ઉત્તરાયણ ગુજરાત LIVE:સ્કૂલ અને કોલેજોમાં આવતીકાલે પણ રજા, પવન અને પતંગના સંગાથે રાજ્યભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી

અમદાવાદ4 મહિનો પહેલા
  • ‘પુષ્પા’ના સામી..સામી...અને ગરબાની ધૂમ

અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉત્તરાયણની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. સતત બે વર્ષથી કોરોનાને કારણે ઉત્તરાયણની મજા ફિક્કી પડી ગઈ હતી. રાજ્યમાં અનેક વિસ્તારોમાં સારો પવન નીકળતા લોકોએ પતંગ, ચીક્કી અને ઉંધિયાની મજા માણી હતી. નાના સ્પીકરો પર ગીતો વગાડી ખૂબ ડાન્સ કર્યા હતા.

બીજી તરફ ઉત્તરાયણના દિવસે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ઊંધિયા જલેબીના સ્ટોર લાગેલા જોવા મળ્યા છે. જો કે આ વખતે દર વર્ષની જેમ સ્ટોલો પર લોકોની કતાર જોવા મળી ન હતી. સવારમાં લોકોનો ઉત્સાહ પ્રમાણમાં ઓછો હતો પણ પછીથી પવને સાથ આપતાં લોકો ઉત્સાહમાં આવી ગયા હતા અને ધૂમ મચાવી હતી.

સ્કૂલો અને કોલેજોમાં શનિવારે પણ જાહેર રજા
તા.14/01/2022ના રોજ ઉત્તરાયણના પર્વ નિમિત્તે રાજ્યમાં જાહેર રજા છે. ચાલુ નાણાકીય વર્ષમાં તા.16/01/2022ના રોજ પણ રવિવારની રજા આવતી હોવાથી રાજ્યની શાળાઓ અને કોલેજો (ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ)ના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ (સમગ્ર સ્ટાફ) તથા વિદ્યાર્થીઓને સળંગ ત્રણ રજાનો લાભ મળે તેમજ પર્વની ઉજવણી તેઓ સારી રીતે કરી શકે તે ધ્યાને લેતાં શિક્ષણ વિભાગ હસ્તકની તમામ સરકારી, અનુદાનિત અને ખાનગી શાળાઓ અને કોલેજો (ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ)માં તા.15/01/2022 ને શનિવારના રોજ રજા જાહેર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પવને દિશાઓ બદલતા પતંગ રસિકો નિરાશ થયા
ઉતરાયણના દિવસે સાંજના સમયે ટેરેસ પર લોકોનો ફરી એકવાર જમાવડો જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે પતંગ ચગાવવા માટે પતંગ રસિકો સવારનો સમય અને સાંજે ચાર વાગ્યા પછીનો સમય પસંદ કરતા હોય છે. દિવસ દરમિયાન પવન દિશામાં પરિવર્તન થતાં પતંગરસિકોએ નિરાશ થવાનો વારો આવ્યો હતો, જોકે હવે ઉતરાયણનો દિવસે છેલ્લી ઘડીઓ બાકી છે, ત્યારે ફરી એકવાર પતંગ રસિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને ટેરેસ પર આવીને પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે.

રાજકોટ, વડોદરા અને સુરતમાં પવનની ગતિ સારી
રાજ્યના ચાર મુખ્ય શહેરોમાં અમદાવાદમાં પવનની ગતિ સૌથી વધુ છે. અમદાવાદમાં હાલમાં 17 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેથી અમદાવાદીઓને પતંગ ચગાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. પવની સાથે ઠંડી હોવાથી ધાબા પર લોકો મજા કરી રહયાં છે. રાજકોટમાં હાલમાં 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાતો હોવાથી પતંગ રસિયાઓને મજા પડી ગઈ છે. શહેરમાં સાંજના સમય પવનનું ઝોર વધવાની પણ હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલે આગાહી કરી છે. વડોદરામાં હાલમાં 15 કિ.મીની ઝડપે પવન ફંકાઈ રહ્યો છે. સામાન્ય પવન હોવાના કારણે સવારથી ધાબા પતંગરસીયાઓથી ઉભરાઇ ગયા હતા. રંગબેરંગી પતંગો,બલુનોથી આકાશ છવાઇ ગયું હતું. જ્યારે સુરતની વાત કરીએ તો આજે અગાશી ઉપર પણ માહોલ જામતો દેખાઈ રહ્યો છે. હાલમાં સુરતમાં 11 કિ.મીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી સુરતીઓ પતંગ ચગાવવાની જબરદસ્ત મજા લઈ રહ્યાં છે.

