મેઘરાજા રિસાયા?:ગુજરાતમાં હજુ 12 દિવસ વરસાદ ખેંચાશે, 25 લાખ હેક્ટર વાવેતર પર જોખમ, ખેડૂતો ચિંતામાં

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કાયમેટ અનુસાર દેશમાં વરસાદની સંભાવના - Divya Bhaskar
સ્કાયમેટ અનુસાર દેશમાં વરસાદની સંભાવના
  • હવામાન એજન્સી સ્કાયમેટની મુજબ 15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મીથી વધુ વરસાદ નહીં પડે

રાજ્યમાં ચોમાસું શરૂ થયા બાદ વરસાદે છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો છે. અમદાવાદમાં પણ જૂન મહિનામાં વરસાદના આગમન બાદ છેલ્લા પાંચ દિવસોથી વરસાદ નથી. ત્યારે પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી મુજબ રાજ્યભરમાં હજુ પણ 15 જુલાઈ સુધી રાજ્યમાં 20 મી.મીથી વધારે વરસાદ દેખાઈ રહ્યો નથી. ગુજરાતમાં ખરીફ સીઝનમાં ખેડૂતોએ અત્યાર સુધીમાં 19.25 ટકા એટલે કે 25 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરી દીધી છે. એવામાં હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા સતાવી રહી છે.

દિલ્હીમાં 43.5 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો
દેશમાં મેઘરાજા સંપૂર્ણપણે છવાય એ પહેલા જ રિસાયા છે. ક્યાંક વધુ ક્યાંક ઓછા વરસાદ વચ્ચે અત્યારે ચોમાસાને બ્રેક લાગી છે. આના કારણે અનેક વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે. રાજધાની દિલ્હીમાં એક જુલાઈએ પારો 43.5 ડિગ્રીને સ્પર્શી ગયો. 9 વર્ષમાં આવું પ્રથમવાર બન્યું કે જ્યારે રાજધાનીમાં જુલાઈમાં આટલી ગરમી પડી રહી હોય. ઉત્તર ભારતના રાજ્યોમાં પારો સામાન્યથી 7 ડિગ્રી સુધી ઉપર ચાલી રહ્યો છે. એકતરફ ચોમાસાની આ સ્થિતિથી ખેડૂતોના માથે ચિંતાની રેખાઓ તણાઈ છે તો બીજીતરફ કોરોનાનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થા માટે પણ આ સારા સમાચાર નથી.

સૌપ્રથમ સમજીએ મોનસૂન બ્રેક શું હોય છે?
ભારતીય હવામાન વિભાગના પૂર્વ ડિરેક્ટર જનરલ કે જે રમેશ પાસે સમજીએ, મોનસૂન પર બ્રેક કેમ લાગી છે, આ બ્રેકની મોનસૂનના ઓવરઓલ વરસાદ પર કેટલી અસર થશે. ભારતમાં જૂનથી સપ્ટેમ્બર સુધી 4 મહિના ચોમાસાના હોય છે. આ દરમિયાન ચોમાસાના પવનોના લીધે સમગ્ર દેશમાં વરસાદ થાય છે. જો કે આ 4 મહિનાઓ દરમિયાન અનેકવાર એક કે બે સપ્તાહ સુધી વરસાદ થતો પણ નથી તેને જ મોનસૂન બ્રેક કહેવામાં આવે છે. એટલે કે ચોમાસુ થોડા સમય માટે બ્રેક પર ચાલ્યું જાય છે. મોનસૂનના આ બ્રેક પાછળ અલગ-અલગ કારણ હોય છે.

આ વખતના મોનસૂન બ્રેકમાં કંઈ અલગ છે કે શું?
દેશમાં 4 મહિના વરસાદની ઋતુ દરમિયાન મોનસૂન બ્રેક લેતું રહે છે. આ વખતે મોનસૂન બ્રેકમાં અલગ વાત એ છે કે મોનસૂન સમગ્ર દેશમાં છવાઈ જાય એ પહેલા જ બ્રેક મોડમાં પહોંચી ગયું છે. ઘણીવાર એવું થાય છે કે જુલાઈ અંત કે ઓગસ્ટની શરૂઆત સુધી સમગ્ર દેશમાં પહોંચ્યા પછી મોનસૂન બ્રેક લે છે પરંતુ આ વખતે સમગ્ર દેશમાં છવાય એ પહેલા જ મોનસૂન બ્રેક પર ચાલ્યું ગયું છે.

