સુનાવણી:ગુજરાત હાઇકોર્ટનો લવ-જેહાદના કાયદાની કલમ 3, 4, 5 અને 6 પર મનાઈહુકમ, બળજબરીથી લગ્ન કર્યાનું પુરવાર થશે તો જ FIR થઈ શકશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • લવજેહાદ કાયદાની મુખ્ય જોગવાઈઓ સામે ગુજરાત હાઈકોર્ટનો સ્ટે
  • આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર FIR થઈ શકશે નહીં: હાઈકોર્ટનું અવલોકન
  • હવે લવજેહાદમાં FIR માટે લોભ-લાલચ, દબાણ સાબિત કરવાં પડશે
  • 65 દિવસ જૂના બહુચર્ચિત કાયદા સામે જમિયત ઉલેમા-એ-હિન્દ (ગુજરાત)ની અરજી અંગે હાઈકોર્ટનો વચગાળાનો સ્ટે

ગુજરાત હાઇકોર્ટે ગુરુવારે રાજ્યના લવ જેહાદ કાયદાની મહત્ત્વની કલમો સામે સ્ટે આપી દીધો છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે જણાવ્યું હતું કે લોકોની બિનજરૂરી સતામણી અટકાવવા માટે આ વચગાળાનો આદેશ છે. ગુજરાત સરકારે 15 જૂને ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન એક્ટ (અમેન્ડમેન્ટ) એક્ટ, 2021 લાગુ કર્યો હતો. આ કાયદા હેઠળ લગ્ન દ્વારા બળજબરીપૂર્વક થતા ધર્મપરિવર્તન બદલ સજાની જોગવાઈ છે.

ગુરુવારે આ કેસની સુનાવણી દરમિયાન બેન્ચે કાયદાની કલમ 3,4, 4Aથી 4C, 5, 6 અને 6A સામે સ્ટે આપ્યો હતો. આ બાબતે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે હાઇકોર્ટના આદેશનો અભ્યાસ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે. ગયા મહિને જમિયત ઉલેમા-એ-હિંદની ગુજરાત શાખાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના નવા કાયદાની કેટલીક જોગવાઈઓ ગેરબંધારણીય છે.

મનાઇ હુકમ તમામ ધર્મ માટે લાભદાયી: જમિયત
જમિયત ઉલમા ગુજરાતના સેક્રેટરી અસ્લમ કુરેશીએ કહ્યું- જ્યારે ધાર્મિક સ્વાતંત્ર્ય કાયદામાં ગુજરાત સરકારે અન્યાયી સુધારા કર્યા ત્યારે અમે સાથે મળીને વિચાર કર્યો કે આ સુધારા માત્ર એક જ ધર્મ નહીં પરંતુ તમામ ધર્મોનાં યુવક-યુવતી માટે તકલીફ આપનારા બની રહેશે. માનવધર્મની રક્ષા કાજે અમે સિનિયર લોયર્સની સાથે ચર્ચા કરીને આ મુદ્દે લડી લેવાનું નક્કી કર્યું. અમે કાયદાએ જે અધિકારો આપ્યા છે તે પાછા મળે તેના હીમાયતી છીએ. કાયદાનો દુરુપયોગ કરીને બે વર્ષ જૂના લગ્નોમાં પણ હેરાનગતિઓ શરુ થઇ હતી. આશા રાખીએ કે મનાઇ હુકમને પગલે હવે યુવાનોની હેરાનગતિ બંધ થશે. કોર્ટનાં આ હુકમને અમે આવકારીએ છીએ અને આ મુદ્દે બંધારણે આપેલા મૂળભૂત અધિકારોને ધ્યાનમાં રાખીને કોર્ટ આગામી સમયમાં ચૂકાદો આપશે તેવો અમને વિશ્વાસ છે.”

અરજદારની દલીલ : કાયદો લગ્નના મૂળભૂત સિદ્ધાંતો તથા ધર્મના પાલનની આઝાદી વિરુદ્ધ છે. આ કાયદા હેઠળ બે જુદા-જુદા ધર્મની વ્યક્તિ લગ્ન કરે તો તે ગેરકાયદે છે. - મિહિર જોશી, સિનિયર એડવોકેટ

સરકારનો તર્ક : સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું હોય તેમણે ડરવાની જરૂર નથી. કાયદામાં બળજબરીથી થતાં ધર્મપરિવર્તનની જ મનાઈ છે. કાયદો કહે છે કે બળજબરી, ઠગાઈ, લોભથી ધર્મપરિવર્તન કરાવી શકાય નહીં. - AG કમલ ત્રિવેદી

હાઈકોર્ટનો આદેશ : આંતરધર્મ લગ્ન કરનાર વ્યક્તિઓની બિનજરૂરી સતામણી થાય નહીં એ હેતુસર આ વચગાળાનો આદેશ આપ્યો છે. બળજબરી, પ્રલોભન કે છેતરપિંડી થઈ હોય તો કેસ બની શકે છે. એ સિવાય તમે આગળ વધી શકો નહીં. આદેશમાં અમે માત્ર આટલું જ જણાવ્યું છે. - ચીફ જસ્ટિસ વિક્રમનાથ

વાંચો... લવજેહાદ કાયદાની જે કલમોમાં સ્ટે આપ્યો તેની જોગવાઈઓ શું છે?

