હાઈકોર્ટની નારાજગી:જીવદયાવાળા લોકોને માત્ર પ્રાણીઓના જીવ વ્હાલાં છે, માણસોના જીવની ચિંતા નથી?, કૂતરા રાખવાનો શોખ હોય તો પાંજરાપોળ ખોલો: ગુજરાત હાઇકોર્ટ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઇકોર્ટ
  • તમે સ્ટ્રિટ ડોગને ખવડાવીને છોડી દો છો અને તેઓ બીજાને કરડે એટલે એનો જીવ જોખમમાં મૂકાય છે: હાઇકોર્ટ

હાઇકોર્ટમાં અવારનવાર વિવિધ મુદ્દાઓને લઈને અનેક પ્રકારના કેસ સામે આવતા હોય છે. જેમાં ગુજરાત હાઇકોર્ટમાં એવો જ એક અનોખો કેસ સામે આવ્યો છે. આ કેસમાં હાઈકોર્ટે અરજી પર કહ્યું કે જીવદયાવાળા લોકોને માત્ર પ્રાણીઓના જીવ જ વ્હાલાં છે, માણસોના જીવની ચિંતા નથી? એટલું જ નહીં સ્ટ્રિટ ડોગની ચિંતા હોય કૂતરા પાળવાનો શોખ હોય તો પાંજરાપોળ ખોલાવી દો.

એક વ્યક્તિ કૂતરાને બિસ્કિટ ખવડાવતો હતો ત્યારે એકે પથ્થર માર્યો હતો
હાઈકોર્ટમાં કરાયેલી અરજી મુજબ એક વ્યક્તિ કૂતરાને બિસ્કિટ ખવડાવી રહ્યો હતો અને બીજા વ્યક્તિએ તેના તરફ પથ્થરનો ટૂકડો માર્યો. જોકે આ મામલે બિસ્કિટ ખવડાવનારા વ્યક્તિએ પોલીસને એનિમલ ક્રુઅલ્ટી અંગેની ફરિયાદ કરી હતી. જેથી આરોપીએ આખરે આ મામલે ન્યાય મેળવવા હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં.

જીવદયાવાળાને કૂતરાની ચિંતા હોય તો પાંજરાપોળ ખોલો
હાઇકોર્ટમાં આ કેસ સામે આવતા કોર્ટે તમામ વિગતો જાણીને કહ્યું કે, શું આ જીવદયાવાળા લોકોને માત્ર પ્રાણીઓની જ ચિંતા છે. તેમને માણસોની ચિંતા નથી? આ સ્ટ્રિટ ડોગને જીવદયાવાળાને એટલી જ ચિંતા હોય તો તેમના માટે પાંજરાપોળ જ ખોલી દો ને. આ તો તમે આવા કૂતરાઓને ખવડાવો છો અને આખરે બીજા લોકો માટે જોખમી સાબિત થાય છે. બીજાને કૂતરું કરડે તો તેની ચિંતા જીવદયાવાળાને નથી.

એક કૂતરાને ખવડાવે એટલે આખા એપાર્ટમેન્ટના રહીશોએ ડરવાનું
વધુમાં હાઈકોર્ટે કહ્યું કે આ સ્ટ્રિટ ડોગથી લોકો બહુ ત્રાસી ગયા છે. ચાલતા તો પાછળ પડે પણ મોટરસાઇકલ લઈને જાવ તો પણ પીછો નથી છોડતું. આ ગંભીર બાબત છે. આનાથી બહુ લોકો હેરાન થાય છે. હકકીતમાં તો આ જીવદયાવાળા પર FIR થવી જોઈએ. કૂતરાઓને ખવડાવે એ અને કૂતરા આપણા ઘર આગળ જ પડી રહે. એપાર્ટમેન્ટમાં પણ એક જણ કૂતરાને ખવડાવે એટલે આખા એપાર્ટમેન્ટના રહીશોને ડરી-ડરીને ચાલવું પડે છે, હેરાન થવું પડે છે.

આરોપી વિરૂધ્ધની FIR રદ્દ કરાઈ
વધુમાં હાઇકોર્ટે કહ્યું કે, આ ફરીયાદી છે ને એના ઘરે બધા કૂતરા મૂકી આવો તો ખબર પડે. એ બધા ખવડાવશે. હાઇકોર્ટે ફરીયાદીને કહ્યું કે તમે કોઈ ગરીબ માણસો કે કોઈને ખવડાવો છો? ના ખવડાવતા હોય તો પહેલા માણસોને ખવડાવો. માણસના જીવની ચિંતા કરો થોડી ઘણી. હાઇકોર્ટે આ કેસમાં આરોપી વિરુદ્ધની FIR રદ્દ કરવાનો આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...