આ મોનસૂન બ્રેકનું કારણ શું છે?
છેલ્લા બે સપ્તાહથી ચોમાસાના વાદળોના આગળ વધવા પર બ્રેક લાગી ચૂકી છે. આની પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણ માનવામાં આવે છે. આ કારણથી પશ્ચિમની તરફથી ઝડપી અને ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનો પૂર્વની તરફથી આવનારા ચોમાસાના પવનોને બ્લોક કરીને આગળ વધતા રોકી રહ્યા છે. આ જ કારણથી ચોમાસાના પવનો આગળ વધી શકતા નથી.

ક્યાં સુધીમાં ફરીથી એક્ટિવ થઈ શકે છે મોનસૂન?
7 જુલાઈ સુધી દેશમાં આવી જ ગરમીનો સામનો કરવો પડશે. 7 જુલાઈ પછી બંગાળની ખાડીમાં ઓછા દબાણનું ક્ષેત્ર સર્જાવાની સંભાવના છે. આશા છે કે તેના પછી ચોમાસુ ગતિ પકડશે.

અત્યારે ક્યાં સુધી પહોંચ્યું છે ચોમાસુ?
30 જૂન સુધી પૂર્વ રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને ચંડીગઢના કેટલાક ભાગ છોડીને મોનસૂન સમગ્ર દેશમાં ફેલાઈ ગયું છે. જો કે મોનસૂન રેખા બાડમેર, ભીલવાડા, ધૌલપુર, અલીગઢ, મેરઠ, અંબાલા અને અમૃતસરમાં બે સપ્તાહથી અટકેલું છે. સામાન્ય રીતે 8 જુલાઈ સુધી ચોમાસુ સમગ્ર દેશમાં છવાઈ જાય છે, પરંતુ આ વખતે તેમાં એક સપ્તાહ જેટલો વધુ સમય લાગ્યો છે.

એજન્સીઓએ આ વખતે ચોમાસુ કેવું રહેશેની આશા દર્શાવી હતી?
વેધર એજન્સી સ્કાયમેટે આ વર્ષે દેશમાં 907 મિલીમીટર વરસાદ થવાની શક્યતા દર્શાવી હતી, એટલે કે સમગ્ર દેશમાં સામાન્ય કે સામાન્યથી વધુ વરસાદ થઈ શકે છે. વાસ્તવમાં, સમગ્ર ભારતમાં ચોમાસાના 4 મહિના દરમિયાન સરેરાશ 880.6 મિલીમીટર વરસાદ થાય છે, જેને લોંગ પિરિયડ એવરેજ (LPA) કહે છે. એટલે કે 880.6 મિલીમીટર વરસાદને 100% માનવામાં આવે છે. આ વર્ષે 907 મિલીમીટર વરસાદ થવાની સંભાવના છે. એટલે કે સમગ્ર દેશમાં મોનસૂન સામાન્ય કે વધુ સારૂં રહી શકે છે.

અત્યાર સુધી કેટલો વરસાદ થયો?
IMDના અનુસાર ચોમાસા દરમિયાન જૂનમાં દેશભરમાં 167 મિલીમીટર વરસાદ થાય છે, આ વખતે 183 મિલીમીટર વરસાદ થયો છે. એટલે કે ચોમાસાના પ્રથમ મહિનામાં સામાન્યથી 10% વધુ વરસાદ થયો છે. દેશના બાકીના વિસ્તારોના મુકાબલે મધ્ય ભારતમાં 17% વધુ વરસાદ થયો છે.

શું આનાથી ચોમાસાના ઓવરઓલ વરસાદ પર અસર પડશે?
કદાચ નહીં. સમગ્ર ભારતમાં જૂન મહિના દરમિયાન જ સરેરાશથી 10% વધુ વરસાદ થયો છે. હવામાન વિભાગે જુલાઈમાં 277 મિલીમીટર વરસાદ થવાનું અનુમાન લગાવ્યું હતું. જો જુલાઈના શરૂઆતના 10 દિવસોમાં ચોમાસુ નારાજ રહે છે ત્યારે પણ આશા છે કે પછીના 20 દિવસોમાં જોરદાર વરસાદ થઈ શકે છે, પરંતુ જો 10 દિવસ પછી પણ ચોમાસુ એક્ટિવ ન થાય તો તેની સીધી અસર ખરીફ પાકની વાવણી પર પડશે.