  • કલમ 3માં બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન એટલે શું, એની સ્પષ્ટતા છે. તેમાં જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ બળજબરી, લોભ, છેતરપિંડી-ઠગાઈ, લગ્ન દ્વારા, કે કોઈ વ્યક્તિને લગ્નમાં મદદ દ્વારા ધર્મપરિવર્તન કરાવી શકે નહીં.
  • કલમ 4માં જોગવાઈ છે કે કલમ 3ના ભંગ બદલ દોષિતને 3 વર્ષની કેદ, 50 હજારનો દંડ થઈ શકે છે. જો પીડિત સગીર, મહિલા, કે એસસી-એસટી વર્ગની હોય તો 4 વર્ષ સુધીની કેદ અને એક લાખનો દંડ થઈ શકે છે.
  • કલમ 4-Aમાં ગેરકાયદે ધર્મપરિવર્તન દ્વારા થતાં લગ્ન વિશે છે. તેમાં જણાવાયું છે કે લગ્ન દ્વારા કે લગ્ન કરવામાં મદદ દ્વારા ધર્મપરિવર્તન કરવામાં આવ્યું હશે તો 3થી 5 વર્ષ સુધીની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે.
  • કલમ 4-Bમાં છે કે ગેરકાયદે ધર્મપરિવર્તનના હેતુસર થતા લગ્ન ફેમિલી કોર્ટ દ્વારા રદ જાહેર કરવામાં આવશે.
  • કલમ 4-Cમાં જણાવાયું છે કે કાયદાની કલમ 3માં જણાવ્યા મુજબ ગેરકાયદે ધર્મપરિવર્તનમાં જો કોઈ સંસ્થા કે સંગઠનની સામેલગીરી હશે તો તેની સામે કાર્યવાહી થશે.
  • કલમ 5માં જણાવાયું છે કે ધર્મપરિવર્તન માટે જે-તે ધર્મના ધર્મગુરુએ ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની મંજૂરી લેવી પડશે.
  • કલમ 6માં જણાવાયું છે કે આરોપી સામે કાર્યવાહી પહેલા ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ કે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટની આગોતરી મંજૂરી લેવી પડશે. જો કે કલમ 6-A હેઠળ ધર્મપરિવર્તન બળજબરીપૂર્વક થયું નથી એ ધર્મપરિવર્તન કરાવનાર આરોપીએ પુરવાર કરવાનું રહેશે.

સરકાર પાસે કાયદામાં સુધારા માટે અભ્યાસ કે ડેટા નહોતો
સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકના જણાવ્યા અનુસાર સમાજમાં વ્યાપક દૂષણ હોય તો સરકાર યોગ્ય અભ્યાસ અને સત્ય આધારિત ઘટનાઓનાં આધારે કાયદામાં સુધારા કરી શકે છે. પરંતુ આ કિસ્સામાં એવો કોઇ અભ્યાસ કે ડેટા હાજર જ નથી જે કાયદામાં સુધારા તરફે દોરી જાય. કોર્ટને લાગ્યું કે બળ, છળકપટ કે લાલચ પુરવાર ન થાય ત્યાં સુધી પુખ્તવયની બે વ્યક્તિને લગ્ન કરતાં રોકી શકાય નહીં. બીજું કે આ કાયદો બંધારણે આપેલી બિનસાંપ્રદાયિકતાની વિભાવનાની વિરુદ્ધ હતો. જેથી કોર્ટે આનુષાંગિક કલમો પર મનાઇ ફરમાવી છે. કાયદાના ઓઠા હેઠળ બળજબરી રોકવા કરતાં તેનો હેતુ ચોક્કસ ધર્મની યુવતી અન્ય ધર્મમાં ન જાય તે જોવાનો વધુ લાગ્યો. જે મુદ્દાનું ધ્યાન કોર્ટે રાખ્યું લાગે છે.

15મી જૂનથી લવ-જેહાદ કાયદો અમલમાં
ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ બહુચર્ચિત લવ-જેહાદ કાયદો 15મી જૂનથી અમલી બન્યો છે. ગત વિધાનસભા સત્રમાં પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમને રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ રાજ્ય સરકારે એનો વિધિવત અમલ શરૂ કર્યો હતો. આ કાયદાની મુખ્ય જોગવાઇ મુજબ હવે કોઇપણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મપરિવર્તન કરાવશે અને ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન કરશે એની સામે ગુનો દાખલ કરવામાં આવશે.

5 વર્ષ સુધીની સજા અને રૂ. 2 લાખ સુધી દંડની જોગવાઈ
ગુજરાત સરકારે આ કાયદામાં 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની, જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધીની સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષની જોગવાઈ કરાઇ છે.