કોવિડ-19ના સંચાલનમાં ગુજરાતની હેલ્થ મશીનરી નિષ્ફળ રહી હોવાના અહેવાલોની ગંભીર નોંધ લેતાં ગુજરાત હાઈકોર્ટે નોંધ્યું છે કે ગુજરાત રાજ્ય મેડિકલ કટોકટીના આરે ઊભું છે. એટલું જ નહીં, આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને આજે સવારે 11 વાગ્યે એની સુનાવણી મુકરર કરી છે. આ PIL સંબંધે હાઈકોર્ટે ગુજરાતના મુખ્ય સચિવ, રાજ્યના આરોગ્ય અગ્રસચિવ તથા કેન્દ્રીય ગૃહસચિવ તથા કેન્દ્રીય આરોગ્ય સચિવને નોટિસ પાઠવીને તેમને પ્રતિવાદી બનાવ્યા છે. આવતીકાલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમ નાથ તથા જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચ વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાશે. એટલું જ નહીં, રાજ્યના ટોચના સનદી અધિકારીઓને પણ આ લાઈવ કાર્યવાહીને તેના માટે જનરેટ કરાયેલી લિંક પર જોવા માટે સૂચન કરાયું છે.
‘અખબારોમાં પાનેપાનાં ભરી આવતા સમાચારોને અવગણી ન શકાય’
આ અંગે હાઈકોર્ટે નોંધ્યું હતું કે છેલ્લા પાંચ-છ દિવસથી અખબારોમાં રાજ્યની વણસેલી આરોગ્યની સ્થિતિ વિશે પાનેપાનાં ભરીને સમાચારો આવે છે. આ સમાચારો રાજ્યની ગંભીર સ્થિતિ તરફ ઈશારો કરે છે, જેને અવગણી ન શકાય અને હવે કોર્ટે હસ્તક્ષેપ કરવાનો સમય પાકી ગયો છે. આ અખબારી અહેવાલો રાજ્યની વાસ્તવિક પરિસ્થિતિનું ચિત્રણ કરી રહ્યા છે અને આ બધું એક જ બાબત તરફ ઈશારો કરે છે કે ગુજરાત રાજ્ય હવે મેડિકલ કટોકટીના આરે ઊભું છે અને જલદી કોઈ અસરકારક પગલાં નહીં લેવાય તો સ્થિતિ કાબૂ બહાર જતી રહેશે.
હેલ્થ માળખું પડી ભાંગ્યું, ઓક્સિજન-રેમડેસિવર માટે વલખાં મારતા લોકો
આ વાતને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં હજી પણ રાજ્યની સ્થિતિમાં કોઈ દેખીતો ફરક પડ્યો નથી. રાજ્યમાં આજે પણ લોકો કલ્પના કરી ન શકાય તેવી હાડમારીઓ અને તકલીફો સહન કરી રહ્યા છે અને સ્થિતિ રાજ્યના આરોગ્ય વિભાગના કાબૂ બહાર જતી રહી છે. હાલનું હેલ્થ માળખું પડી ભાંગ્યું છે અને ટેસ્ટિંગ, હોસ્પિટલમાં બેડ, આઈસીયુની ઉપલબ્ધતા ઉપરાંત ઓક્સિજન અને રેમડેસિવિર જેવી પાયાગત ઔષધિઓ મેળવવા પણ લોકોએ રીતસર વલખાં મારવા પડી રહ્યાં છે.
સુઓમોટો PIL અંગે રાજ્ય-કેન્દ્રના સનદી અધિકારીઓને નોટિસ
ગુજરાતના મુખ્ય સચિવ-આરોગ્ય અગ્રસચિવ, કેન્દ્રીય ગૃહ સચિવ તથા આરોગ્ય સચિવને આ સુઓમોટો PIL સબબ હાઈકોર્ટે નોટિસ પાઠવી છે. આ નોટિસની સાથે છેલ્લા કેટલાક દિવસોથી અખબારમાં પાનેપાનાં ફરીને આવતા અહેવાલો અને એમાં દર્શાવાતી ગુજરાતની સ્થિતિ વિશેની ટિપ્પણીઓની ઝેરોક્સ પણ બીડાણ તરીકે રાખવામાં આવી છે. આ નકલો ઈમેઈલથી એડવોકેટ જનરલ, સરકારી વકીલ તથા એડિશનલ સોલિસિટર જનરલને મોકલી આપવામાં આવી છે.
ચાર દિવસ પહેલાં જ હાઈકોર્ટે કડક પગલાંની તાકીદ કરી હતી
ઉલ્લેખનીય છે કે ગત 6 એપ્રિલના રોજ હાઈકોર્ટના ચીફ જસ્ટિસની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે વરિષ્ઠતમ સરકારી કાનૂની અધિકારીઓ, એડવોકેટ જનરલ તથા સરકારી વકીલ સાથે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન ગુજરાતમાં વકરતી કોવિડ-19ની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્યમાં જે રીતે તબીબી સ્થિતિનું સંચાલન કરાઈ રહ્યું છે તેના પ્રત્યે ચિંતા વ્યક્ત કરતાં સ્થિતિમાં સુધારો લાવવા જરૂરી પગલાંની પણ તાકીદ કરી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.