અમદાવાદમાં ઉત્તરાયણનો ઉત્સાહ
અમદાવાદમાં આજે સવારે લોકો ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી રહ્યા છે. પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો છે.નાના બાળકો અને યુવાઓ અત્યારે મોટા ભાગના ધાબા પર જોવા મળી રહ્યા છે. 2 વર્ષથી કોરોનાને કારણે ડીજે વિના અને નિયમોના પાલન સાથે લોકોએ ઉત્તરાયણ ઉજવવી પડી છે તેવું યુવાઓએ કહ્યું છે પરંતુ ઉત્તરાયણના તહેવારનો ઉત્સાહ ઓછો ના થાય તે માટે તેઓ નાના સ્પીકર સાથે ધાબા પર આવ્યા છે અને નિયમો સાથે પતંગ ઉડાવી રહ્યા છે.2 દિવસ સુધી સવારથી સાંજ સુધી આ રીતે જ પતંગ ઉડાવવાનું પણ જણાવ્યું હતું.

સવારથી જ ધાબે પતંગ ચગાવવા માટે પહોંચી ગયાં હતાં પતંગરસીયાઓ
સવારથી જ ધાબે પતંગ ચગાવવા માટે પહોંચી ગયાં હતાં પતંગરસીયાઓ

વડોદરામાં ઉત્તરાયણનો ઉત્સાહ
વડોદરામાં નાના બાળકોથી સૌકોઇના પ્રિય મકરસંક્રાંતના પર્વની સવારથી ધાબા પતંગરસીયાઓથી ઉભરાઇ ગયા હતા. રંગબેરંગી પતંગો, બલુનોથી આકાશ છવાઇ ગયું હતું. કેટલાક લોકો દ્વારા ડી.જે. સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મૂકી નિતનવા ગીતો સાથે પર્વની ઉજવણી કરી હતી. આ વખતે દેવ પગલી અને જીગર રાઠોડના ચાદ વાલા મુખડા લેકે ચલોના બજાર મેં..... માટલા ઉપર મોટલુ ને મોટલામા પોણી...ઢગલો પ્રેમ કરીશ તોયે નહીં મલે રોણી...રોણી...તેમજ પુષ્પા ફિલ્મનું સુપર હિટ થયેલું સામી..સામી...તેમજ ગરબા સહિત ગીતોની ધૂમ રહી છે.

નાના મોટા સૌ કોઈ સવારે ધાબા ઉપર ચઢીને પતંગ ઉડાવવાનું શરુ કર્યું છે
નાના મોટા સૌ કોઈ સવારે ધાબા ઉપર ચઢીને પતંગ ઉડાવવાનું શરુ કર્યું છે

સુરતમાં ઉત્તરાયણનો ઉત્સાહ
સુરતીઓને ઉત્સવ પ્રેમી પ્રજા તરીકે ઓળખવામાં આવે છે દરેક તહેવારને સુરતીઓ ખૂબ જ પોતાના અલગ અંદાજથી ઉજવતા હોય છે અને દરેક ક્ષણને માણી લેતા હોય છે. ઉતરાયણના પર્વની ઉજવણી પણ સુરતીઓએ જબરજસ્ત તૈયારી કરી છે અને તેના કારણે આજે અગાશી ઉપર પણ માહોલ જામતો દેખાઈ રહ્યો છે. નાના મોટા સૌ કોઈ આજે સવારે અગાસી ઉપર ચઢીને પતંગ ઉડાવવાનું શરુ કર્યું છે. સુરતીલાલા અગાસી ઉપર પતંગ ઉડાવવા જતા અને માહોલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના મોટા સૌ કોઈ પતંગ ચગાવવામાં મજબૂર છે અને કાય પો છે કાઈપો છે નો નાથ સંભળાઈ રહ્યો છે. આકાશમાં રંગબેરંગી પતંગોથી જાણે આખેઆખો આકાશ રંગીન થઈ ગયું છે.

રાજકોટમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડે મિત્રો અને પરિવાર સાથે પતંગ ઉડાવી
રાજકોટ ખાતે લોકસાહિત્યકાર દેવાયત ખવડ પણ તેમના પરિવાર અને મિત્રો સાથે ઉજવી રહ્યા છે જેઓએ જણાવ્યું હતું કે આજના દિવસે બાળપણની એક યાદ આવે છે બાળપણમાં તેઓ ગામડામાં રહેતા અને બપોર સુધી પતંગ લૂંટતા અને સાંજે પતંગ ઉડાવતા હતા. રાજકોટમાં આજે લોકસાહિત્ય કાર દેવાયત ખવડે પણ મિત્રો અને પરિવાર સાથે પતંગ ઉડાવી આ પર્વની ઉજવણી કરી હતી. દેવાયત ખવડે જણાવ્યું હતું કે આજનો આ એવો દિવસ છે કે આજના આ દિવસે કોઈ મુહૂર્ત જોવાની જરૂરિયાત રહેતી નથી. આજના દિવસે દાનપુન કરવું પણ ખુબ જ લાભદાયી માનવામાં આવે છે. ખાસ કોવિડ સંક્ર્મણ વધતા આવતા દિવસોમાં લોકો ગાઇડલાઇન નું પાલન કરે તેવી અપીલ કરવામાં આવી હતી. આ સાથે તેઓએ પોતાની બાળપણની યાદો તાજી કરતા જણાવ્યું હતું કે , બાળપણ માં ગામડે રહેતા હતા , નળીયા વાળા મકાન હતા તો બપોર સુધી પતંગ લૂંટી સાંજના કોઈ બીજાની અગાસી પર જઈ પતંગ ચગાવવા જતા હતા.

મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથમંદિરે દર્શન કર્યા
મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથમંદિરે દર્શન કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરના દર્શન કર્યાં
ઉતરાયણ પર્વની ઉજવણીમાં આપણી સંસ્કૃતિમાં પશુઓને ઘાસચારો અને જરૂરતમંદ લોકોને દાનનું મહાત્મ્ય છે.આ પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિભાવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મકર સંક્રાંતિના અવસરે અમદાવાદમાં સવારે જગન્નાથ મંદિરમાં ભક્તિ ભાવ પૂર્વક દર્શન કર્યા હતા અને ગૌ માતા પૂજન કરીને ઘાસ નિરણ કર્યું હતું. તેમણે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું.ભૂપેન્દ્ર પટેલે મંદિર વિસ્તાર માં વસતા સેવા વસ્તી પરિવારો અને જરૂરતમંદ લોકોને મીઠાઈ વગેરેનું વિતરણ કર્યું હતું.

રાજ્યમાં બે દિવસ કાતિલ ઠંડીની આગાહી
રાજ્યમાં છેલ્લા ચારેક દિવસથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગે આગામી બે દિવસમાં ઠંડીમાં વધારો થવાની આગાહી કરી છે. બીજી બાજુ, હવામાન નિષ્ણાતોએ કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અને કાલે ઉત્તરાયણમાં ઠંડીને કારણે પતંગરસિયાઓને સવારના સમયમાં થોડી અગવડ પડી શકે છે. જોકે આજે પવનની ગતિ સારી રહેવાથી પતંગરસિયાઓની મજા બગડશે નહીં. આજે 11 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

લાઉડ-સ્પીકર પર પ્રતિબંધ, લોકોમાં ભારે રોષ
કોરોનાની ત્રીજી લહેર ખૂબ જ ઝડપથી વધી રહી છે. દરરોજ 11 હજાર નવા કેસ નોંધાઈ રહ્યા છે, જેને કારણે ઉત્તરાયણનો તહેવાર પરિવારના સભ્યો સાથે જ ઊજવવા અને ધાબા પર ભીડ ભેગી નહીં કરવા સરકારે આદેશ કર્યો છે. જોકે ભીડ ભેગી થવાથી કોરોના ફેલાતો હોવાની સરકારની આ વાત વાજબી હોવાનું લોકોનું કહેવું છે, પરંતુ ધાબા પર લાઉડ-સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ લાદ્યો હોવાના સરકાર-પોલીસના નિર્ણયનો લોકોમાં ભારે રોષ છે.

અન્ય સમાચારો પણ છે...