DB ઇમ્પેક્ટ:અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપી વેક્સિન અપાશે, કલેક્ટર કે મ્યુનિ. કમિશનરનો સંપર્ક કરવો પડશે

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લા કલેક્ટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપી
  • એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે

અભ્યાસ અર્થે વિદેશ જતા ગુજરાતના વિદ્યાર્થીઓને કૉવિડ વૅક્સિનેશનમાં અગ્રતા અપાશે. મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે વિદેશ જઈ રહ્યા છે. આવા વિદ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ ઉભી ન થાય એ માટે વિદ્યાર્થીઓને વૅક્સિનેશનમાં વિશેષ અગ્રતા અપાશે. આ માટે સમગ્ર રાજ્યમાં જિલ્લા કલેક્ટર્સને અને મહાનગરપાલિકા વિસ્તારોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જવાબદારી સોંપવામાં આવી છે. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, વિદ્યાર્થીઓના હિતમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ મામલે અગાઉ દિવ્ય ભાસ્કરે ગુજરાતના વિદેશ જતા વિદ્યાર્થીઓને વેક્સિન મૂકવા માટે અહેવાલ પ્રસારિત કર્યો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે ગાંધીનગરમાં મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

વિદ્યાર્થીઓએ વેક્સિન માટે આ પુરાવા રજૂ કરવા પડશે
અભ્યાસ માટે આગામી મહિનાઓમાં વિદેશ જઇ રહેલા જિલ્લાના વિદ્યાર્થીઓએ અગ્રતાના ધોરણે વૅક્સિન લેવા પોતાના આઈ-20 ફોર્મ અથવા DS-160 ફૉર્મ અથવા તો વિદેશની જે તે યુનિવર્સિટી કે કોલેજનો એડમિશનના કન્ફર્મેશન લેટર સાથે રૂબરૂ કલેકટરનો સંપર્ક કરવાનો રહેશે.

આ 7 મનપામાં મ્યુનિ.કમિશનરનો સંપર્ક કરવો પડશે
જ્યારે સુરત, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓએ આ પત્રો સાથે મ્યુનિસિપલ કમિશનરનો સંપર્ક કરવાનો રહેશે.

AMCમાં ડે.મ્યનિ કમિશનર(વેસ્ટ ઝોન)નો સંપર્ક કરવો
તેમજ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (વેસ્ટ ઝોન)નો સંપર્ક કરવાનો રહેશે.

અભ્યાસ માટે વિદેશ જઇ રહેલા વિદ્યાર્થીઓને વૅક્સિનને કારણે કોઈ તકલીફ ન પડે એ માટે રાજ્ય સરકારે પૂરતી તૈયારી રાખી છે. સમગ્ર રાજ્યમાં આવા વિદ્યાર્થીઓને અગ્રતાના ધોરણે વૅક્સિન અપાશે.

મુંબઈ અને કેરળમાં પણ વિદ્યાર્થીઓને વેક્સિન માટે પ્રાથમિકતા
આ પહેલા મુંબઈમાં પણ BMCએ પણ જાહેરાત કરી હતી કે અભ્યાસના સંદર્ભે વિદેશપ્રવાસ કરતા વિદ્યાર્થીઓને કોવિડ-19 વેક્સિન લેવા માટે 18-44 વયના ગ્રુપમાં પ્રાથમિકતા અપાશે. મ્યુનિસિપલ કોર્પોરેશને સપ્તાહના 3 દિવસ (સોમવારથી બુધવાર)નું વેક્સિનેશન કોઈપણ પ્રકારના પ્રી-રજિસ્ટ્રેશન કર્યા વગર આગળ વધારવા જાહેરાત કરી હતી. જ્યારે કેરળમાં વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓ માટે વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડવામાં આવ્યું છે.

2021ની શરૂઆતમાં 6 હજાર વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે ગયા
2021ની શરૂઆતના બે મહિનામાં 6 હજારની આસપાસ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે અમેરિકા, કેનેડા, લંડન સહિતના દેશોમાં ગયા છે. એટલે કે કોરોનાની સ્થિતિ વચ્ચે પણ 2020 કરતા 2021માં વિદેશ જનાર લોકોની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો નોંધાયો હતો. જોકે હજુ પણ ભારતમાંથી વિદેશ જઈને વસતા લોકોમાં ગુજરાતીઓ પાછળ છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ 2018-19ના વર્ષમાં વિદેશ જઈને વસનાર ગુજરાતીઓની સંખ્યા વધારે જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...