કોરોના મહામારીને કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી હાલ ખાનગી સ્કૂલોની ફી ભરવાની સ્થિતિમાં નથી. બેફામ બનેલા ખાનગી સ્કૂલસંચાલકો ફીમાં રાહત આપવા તૈયાર નથી. આ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો.
હાઈકોર્ટે કહ્યું, અમને શા માટે મધ્યસ્થી બનવા કહો છો?
ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનવા સરકારે કરેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે એવું પણ તારણ કર્યું હતું કે, સરકાર પોતે કેમ નિર્ણય લેતી નથી અને અમને મધ્યસ્થી બનાવવા માગે છે. હાઈકોર્ટે મધ્યસ્થી શા માટે બનવું જોઈએ અને સરકાર આ માટે પોતે જ નિર્ણય લે અને તેનો અમલ કરે. આ તારણો સાથે હાઈકોર્ટે મધ્યસ્થી બનવા અંગેની સરકારની અરજીનો નિકાલ કહ્યો હતો. હાઈકોર્ટે ફી ઘટાડવા અંગેનો અંતિમ નિર્ણય પણ સરકાર પર જ છોડ્યો હતો.
હાઈકોર્ટના ચુકાદાની નકલ મળ્યા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું: શિક્ષણમંત્રી
હાઈકોર્ટના આ નિર્ણય અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્કૂલોની ફી અંગે આપેલા ચુકાદાની નકલ રાજ્ય સરકારને મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તેઓ આ ચુકાદા સંદર્ભે બેઠક કરશે. આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે.
ટ્યુશન ફીમાં વધુમાં વધુ રાહત મળે તેવો નિર્ણય લેવા વાલીઓની માંગ
જ્યારે વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું કે, 25 ટકા ટ્યુશન ફી ઘટાડા બાબતે સરકાર દ્વારા હાઈકોર્ટમાં સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કરવામાં આવેલ અરજીની સુનાવણી થતા ગુજરાત સરકાર, સ્કૂલ સંચાલકો તથા ઓલ ગુજરાત વાલી મંડળે કરેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી કોર્ટે સરકારને ગુજરાતમાં ચાલતી તમામ સ્કૂલોની ટ્યુશન ફી સ્કૂલે પૂર્ણ રૂપે ચાલુ ન થાય ત્યાં સુધી ફી ઘટાડવા બાબતે નિર્ણય લેવાની તમામ સત્તાઓ છે તેવું જણાવી સરકારને સત્વરે નિર્ણય કરવા નિર્દેશ કર્યો છે. સ્કૂલ સંચાલકો દ્વારા ઉઘરાવવામાં આવતી ટ્યુશન ફી સિવાયની તમામ ફી સરકાર અને હાઈકોર્ટ દ્વારા અગાઉથી જ માફ કરવામાં આવી છે. જેથી સ્કૂલો પૂર્ણ રૂપે શરૂ ન થાય ત્યાં સુધી ટ્યુશન ફી બાબતે વધુમાં વધુ રાહત મળી રહે તેવો નિર્ણય લેવા વાલીઓની માંગ છે.
વાલીના કેસની તપાસ કર્યા પછી રાહત આપીશું, 25 ટકા ફી માફીનો નિર્ણય મંજૂર નથીઃ સ્કૂલ સંચાલકો
આ અંગે વાલીઓના વકીલ વિશાલ દવે જણાવ્યું કે,સરકારે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે,અમારો 25 ટકા ફી માફીનો જે નિર્ણય છે તે સ્કૂલ સંચાલકો માનતા ન હોવાથી હાઈકોર્ટમાં નિર્દેશો માટે અરજી કરી છે. તો બીજી બાજુ સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી કે, સરકારની આ અરજી મેઈન્ટેનેબલ નથી.અમે વાલીના કેસની તપાસ કર્યા પછી રાહત આપીશું. અમને 25 ટકા ફી માફીનો નિર્ણય મંજૂર નથી.
સરકાર પાસે એપિડેમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સત્તા છેઃ વાલીઓના વકીલ
એડવોકેટ વિશાલ દવેએ આગળ કહ્યું કે જ્યારે વાલી મંડળ વતી રજૂઆત કરવામાં આવી કે, ફીમાં 25 ટકાની રાહતનો નિર્ણય પ્રેક્ટિકલ છે અને તેને લાગુ કરવો જોઈએ. સરકાર પાસે એપિડમિક એક્ટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ સત્તા છે.
