તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રીપિટર્સની પરીક્ષા લેવાશે:ગુજરાત હાઈકોર્ટે કહ્યું-ધો.10-12ના રિપીટર્સની પરીક્ષા લેવાવી જોઈએ, એજ્યુકેશનનું સ્તર ઉંચુ લાવવાનું છે નીચું નહીં

અમદાવાદ16 દિવસ પહેલા
પ્રતિકાત્મક તસવીર
  • કોરોના ગાઈડલાઇનનું પાલન થાય તે રીતે પરીક્ષા લેવા વ્યવસ્થા કરીઃ સરકાર
  • કોલેજમાં એડમિશન ચાલુ થઈ હોવાથી રિપીટર્સને એડમિશન ક્યારે મળશેઃ અરજદાર

રાજ્ય સરકારે ધોરણ 10 અને 12ના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું છે. પરંતુ ધોરણ 10 અને 12ના રિપીટર્સની 15મી જુલાઈથી પરીક્ષા લેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સામે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. જો કે ગુજરાત હાઈકોર્ટે આજે આ PIL ફગાવી દીધી છે. હાઈકોર્ટે કહ્યું કે કોઈની સરખામણી કરવી જરૂરી નથી. પરી લેવાવી જોઈએ. જેને પગલે હવે રિપીટર્સની પરીક્ષા યોજાશે.

આપણે એજ્યુકેશનનું સ્તર ઉંચુ લાવવાનું છે નીચું નહીં: હાઈકોર્ટ
આ જાહેર હિતની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે કહ્યું કે, આપણે એજ્યુકેશનનું સ્તર ઉંચુ લાવવાનું છે નીચું નહીં. તેમજ સરકારે રજૂઆત કરી કે અમે કોરોનાની તમામ ગાઈડલાઇનનું પાલન થાય તે રીતે પરીક્ષા લેવાય તેવી વ્યવસ્થા કરી છે.

કોરોના સંક્રમણ ફેલાય તો સરકાર જવાબદારી લેશે?: અરજદાર
જ્યારે અરજદારે હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી કે, કોલેજમાં એડમિશન ચાલુ થઈ ગયા છે. રિપીટર્સની પરીક્ષા લેવાય તો એડમિશન ક્યારે મળશે. કોરોના સંક્રમણ ફેલાય તો સરકાર જવાબદારી લેશે? કારણ કે વિદ્યાર્થીઓને વેક્સિન પણ મળી નથી. ત્યારબાદ હાઇકોર્ટે અરજદારની દલીલો સાંભળીને કહ્યું કોઈની સરખામણી કરવી જરૂરી નથી.પરીક્ષા લેવાવી જોઈએ.

નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન યોગ્ય છે
જ્યારે આ પહેલા હાઇકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે રેગ્યુલર અને રિપીટર આ વિધાર્થીઓને સરખાવી ન શકાય. કારણ કે રેગ્યુલર વિદ્યાર્થીઓ શાળાના ઓનલાઈન લેક્ચર લઈને ભણ્યા છે, જેનો પુરાવો છે તેના આધારે તેઓને માસ પ્રમોશન યોગ્ય છે. પરંતુ રિપીટર વિદ્યાર્થીઓ આ મહામારીમાં કેવી રીતે ભણ્યા અથવા ન પણ ભણ્યા હોય તેના આધારે તેઓને પ્રમોશન આપવું યોગ્ય નથી. તેઓએ તેમના કરિયરમાં 1 કે 2 વર્ષ ફેલ થવાના કારણે બગાડ્યા છે તેથી હવે પરીક્ષાને લંબાવીને પણ તેમને જ નુકશાન છે. આ બાબતે અમે હાલ સરકારને કોઈ ટીપ્પણી કરતા નથી.તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી કરવા માટે પણ અમે સલાહ આપીએ છીએ.

4.91 લાખ રિપીટર્સ વિદ્યાર્થી
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ 10 અને 12માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું છે.