરતાં રાજ્યપાલે 5 મિનિટમાં તેમનું સંબોધન ટૂંકાવી નાખ્યું હતું. રાજ્યપાલ જતા રહ્યા પછી કોંગ્રેસના ધારાસભ્યો કથિત આઈપીએસ ખંડણીકાંડ બહાર લાવનાર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલના સન્માનમાં ઊભા થઈ ગયા હતા અને કોંગ્રેસના ધારાસભ્યોએ તેમને અભિનંદન આપ્યાં હતાં.

બજેટ પહેલાં પ્રશ્નોત્તરી કાળમાં વિપક્ષ આક્રમક
ગુજરાત વિધાનસભામાં ગુરુવારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન આણંદ અને કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોનો કેટલો જથ્થો પકડાયો, કેટલા ઇસમો પકડાયા અને કેટલા બાકી અને એ અંગે કેવી કાર્યવાહી કરવામાં આવી એ પ્રશ્નમાં પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવી મુંદ્રા બંદર પરથી પકડાયેલા 21 હજાર કરોડના ડ્રગ્સમાં શું કાર્યવાહી કરી એવો સવાલ વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણીએ કર્યો હતો. તેમણે અદાણી પોર્ટે સુરક્ષાની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા અને સુરક્ષાની જવાબદારી અંગે ભારત સરકારની સુરક્ષા એજન્સીઓ પર જવાબદારી ઢોળી દીધી છે ત્યારે આ જ પોર્ટ પર અગાઉ પણ અંદાજિત પોણા બે લાખ કરોડનું ડ્રગ ઉતારીને દેશભરમાં વેચી દીધાની આશંકા વચ્ચે સરકાર કેમ ઊંઘતી રહી એવો વેધક સવાલ ઉઠાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...