હાઈકોર્ટમાં સુનાવણી:ગાંધીનગર કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી સાથે ગુજરાત હાઈકોર્ટે કહ્યું- પૂર્વ મેયરે બનાવેલી બિલ્ડિંગને સીલ કરો અથવા તોડી પાડો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત હાઈકોર્ટ - Divya Bhaskar
ગુજરાત હાઈકોર્ટ
  • ગુજરાત હાઈકોર્ટે નિમેલ જુનિયર એડવોકેટના કમિશને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો
  • રિપોર્ટમાં 35% દુકાનો પાણી, ડ્રેનેજ અને વીજ કનેક્શન સાથે કાર્યરત- રિપોર્ટ
  • 'તમે બિલ્ડર વતી દલીલ કરી રહ્યા છે, તેમ લાગી રહ્યું છે', ગાંધીનગર કોર્પોરેશનના વકીલને કોર્ટની ટકોર

ગાંધીનગરના પૂર્વ મેયર રીટાબેન પટેલ સામે ગાંધીનગરમાં ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ બાંધકામ કરવા મામલે થયેલી જાહેરહિતની અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગર કોર્પોરેશનની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. સુનાવણી દરમિયાન કોર્પોરેશનમાંથી હાજર થયેલ એડવોકેટે બિલ્ડિંગના સિલ કરવામાં આવશે, તે નિવેદન પણ કર્યું હતું. જોકે કોર્ટે કહ્યું કે, કાયદાને અનુરૂપ, તેમને જે કરવું હોય તે કરે, બિલ્ડિંગ તોડી પાડવું હોય અથવા તો સિલ કરવું હોય.

કમિશને કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો
આ બાબતે ચીફ જસ્ટિસની કોર્ટમાં કમિશનને પોતાનો રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. જેમાં આ બિલ્ડિંગનું 35% હિસ્સો ઉપયોગમાં છે. જેમાં વીજળી, પાણી અને ડ્રેનેજનું કનેક્શન પણ કાર્યરત હોવાનું ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ આ રિપોર્ટને ફરીથી બંધ કવરમાં રજિસ્ટ્રી પાસે સાચવી રાખવા માટે નિર્દેશ આપ્યા છે. જરૂર પડે આ કેસની સુનાવણી દરમિયાન રજૂ કરવા કહ્યું છે. સાથે જ કોર્ટે ગાંધીનગર કોર્પોરેશનને કહ્યું કે, તમારે જે કરવું હોય તે કરો બિલ્ડિંગ તોડી પાડો અથવા તો સીલ કરો.

કોર્પોરેશનના વકીલને હાઈકોર્ટની ટકોર
સુનાવણી દરમિયાન કોર્પોરેશનમાંથી હાજર થયેલ એડવોકેટ જ્યારે બિલ્ડિંગના બાંધકામ અંગે વિગતો અંગે માહિતી આપી રહ્યા હતા, ત્યારે કોર્ટે ટકોર કરી કે, જાણે તેઓ બિલ્ડર એટલે કે મેયરના એડવોકેટ તરીકે દલીલ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

બિલ્ડિંગમાં કાર્યરત દુકાનો ચલાવનાર સામે નોટીસ ઈશ્યુ
ગાંધીનગર કોર્પોરેશન વતી વકીલે બિલ્ડિંગની બાંધકામ મંજૂરી રદ કરી હોવાની દલીલ કરી હતી. સાથે જ હાલ બિલ્ડિંગમાં દુકાનો કાર્યરત છે, તેમની સામે પણ નોટીસ ઇશ્યુ કરી હોવાની વાત કરી હતી. કોર્પોરેશનની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતા ચીફ જસ્ટિસે એ પણ કહ્યું કે, તેઓ રાજ્ય સરકારને કમિશનરની સામે પગલાં લેવા માટે નિર્દેશ આપશે.

પૂર્વ મેયરે 13 માળનું બિલ્ડિંગ ખડક્યું હતું
ગાંધીનગરના પૂર્વ મેયર રીટાબેન પટેલ સામે કોંગ્રેસના કોર્પોરેટર પિન્કીબેન પટેલે ગેરકાયદેસર રીતે 13 માળનું કોમર્શિયલ બાંધકામ ઉભું કરવામાં આવ્યું હોવાના દાવા સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરી હતી. જે મામલે ચીફ જસ્ટિસની ખંડપીઠે બંને જુનિયર એડવોકેટને હાલ ખરેખર આ બાંધકામની શું સ્થિતિ છે, તે તપાસ અંગે કામગીરી સોંપી હતી. જે અંગેનો રિપોર્ટ મુખ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

તંત્ર પગલાં લઈ 11 જાન્યુઆરીએ કોર્ટમાં જવાબ રજૂ કરશે
બિલ્ડિંગમાં કોર્ટે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવા નિર્દેશ આપ્યા હતા. સિલિંગથી માંડીને ડીમોલિશન સુધીના જે પગલાં યોગ્ય લાગે તે પગલાં ભરવા અને લેવાયેલા પગલાં વિશે આગામી સુનાવણી દરમિયાન જવાબ રજૂ કરવા તંત્રને નિર્દેશ કર્યો હતો. કેસની વધુ સુનાવણી 11 જાન્યુઆરીના રોજ હાથ ધરાશે ત્યારે તંત્ર લીધેલા પગલાં અંગે જવાબ રજૂ કરશે.

રિપોર્ટ મુજબ 35 ટકા બિલ્ડિંગમાં ફૂલ ઓક્યુપન્સી
રિપોર્ટ મુજબ 35 ટકા બિલ્ડિંગમાં ફુલ ઓક્યુપન્સી હતી અને 60 ટકાથી વધુ હિસ્સામાં પાર્શિયલ ઓક્યુપન્સી હતો. બિલ્ડિંગમાં રહેલી કેટલીક ક્ષતિઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ હોવાની દલીલ કોર્પોરેશન તરફથી થઈ હતી. બિલ્ડિંગની ત્રણ તરફ માર્જિન માટેની જગ્યા ઓછી છે અને પાર્કિંગ સ્પેસ પણ નિયમ કરતાં ઓછી છે જે મામલે નોટિસ અપાઈ છે.

બિલ્ડર દ્વારા પાર્કિંગ માટે મિકેનિકલ કામ એક મહિનાથી ચાલી રહ્યું છે અને બેઝમેન્ટમાં મલ્ટિલેવલ પાર્કિંગ બની રહ્યું છે તેવા દાવા થયો હતો. જોકે કોર્ટ કમિશનની રૂબરૂ મુલાકાત દરમિયાન મલ્ટિલેવલ પાર્કિંગનું કામ ચાલતું હોવાનું ક્યાંય જોવા મળ્યું નથી. આ બાબતની ગંભીર નોંધ લઈને કોર્ટે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...