કોરોનાને લઈ હાઇકોર્ટમાં સુઓમોટો:રાજકીય પક્ષો, નેતાઓ અને જનતાને હાઇકોર્ટની ફટકાર, કોરોનાની ગાઈડલાઇનનું કડક પાલન કરો, નેતાઓ ખોટા દાખલા ના બેસાડે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં વધતા કેસોને લઈ હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી - Divya Bhaskar
રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં વધતા કેસોને લઈ હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી

રાજ્યમાં કોરોના મહામારીને લઈને થયેલી સુઓમોટો અરજીની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર, રાજકીય પાર્ટીઓ અને જનતાને ફટકાર લગાવી કોરોનાની ગાઈડલાઈનનું કડક પાલન કરવા આદેશ કર્યા છે. રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં વધતા કેસોને લઈ હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. સરકાર અને કોર્પોરેશનને કડક આદેશ કરતા જણાવ્યું છે કે રાજ્યમાં તમામ મોટા શહેરોના શહેરીજનો પાસે ગાઇડલાઇનનો કડકપણે અમલ કરાવો. કોરોનાના કેસો પર કન્ટ્રોલ કરવા કડક પગલાં લેવા અને કોરોના મામલે બેદરકારી ન દાખવવા કહ્યું છે. અમદાવાદ શહેરમાં સાંજે પણ લોકોના ટોળેટોળા જોવા મળી રહ્યા હોવાનું હાઈકોર્ટે કહ્યું છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોશિયલ ડિસ્ટન્સિગનું પાલન થતું નથી. સરકારની ગાઇડલાઇનનું પાલન ન કરનાર શિક્ષિત લોકો જ હોય છે.

હાઈકોર્ટના મહત્વના નિર્દેશ

  • નેતાઓ ધ્યાન નહીં રાખે તો પ્રજા પણ જાગૃતતા નહીં દાખવે
  • રાજકીય પક્ષો અને નેતાઓ ખોટા દાખલા ના બેસાડે
  • રાજકીય નેતાઓ લોકો ભેગા થાય એવા કાર્યક્રમો ગોઠવી જનતાને ગેરમાર્ગે ન દોરે
  • નિયમોના ઉલ્લંઘનને નેતાઓ પ્રોત્સાહન ના આપે
  • રાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે માટે તેઓ ધ્યાન રાખે

રાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે, નિયમો બધા જ માટે સરખાઃ હાઈકોર્ટ
રાજકીય રેલીઓ અંગે પણ ગુજરાત હાઈકોર્ટે ગંભીર નોંધ લઈ રાજકીય પાર્ટીઓને ફટકાર લગાવતા કહ્યું હતું કે નાના મોટા દરેક રાજકીય લોકો સરકારની ગાઇડલાઇનનું પાલન કરે. રાજકીય લોકો જનતાના માર્ગદર્શક છે માટે તેઓ ધ્યાન રાખે. નિયમો બધા જ માટે સરખા હોવાનું ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે. હાઇકોર્ટે રાજકીય પાર્ટીઓને ગાઇડલાઇનનું કડક પાલન કરવા માટે આદેશ કર્યો છે.

ગત ઓગસ્ટમાં રાજકોટમાં સી.આર.પાટીલની રેલીની તસવીર
ગત ઓગસ્ટમાં રાજકોટમાં સી.આર.પાટીલની રેલીની તસવીર

નેતાઓ બેજવાબદાર બન્યા છે
રાજકીય પક્ષોના નેતાઓ બેજવાબદાર બનીને સભા ગજવી રહ્યા છે. અને લોકો કોરોનાથી સંક્રમિત થાય છે. સભાને કારણે કોરોનાનો ચેપ નાના ગામડા સુધી પહોંચ્યો છે. આ સ્થિતિમાં કોર્ટે તમામ રાજકીય મેળાવડા અને સભા યોજવા પર રોક લગાવવી જોઈએ. થોડા સમય પહેલા જ ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિગના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ વિરોધ પ્રદર્શન દરમિયાન સતત સોશિયલ ડિસ્ટન્સિગનો ભંગ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે હાલ રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે અને એકબાદ એક નેતાઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે.

ભાવ વધારાનો વિરોધ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરાં ઉડાવી રહેલા કોંગ્રેસના નેતાઓની તસવીર
ભાવ વધારાનો વિરોધ કરતી વખતે સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરાં ઉડાવી રહેલા કોંગ્રેસના નેતાઓની તસવીર

કોર્ટની હાથ જોડીને વિનંતી: મહેરબાની કરીને નિયમોનું પાલન કરો
જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે કહ્યું હતું કે અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે મહેરબાની કરીને સરકારની ગાઈડ લાઈનનું પાલન કરો. સરકારે જે કાંઈ નિયમો જાહેર કર્યા છે તે લોકોની સુખાકારી માટે છે. નેતાઓ ખોટી રીતે લોકોને ભેગા ન કરે. કોરોના મામલે બિલકુલ બેદરકારી દાખવવા જેવી નથી. અમદાવાદ શહેરમાં રોજ સાંજે ટોળે-ટોળાં ઊમટી પડે છે એ સમયે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા નિયમોનું પાલન થતું નથી. પરિણામ લોકોને ભોગવવું પડે છે. જોવાનું ખૂબી એ છે કે સરકારની ગાઈડ લાઈનનું પાલન નહીં કરનારા શિક્ષિત લોકો જ હોય છે. આ ઘણી આશ્ચર્યની વાત છે.

સરકાર પ્રો એક્ટિવ હોત તો રાજકોટની આ દશા ના હોત
ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ પારડીવાલાની બેન્ચે કહ્યુ કે, સરકારે અમદાવાદ અને સુરત પરથી દાખલો લેવાની જરૂર હતી. સરકાર પ્રો એક્ટિવ હોત તો સુરતના અનુભવ પછી રાજકોટ અને જામનગરની આ દશા ના થઈ હોત. જ્યાં કોરોના કેર વધે છે તે પછી જ સરકાર દોડે છે. પહેલાથી જ સલામતીના પગલા લેતી નથી.

અન્ય સમાચારો પણ છે...