તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુનાવણીમાં ફેરફાર:ગુજરાત હાઈકોર્ટમાં 16 સપ્ટેમ્બરથી શરૂ થનારી પ્રત્યક્ષ સુનાવણી સ્થગિત પણ વર્ચ્યૂઅલ સુનાવણી થશે

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
જે જજીસ પ્રત્યક્ષ સુનાવણીની બેંચિસની અધ્યક્ષતા કરતા હોય તેઓ વર્ચ્યૂઅલ સુનાવણી કરશે - Divya Bhaskar
જે જજીસ પ્રત્યક્ષ સુનાવણીની બેંચિસની અધ્યક્ષતા કરતા હોય તેઓ વર્ચ્યૂઅલ સુનાવણી કરશે

કોરોના મહામારીમાં અનલોક બાદ સૌ પ્રથમ વાર ગુજરાત હાઈકોર્ટમાં આવતીકાલ(16 સપ્ટેમ્બર)થી પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવાની હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ગુજરાત હાઈકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી માટે શરૂ કરવાના 9 તારીખના નિર્ણયને સ્થગિત કરી દેવામાં આવ્યો છે. તેમજ આ મામલે દિશા નિર્દેશો આપ્યા કે, જે જજીસ પ્રત્યક્ષ સુનાવણીની બેંચિસની અધ્યક્ષતા કરતા હોય તેઓ વર્ચ્યૂઅલ સુનાવણી કરશે. હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણી પહેલા કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમાં 17થી વધુ કેસો પોઝિટિવ આવ્યા હતા. જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની શક્યતા છે.

રોસ્ટરમાં પણ થોડા ફેરફાર કર્યા
આ ઉપરાંત રોસ્ટરમાં પણ થોડા ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફાર મુજબ, વર્ચ્યૂઅલ કોર્ટના સિંગલ જજ બેંચિસના જસ્ટિસ એ.જે.શાસ્ત્રી સિવિલ કેસિસની જ્યારે જસ્ટિસ પરેશ ઉપાધ્યાય, જસ્ટિસ એ.એસ.સુપેહિયા અને જસ્ટિસ આર.પી.ઢોલરિયા ક્રિમિનલ કેસિસની સુનાવણી કરશે. આ ફેરફાર 18 સપ્ટેમ્બરથી લાગુ કરવામાં આવશે.

અઠવાડીયા પહેલા 17 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા
આ પહેલા 8 સપ્ટેમ્બરના રોજ બે કાયદા ભવનના અને બે રજીસ્ટ્રી વિભાગના કર્મચારી મળી કુલ ચાર કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 9 સપ્ટેમ્બરે વધુ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવતા 11 કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હતા. જેને પગલે હાઈકોર્ટના કર્મચારીઓ અને વકીલોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ત્યાર બાદ હાઈકોર્ટ 12થી 15 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેને 16 સપ્ટેમ્બરથી ફરી શરૂ કરવાનો આદેશ થઈ ગયો હતો. પરંતુ આજે અચાનક પ્રત્યક્ષ સુનાવણી સ્થગિત કરવાનો આદેશ થયો છે.

જુલાઇમાં 8 કર્મચારી પોઝિટિવ આવ્યા હતા
હાઈકોર્ટમાં ગત જુલાઈ માસમાં હાઇકોર્ટના 8 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હાઇકોર્ટને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી હતી. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી અને ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી કરવામાં આવી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...