તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેન્દ્રની ગાઈડલાઈનને લઈ નિર્ણય:રાજ્યમાં આવતીકાલથી ત્રણ દિવસ સુધી 45+ લોકોને વેક્સિન આપવાનું મોકૂફ, 18થી 45ની વયના લોકોને વેક્સિન અપાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 45+ને 17મીથી વેક્સિન આપવાની કામગીરી ફરી શરૂ કરાશે
  • કેન્દ્ર સરકારે કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો રાખવાની માર્ગદર્શિકા જાહેર કરી

ગુજરાતમાં શુક્રવારથી રવિવાર સુધી, એમ ત્રણ દિવસ 45થી વધુ વયના લોકો માટેનું રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે કોવિશીલ્ડના રસીકરણ માટેના બે ડોઝ વચ્ચેના સમયગાળાને વધારવાની નીતિ અપનાવી હોવાથી રાજ્ય સરકારે આ નિર્ણય જાહેર કરાયો છે. હવે 17 મે પછી કેન્દ્ર સરકારે નક્કી કરેલાં શિડ્યુલને અનુસરીને રસીકરણની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવશે.

શિ઼ડ્યુલ થઈ ગયા છે તેમને રસી મળશેઃ જયંતી રવિ
ભારત સરકારે કોવિશીલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો 12 થી 16 અઠવાડિયાનો એટલે કે ત્રણથી ચાર મહિનાનો રાખવા જાહેર કરેલી માર્ગદર્શિકાને પગલે ગુજરાત સરકારે પણ રસીકરણનું શિડ્યુલ બદલવામાં આવ્યું હોવાનું આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિએ જણાવ્યું છે. આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે આ દિવસો દરમિયાન 18 થી 45 વર્ષની વયજૂથમાં જેમને એપોઇન્ટમેન્ટ શેડયુલ અપાઇ ગયા છે અને એસ.એમ.એસ મળ્યા છે, માત્ર તેમના માટે વેકસીનેશન આ ત્રણ દિવસો દરમ્યાન ચાલુ રહેશે. તે સિવાય આ વયજૂથના નાગરિકોને માટે પણ એપોઇન્ટમેન્ટ ન મળી હોય તો રસીકરણ કે તેનું શિડ્યુલિંગ થશે નહીં.

રસી ઓછી આવે છે, આથી હવે 45થી વધુ વયના નાગરિકોને પહેલાં ડોઝની જ રસી મળશે
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતને રસીનો જથ્થો ઉત્પાદક કંપની તરફથી ખૂબ મર્યાદિત માત્રમાં મળતો હોવાથી આ નિર્ણય લેવાયો છે. આથી 17 તારીખ પછી પણ 45થી વધુ વયજૂથના લોકો માટે પહેલા ડોઝનું જ રસીકરણ થશે. જ્યારે બીજા ડોઝની રસી લેવાની તારીખ તેમને પહેલા ડોઝના ત્રણથી ચાર મહિના બાદ જ ફાળવાશે.

14 મેથી ત્રણ દિવસ વેક્સિનેશન મોકૂફ
કેન્દ્રની આ ગાઈડલાઈનને ધ્યાનમાં લઈ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવીએ જણાવ્યું છે કે, આ માર્ગદર્શિકાને પગલે ગુજરાત રાજ્યમાં પણ વેક્સિનેશન શેડ્યુલને રી-શેડ્યુલ કરવાની કામગીરી હાથ ધરવાની થાય છે. પરિણામે સમગ્ર રાજ્યમાં આવતીકાલ તારીખ 14મે 2021થી ત્રણ દિવસ માટે 45થી વધુની વયના લોકો માટેની રસીકરણ કામગીરી મોકૂફ રાખવામાં આવશે.

18 થી 45 વય જૂથમાં એપોઈમેન્ટ મળી છે તેને વેક્સિન અપાશે
ડૉ. જયંતિ રવીએ એમ પણ જણાવ્યું છે કે, 45 વર્ષથી વધુ વયના લોકો માટેની રસીકરણ કામગીરી સોમવાર તારીખ 17 મે 2021થી ભારત સરકારના દિશાનિર્દેશો અનુસાર ફરી શરૂ કરવામાં આવશે. 18 થી 45 વયજૂથમાં જેમને એપોઈમેન્ટ શેડ્યુલ અપાઈ ગયા છે અને રસીકરણ અંગેનો એસ.એમ.એસ જેમને મળ્યો છે તેવા લોકો માટે જ રસીકરણની કામગીરી આ ત્રણ દિવસો દરમિયાન કરવામાં આવશે.

ભારત સહિત વિદેશમાં પણ સમયમર્યાદા વધારાઈ
સરકારના જણાવ્યા પ્રમાણે, વૈજ્ઞાનિક રિસર્ચે એ વાતનો ખુલાસો કર્યો છે કે કોવિશીલ્ડનો પહેલો ડોઝ લીધાનાં 8 સપ્તાહ પછી બીજો ડોઝ લેવો ફાયદાકારક છે. બીજી બાજુ વિદેશોમાં બે ડોઝ વચ્ચેના અંતરને 12થી 16 સપ્તાહ સુધી વધારવામાં આવ્યું છે. યુકેમાં કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 12 સપ્તાહનું અંતર રાખવાની ભલામણ કરવામાં આવી છે, જ્યારે કેનેડામાં 16 સપ્તાહ સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

UKમાં ફાઈઝર બાયોએનટેકની વેક્સિનના બે ડોઝનું અંતર 12 સપ્તાહ
યુકેએ ગયા વર્ષે 30 ડિસેમ્બરે ફાઈઝર બાયોએનટેકની કોવિડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારીને 12 સપ્તાહ કરવાની જાહેરાત કરી હતી. ઓક્સફોર્ડ અને એસ્ટ્રાજેનેકાની કોવિશીલ્ડ માટે પણ આ જાહેરાત કરવામાં આવી હતી. ફ્રાન્સે પણ બે ડોઝ વચ્ચેનું અંતર 4 સપ્તાહથી વધારીને 6 સપ્તાહ સુધીનું કરી દીધું છે. જોકે યુકેમાં ફાઈઝરની વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર વધારવાની જાહેરાત કરવામાં આવી તો ફાઈઝરે કહ્યું હતું કે ગેરંટી ના આપી શકીએ કે અંતર વધારવાથી વેક્સિનની ક્ષમતા વધી જશે.

અન્ય સમાચારો પણ છે...