સુનાવણી:ફાયર સેફ્ટીના અમલ મામલે ગુજરાત હાઈકોર્ટના રાજ્ય સરકારને વેધક સવાલો, ફાયર સેફ્ટી NOC વિના બી.યુ.પરમિશન કઈ રીતે અપાય છે?

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિલ્ડીંગમાં પૂરતી ફાયર સેફટી ના હોય અને હોસ્પિટલ પાસે હોય તો એવામાં શું થાયઃ હાઈકોર્ટ - Divya Bhaskar
બિલ્ડીંગમાં પૂરતી ફાયર સેફટી ના હોય અને હોસ્પિટલ પાસે હોય તો એવામાં શું થાયઃ હાઈકોર્ટ

રાજ્યમાં સતત બની રહેલી આગ દુર્ઘટનાઓ મામલે ગુજરાત હાઈકોર્ટમાં ફાયર સેફ્ટીના અમલીકરણ મામલે થયેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સરકારને અનેક વેધક સવાલો કર્યા છે. હાઈકોર્ટે સવાલો કર્યા કે, જો બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી હોય અને હોસ્પિટલમાં ના હોય તો શું થાય? બિલ્ડીંગમાં હોસ્પિટલની પરવાનગી કઈ રીતે અપાય છે? બિલ્ડીંગમાં પૂરતી ફાયર સેફટી ના હોય અને હોસ્પિટલ પાસે હોય તો એવામાં શું થાય?. વડોદરા અને રાજકોટની શું સ્થિતિ છે એ જણાવો. એડવોકેટ જનરલે કોર્ટમાં કહ્યું કે, ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂક અપાઈ છે. જ્યાં જ્યાં ત્રુટીઓ હતી એ દૂર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમજ તમામ નગરપાલિકાઓમાં ફાયર સ્ટાફની નિમણૂક માટે જાહેરાત આપવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારોમાં પણ ફાયર સ્ટાફની ખાલી પડેલી જગ્યાઓ પર 15 દિવસમાં નિમણૂક થશે.

હાઈકોર્ટઃ અમદાવાદમાં ફાયરમેનની 99 જગ્યાઓ ખાલી છે એના માટે શું કરી રહ્યા છો?
એડવોકેટ જનરલઃ આ ખાલી જગ્યાઓ પર નિયમિત નિમણૂક અપાઈ છે

હાઈકોર્ટઃ ફાયર સેફટી એન.ઓ.સી લીધા વિના બી.યુ.પરમિશન કઈ રીતે અપાય છે?
એડવોકેટ જનરલઃ પહેલા એન.ઓ.સી. ઈશ્યુ થઈ હોય પછી લોકો રિન્યૂ કરવામાં બેદરકારી રાખે છે.

હાઈકોર્ટઃ ફાયર સેફ્ટી એન.ઓ.સી. ના હોય તો શું પગલાં લઈ શકો?
એડવોકેટ જનરલઃ આવી જગ્યાઓમાં ગટર અને પાણી તેમજ ઇલેક્ટ્રિક કનેક્શન કાપી શકાય

ઈમ્પેક્ટ ફી લઈ રહેણાંકનો હેતુ ફેર કરી અન્ય હેતુ માટે કઈ રીતે મંજૂરી આપી શકાય?: હાઈકોર્ટ
હાઇકોર્ટે સરકાર અને કોર્પોરેશનને મોટો સવાલ કરતા પૂછ્યું કે ઈમ્પેક્ટ ફી લઈને રહેણાંકનો હેતુ ફેર કરી અન્ય હેતુ માટે કઈ રીતે મંજૂરી આપી શકાય? તેમજ કોર્ટે હળવી ટકોર કરી કે આવી ઘટનાની તપાસ સ્કોટલેન્ડ યાર્ડને સોંપવી જોઈએ, પણ આ કોર્ટને હકુમત નથી! શ્રેય હોસ્પિટલ પહેલા રહેણાંક ઇમારત હતી, ઈમ્પેક્ટ ફી લઈને રહેણાંક જગ્યાને હોસ્પિટલમાં કઈ રીતે તબદીલ કરી શકાય?શ્રેય હોસ્પિટલની ઘટના ઘણી દુઃખદ છે.

અમદાવાદમાં 30,000 ફેક્ટરીઓમાંથી 2000 ફેક્ટરીઓનું જ રજિસ્ટ્રેશન થયું છેઃ અરજદાર
જ્યારે અરજદારે રજૂઆત કરી ફેક્ટરી ઇન્સ્પેકટરને પણ ખબર નથી હોતી કે ફેક્ટરી અસ્તિત્વમાં છે કે નહીં. અમદાવાદમાં 2200 જેટલી હોસ્પિટલમાંથી હવે 2121 હોસ્પિટલ પાસે ફાયર એન.ઓ.સી. છે.પીપળજમાં લાગેલી આગ અને બ્લાસ્ટની ઘટનામાં ફેક્ટરી રજિસ્ટ્રેશન હતું જ નહીં તો ફાયર સેફ્ટીનું ઇન્સ્પેકશન કઈ રીતે થાય. આ ચિંતાજનક બાબત છે. માત્ર અમદાવાદમાં જ 30,000 ફેક્ટરીઓમાંથી 2000 ફેકટરીઓનું જ રજિસ્ટ્રેશન થયેલું છે. હાઈ રાઈઝ બિલ્ડીંગ અને ફેક્ટરીઓમાં હજુ પણ ફાયર સેફ્ટીનો અભાવ છે. સરકાર આ મુદ્દે કોઈ જવાબ આપતી નથી.

ચાર મહિનામાં અમદાવાદ સહિતનાં 4 શહેરમાં આગના બનાવ, 14 દર્દી ભડથું થયા
છેલ્લા 4 મહિનામાં રાજ્યના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને જામનગર સહિતનાં શહેરોમાં કોવિડ હોસ્પિટલમાં આગના બનાવ બન્યા છે. ત્યારે આ આગે નિર્દોષ દર્દીઓના ભોગ લીધા છે. અત્યારસુધીમાં અમદાવાદ અને રાજકોટની કોવિડ હોસ્પિટલની આગમાં 14 દર્દી ભડથું થયા છે.