સંચાલકો FRCએ 5થી 12 ટકાનો જે ફી વધારો મંજૂર કર્યો એ જતો કરવા તૈયાર
આ પહેલાં ફી ઉઘરાવવા મામલે સ્કૂલસંચાલકોની મનમાની સામે ગુજરાત સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીના જવાબમાં સ્કૂલસંચાલકોએ અઠવાડિયા પહેલાં હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં રજૂઆત કરાઈ હતી કે વિદ્યાર્થીઓની ફી યથાવત્ રાખીને FRCએ સ્કૂલોને 5થી 12 ટકા જે ફી વધારો મંજૂર કર્યો હતો એ સંચાલકો જતો કરવા તૈયાર છે.
સ્કૂલસંચાલકો ફી માફી આપવા કે નમતું જોખવા તૈયાર નથી
સરકારે સંચાલકો સાથે કરેલી બે બેઠકમાં તેઓ સહેજ પણ નમતું જોખવા તૈયાર થયા નથી, એવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. સરકારે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે ફી મામલે સંચાલકો સાથે ખુલ્લા મને બે વખત વચલો રસ્તો શોધવા બેઠક કરવામાં આવી છે. સરકારે વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવા દરખાસ્ત આપી હતી, જેનો સંચાલકોએ ઇન્કાર કર્યો હતો. સંચાલકો ફી માફી આપવા કે નમતું જોખવા તૈયાર નથી.
સરકાર પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં ફી મુદ્દે કોર્ટમાં આવે છે તે દુ:ખદ છે...: હાઈકોર્ટ
હાઈકોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે સરકાર હાઈકોર્ટને ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનાવવા માંગે છે તે યોગ્ય નથી. સરકાર પોતે નિર્ણય કેમ નથી કરતી. તેની પાસે સંપૂર્ણ સત્તા હોવા છતાં ફી મુદ્દે કોર્ટમાં રજૂઆત કરવામાં આવે તે દુ:ખદ છે. હાઈકોર્ટે શા માટે મધ્યસ્થી બનવું જોઈએ? સરકારે નિષ્પક્ષ રીતે નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર બહાર પાડવો જોઈએ. રાજ્ય સરકારે આ અંગે વિવેકબુદ્ધિ વાપરીને યોગ્ય નિર્ણય લેવો જોઈએ. કોરોના કાળમાં દરેક પક્ષ સહાનુભૂતિપૂર્વક વિચારે તે જરૂરી છે. એકબીજા પર આક્ષેપ કરવામાં આવે તે યોગ્ય નથી.
ચુકાદાનો અભ્યાસ કરી નિર્ણય લેવાશે: ચુડાસમા
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટે સ્કૂલની ફી અંગે જે ચુકાદો આપ્યો છે આ ચુકાદાની નકલ રાજય સરકારને મળ્યા પછી તેનો અભ્યાસ કરશે. આ પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે ચર્ચા કરાશે. આ ચર્ચા પછી જે કઇ નક્કી થશે તે પ્રમાણે નિર્ણય લેવાશે.
શાળા-કોલેજ શરૂ થાય નહીં તો ફી કેમ ?
કોંગ્રેસ પ્રદેશ પ્રવકત્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું કે, કોંગ્રેસે ફી ન લેવા બાબતે રાજયપાલ સમક્ષ પણ રજૂઆત કરી હતી. એક સત્રની ફી માફી કરવા માટે કોંગ્રેસની માગ છે,ભાજપ સરકારે વાલીઓને લૂટવા માટે સંચાલકોને પરવાનો આપ્યો છે,સામાન્ય વ્યકિતને દંડ તો સંચાલકોને કેમ નહીં?
સરકાર જેટલું આર્થિક પેકેજ વાલીઓને આપીશું
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના દીપક રાજ્યગુરુએ જણાવ્યું કે, અમે હાઇકોર્ટના નિર્ણયની સાથે છીએ. રાજ્ય સરકાર વાલીઓ માટે જેટલું પણ રાહત પેકેજ જાહેર કરશે તેટલી જ રાહત અમે આપીશું. સરકાર વાલીઓને 25 ટકા ફી માફીનું પેકેજ જાહેર કરશે તો ખાનગી સ્કૂલ સંચાલકો પણ 25 ટકા રાહત આપશે.
સરકાર બને તેટલી વધુ રાહત વાલીઓને આપે
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યુ- શાળા સંચાલકો દ્વારા ઉઘરાવવામાં આવતી ટ્યુશન ફી સિવાયની ફી ગુજરાત સરકાર દ્વારા અગાઉથી જ માફ કરવામાં આવેલ છે. જેથી શાળાઓ પૂર્ણ રૂપે શરૂ ન થાય ત્યાં સુધી વાલીઓને ટ્યુશન ફીમા વધુમાં વધુ રાહત મળે તેવો નિર્ણય લેવા જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.