પુત્રીને જ દુષ્કર્મ/જાતીય શોષણનો ભોગ બનાવનાર આરોપી પિતા ફકીરમમદ હુસેનભાઇ સુમભાનીયાના જામીન ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સમીર જે.દવેએ ફગાવી દેવાનો હુક્મ કર્યો છે. આ હુક્મમાં મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં જણાવ્યું હતું કે, પિતા-પુત્રીના સંબંધની પવિત્રતા જયારે આ પ્રકારે શર્મસાર થાય છે ત્યારે કોઇપણ સંબંધમાં પવિત્રતા અને માન્યતાને ખતમ કરી નાંખે છે. એક પુત્રી પોતાના પિતા તરફ એવી આશા રાખતી હોય છે કે, બહારના રાક્ષસોથી તેના પિતા તેનું રક્ષણ કરશે પરંતુ જયારે આ રક્ષક જ તેનો ભક્ષક બને ત્યારે વ્યકિત જે આઘાત અનુભવે છે તેનું સામાન્ય શબ્દોમાં વર્ણન કરવું પણ અશકય છે. આ આઘાત માત્ર બાળકના સામાન્ય વિકાસનો નાશ કે શર્મસાર નથી કરતો પરંતુ તેના સમગ્ર અસ્તિત્વને તહસનહસ કરી નાંખે છે. પુત્રી પોતાના પિતાને તેણીના સન્માન અને ગરિમાને લઇ હંમેશા એક ઢાલ તરીકે જોતી હોય છે. એ બાબત માનવ અંતરાત્માને આંચકો આપે છે કે જયારે પિતા-પુત્રી વચ્ચેના સંબંધોની પવિત્રતા આમ બહુ ખરાબ રીતે લજવાય છે અને જયારે ખુદ રક્ષક જ ભક્ષક બની જાય છે. ખુદ પોતાની જ પુત્રી પર એક પિતા દ્વારા દુષ્કર્મ-જાતીય શોષણ કરવાના જઘન્ય અપરાધથી બીજો મોટો કોઇ ગુનો હોઇ ના શકે. આ સૌથી ગંભીર પાપ છે કે જયારે તે કરનાર બીજુ કોઇ નહી પરંતુ એક પિતા જ હોય. તો સૌથી પવિત્ર સંબંધ વિકૃત અને શરમજનક રીતે હણાઇ જાય છે.
'આખા કુટુંબને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી'
દેવભૂમિ દ્વારકાના વાડીનાર મરીન પોલીસમથક વિસ્તારમાં ગત તા. 20-1 - 2022ના રોજ ફરિયાદી પત્ની બાજુમાં રહેતી તેની ભાભીના ત્યાં ગઇ હતી. ત્યારે બાળકો ઘરે રમતા હતા. એ વખતે ફરિયાદીની માત્ર 12 વર્ષ અને સાત મહિનાની બાળકી બૂમો પાડતી અને રડતી રડતી ઘરમાંથી પિતાના સંકજામાંથી છૂટીને બહાર દોડી આવી હતી. ફરિયાદીએ પૂછતાં પીડિત બાળકીએ જણાવ્યું કે, જયારે તેણી ઘરમાં એકલી હતી ત્યારે તેના પિતાએ તેનું જાતીય શોષણ કર્યું હતું. આ ઘટના જાણી ફરિયાદી પત્નીએ તેના પતિ સાથે ઝઘડો કર્યો હતો. ત્યારે આરોપીએ બધાની હાજરીમાં જણાવ્યું કે, તે પીડિત બાળકી કે જે તેની સગીર પુત્રી છે, તેની સાથે લગ્ન કરવા માંગે છે. અને જો આ બનાવની કોઇને જાણ કરશે તો આખા કુટુંબને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી, જેને પગલે ફરિયાદી પત્નીએ આરોપી પતિ વિરૃધ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે આરોપી પિતા ફકીરમમ હુસેનભાઇ સુમભાનીયાની ધરપકડ કરી હતી. ધરપકડ પામેલાં આરોપીએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. આ જામીન અરજી પરની સુનાવણી બાદ હાઇકોર્ટના જસ્ટિસ સમીર દવેએ ઉપર્યુક્ત હુક્મ કર્યો હતો.
મહિલાઓ ખુદના ઘરમાં પણ સુરક્ષિત નથી: હાઇકોર્ટ
જસ્ટિસ સમીર દવેએ બહુ માર્મિક નીરીક્ષણ કરતાં જણાવ્યું કે, સમાજમાં વ્યકિગત નૈતિક મૂલ્યોનું સ્તર એટલી હદે નીચે જતુ રહ્યું છે કે, રોજબરોજ આપણને આ પ્રકારના સમાચાર સાંભળવા મળી રહ્યા છે ત્યારે આપણું મન અને આત્મા ધ્રુજી ઉઠે છે. આપણને એવું કહેવાની જાણે આદત પડી ગઇ છે કે, મહિલાઓ ઘરની બહાર સુરક્ષિત નથી પરંતુ કેટલાક કિસ્સામાં તો તેઓ પોતાના ખુદના ઘરમાં પણ સુરક્ષિત નથી. ભગવાનની સુંદર રચનાનું પ્રતિક એવું બાળક જયારે ખુદ તેના પિતા દ્વારા જ તેના ક્ષણિક જાતીય જરૃરિયાત માટે પીંખી નંખાય તે અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય છે.
હાઇકોર્ટે મનુસ્મૃતિ અને પદ્મપુરાણના શ્લોક ચુકાદામાં ટાંકયા
હાઇકોર્ટે ચુકાદાના અંતિમ ભાગમાં મનુસ્મૃતિ અને પદ્મ પુરાણના શ્લોકોને ટાંકી સમાજને બહુ જ હૃદયસ્પર્શી સંદેશો આપ્યો હતો કે, દસ ઉપાધ્યાયોથી ચઢિયાતા આચાર્ય, સો આચાર્યોથી ચઢિયાતા એક પિતા અને એક હજાર પિતાઓથી પણ ચઢિયાતી માતા ગૌરવમાં અધિક અર્થાત્ મોટી છે. (મનુસ્મૃતિ). જન્મદાતા, ઉપનયન સંસ્કારકર્તા, વિદ્યા પ્રદાન કરવાવાળા, અન્નદાતા અને ભયથી રક્ષા કરવાવાળા આ પાંચ વ્યકિતને પિતા કહેવામાં આવે છે. મારા પિતા મારો ધર્મ છે, મારા પિતા મારું સ્વર્ગ છે, એ મારા જીવનની પરમ તપસ્યા છે (પદ્મપુરાણ). આ શ્લોક મારફતે હાઇકોર્ટે માતા-પિતાની વ્યાખ્યા પરિભાષિત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.