સાબરમતી નદીના પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ની કામગીરી સામે ભારે નારાજગી વ્યક્ત કરતા આકરા શબ્દોમાં ટકોર કરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, કોર્પોરેશન વર્લ્ડ બેન્ક પાસેથી હજારો કરોડની લોન લે છે અને આવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવે છે?
સુએજ ટ્રીટમેન્ટના ટેસ્ટિંગ માટેની લેબોરેટરી ફંક્શનલ નથી
સાબરમતી પ્રદૂષણ મુદ્દે કોર્ટ મિત્ર હેમાંગ શાહ અને જોઈન્ટ ટાસ્ક ફોર્સ તરફથી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ મિત્રએ પોતાના રિપોર્ટ મારફતે કોર્ટને કહ્યું કે, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પ્રશ્નો બાબતે કોર્પોરેશને કોઈ ધ્યાન આપ્યું નથી. સુએજ ટ્રીટમેન્ટના ટેસ્ટિંગ માટેની લેબોરેટરી ફંક્શનલ નથી, એટલે કે યોગ્ય રીતે કામ નથી કરતી. આ ઉપરાંત કોર્ટ મિત્રએ સૌથી અગત્યની બાબત એ નોંધી કે સુએજ ટ્રીટમેન્ટ અને ટેસ્ટિંગના સાચા આંકડા રજૂ કરવામાં આવતા નથી. જે મામલે કોર્ટે નોંધ્યું કે, આ પ્રકારની કામગીરી માટે બધાને સસ્પેન્ડ કરવામાં આવશે.
પાઈપલાઇન્સના કનેક્શન કાપી નાખવામાં શું નડે છે?
આ રિપોર્ટમાં જોઈન્ટ ટાસ્ક ફોર્સ તરફથી સુએજ ટ્રીટમેન્ટ અને એફલ્યુન્ટ ટ્રીટમેન્ટ ડિસ્ચાર્જની ગેરકાયદે પાઇપ લાઇન્સ શોધાઈ હોવાની પણ કોર્ટમાં રજૂઆત કરી છે. શું કોર્પોરેશનને આ કનેક્શન અંગે જાણ નથી, તેવો પણ AMCને સવાલ કર્યો હતો. જો આમ હોય તો આવી પાઈપલાઇન્સના કનેક્શન કાપી નાખવામાં શું નડે છે? તે ટકોર પણ કરી હતી.
AMCની રજૂઆત પ્રદૂષણને રોકવા કામ કરીએ છીએ
હાઈકોર્ટે અન્ય મહત્વપૂર્ણ બાબત નોંધતા ટકોર કરી કે, કોર્પોરેશન વર્લ્ડ બેન્ક જોડે હજારો કરોડની લોન લે છે અને આવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચલાવે છે? કોર્ટે કોર્પોરેશનના વકીલને એ પણ સવાલ કર્યો કે બહુ ખરાબ સ્થિતિ છે. કોર્પોરેશન શું કરે છે? લોકોના જીવ સાથે અને પર્યાવરણ સાથેની રમત બંધ થવી જોઈએ. જે બાબતે કોર્પોરેશનના વકીલની રજૂઆત કરી કે પ્રદૂષણને રોકવા તેઓ કામ કરી રહ્યા છે.
ખંડપીઠે કહ્યું- કુદરત હાલ માનવજાતને માફ કરવાના મૂડમાં નથી
આ સિવાય ગુજરાત હાઇકોર્ટની જસ્ટિસ પારડીવાલા અને વૈભવી નાણાવટીની ખંડપીઠે કોર્ટે ઉત્તરાખંડમાં વાદળ ફાટવા અને ભારે વરસાદની ઘટનાને કોર્ટે યાદ કરી અને કહ્યું કે કુદરત હાલ માનવજાતને માફ કરવાના મૂડમાં નથી. સાથે સાથે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ચીફ સેક્રેટરીને આવતી મુદ્દે કોર્ટમાં હાજર રાખવા કોર્ટ મિત્રે કોર્ટને કર્યું સૂચન કર્યું છે.
સાબરમતી 120 કિ.મી સુધી મૃતપ્રાય બન્યાનો મત
ગત મહિને જોઇન્ટ ટાસ્ક ફોર્સના એક પર્યાવરણ નિષ્ણાત દ્વારા સ્થળ તપાસ કરીને કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, એસટીપીની અંદર અનેક ઔધોગિક એકમો પ્રદૂષિત પાણી છોડે છે અને તેની મંજુરી કોર્પોરેશન આપે છે. 120 કિ.મી સુધી સાબરમતી નદી મૃતપ્રાય બની ગઇ છે. કોર્પોરેશન અને જીપીસીબીએ પણ સ્વીકાર્યુ કે, નદીમાં પ્રદૂષણ ગંભીર કહી શકાય તેવી સ્થિતિએ છે અને તેનાથી પર્યાવરણને નુકસાન થયું છે. નિષ્ણાતે કોર્ટને એવી ભલામણ કરી હતી કે સૌથી પહેલા કોર્પોરેશને આવા ઉધોગોને આપેલા મંજૂરી રદ કરવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.