લો કરલો બાત!:ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારી દર, પણ 10,459 કોન્સ્ટેબલ માટે 5.66 લાખ અરજી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારે વિધાનસભામાં કહ્યું હતું, રાજ્યમાં બેકારીનો દર દેશમાં સૌથી ઓછો છે
  • અરજી માટેની છેલ્લી તારીખ 9 નવેમ્બર હોવાથી હજુ વધારે અરજીઓ આવશે
  • હાલ ફોર્મ ભરનારામાં 4.70 લાખ પુરુષ, 96 હજાર મહિલાનો સમાવેશ થાય છે

કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી અનેક સરકારી ભરતીઓની પ્રક્રિયા અટવાયેલી છે. ગુજરાત પોલીસ દળમાં કોન્સ્ટેબલની ખાલી 10459 જગ્યાઓ માટે અત્યાર સુધીમાં કુલ 5.66 લાખ અરજી મળી હોવાની માહિતી લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ ે સોશિયલ મીડિયા પર શેર કરી છે. કુલ અરજદારોમાં 4.70 લાખ પુરુષ અને 96 હજાર મહિલા ઉમેદવારો છે એટલે કે એક જગ્યા માટે સરેરાશ 54 અરજદારો થાય છે.

હસમુખ પટેલે સોશિયલ મીડિયા પર વધુમાં કહ્યું છે, પોલીસ ભરતીમાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ 9 નવેમ્બર છે તેમજ લોકરક્ષક દળ ભરતી માટેની શારીરિક કસોટી ડિસેમ્બરના પ્રથમ દસ દિવસમાં શરૂ થશે. શરૂઆતમાં પીએસઆઈના ઉમેદવારો અને ત્યાર બાદ બે મહિનાની અંદર લોક રક્ષકની શારીરિક કસોટી પૂર્ણ થવાની સંભાવના છે.

થોડા સમય પહેલા રાજ્ય સરકરે વિધાનસભામાં રજૂ કરેલા આંકડાઓ મુજબ ગુજરાત 3.5 ટકાનો સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતું રાજ્ય છે એટલે કે દેશમાં રોજગારી આપવામાં મોખરે છે. જોકે છેલ્લા બે વર્ષમાં જે કોઈ સરકારી નોકરી માટે ભરતીઓ આવી છે અને તેમાં જે પ્રકારે શિક્ષિત યુવાનો અરજી કરી રહ્યા છે તે સ્થિતિ સરકારના દાવા સામે અનેક સવાલો ઊભા કરે છે.

વિધાનસભામાં ગુજરાત જાહેર સેવા આયોગે વર્ષ 2020-21નો વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. આયોગે વર્ષ દરમિયાન કુલ 1474 ઉમેદવારોની જ પસંદગી કરી છે. જે છેલ્લા પાંચ વર્ષમાં થયેલી ભરતીમાં સૌથી ઓછી છે. આયોગે વર્ષ દરમિયાન સીધી પસંદગીથી ભરતી કરવા માટે 153 જાહેરાતો આપી હતી. જેના માટે કુલ 3,89,365 અરજીઓ મળી હતી. પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાત બાદ માત્ર 647 ઉમેદાવારોની નિમણૂક કરવામાં આવી. તેવી જ રીતે સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરતી કરવા કુલ 10 જાહેરાતો પ્રસિદ્ધ કરવામાં આવી તેમાં વર્ષ દરમિયાન કુલ 8,74,274 ઉમેદાવારોએ અરજી કરી હતી, જેમાંથી માત્ર 3 સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ કરીને માત્ર 833 ઉમેદાવારોની પસંદગી કરવામાં આવી હતી.

100 દિવસમાં 27847 પોલીસ ભરતીનું આયોજન
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગૃહ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ ભરતી બોર્ડના અધ્યક્ષઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર(પ્લાટુન કમાન્ડર), ઈન્ટેલીજન્સ ઓફિસર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ, વાયરલેસ ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર સહિત અન્ય જગ્યાઓ મળીને અંદાજીત 27847 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસમાં કરવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...