તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાટ કરતા ઘડામણ મોંઘુ:ગુજરાત સરકારે કોરોનાના દર્દીની સારવાર પેટે ખાનગી હોસ્પિટલોને 152 કરોડ ચૂકવ્યા, આગોતરા આયોજનમાં સરકારે થાપ ખાધી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અર્પિત દરજી
  • કૉપી લિંક
  • કોરોનાની પહેલી લહેરમાંથી સરકારે શીખ લીધી નહીં અને પ્રજા હેરાન થઈ રહી છે
  • ગત વર્ષના અનુભવના આધારે અત્યારે જરૂરી તબીબી સુવિધા ઉભી થઇ શકી હોત

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વકરીને અતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે અને સરકારી તંત્ર પણ તેમાં પાંગળું પુરવાર થઈ રહ્યું છે. કોરોના દર્દીઓને સારવાર માટે એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકવાનો વારો આવ્યો છે. માસ્ક ન પહેરે તો સરકાર પ્રજાને દંડે છે પણ ગત વર્ષના કોવિડના અનુભવ છતાં સરકારી તંત્રએ બીજી લહેર માટે કોઈ આગોતરું આયોજન કરવાની સૂઝબૂઝ વાપરી નહીં અને તેના કારણે આજે ચારે તરફ અફરાતફરી મચી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તમામ જિલ્લા સ્તરે મોટી સરકારી હોસ્પિટલ, 348 સામુહિક આરોગ્ય કેન્દ્ર, 321 શહેરી આરોગ્ય કેન્દ્ર, 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 9 હજાર 931 પેટા આરોગ્ય કેન્દ્રનો સમાવેશ થાય છે.

સરકારી હોસ્પિટલો, CHC, PHCમાં જરૂરિયાતવાળા ઉપકરણની ખરીદી માટે અલગથી રકમ ફાળવી ખરીદી કરવાની હતી
સરકારી હોસ્પિટલો, CHC, PHCમાં જરૂરિયાતવાળા ઉપકરણની ખરીદી માટે અલગથી રકમ ફાળવી ખરીદી કરવાની હતી

સરકાર હોસ્પિટલોમા જરૂરિયાતની સુવિધાઓ ઉભી કરી શકી હોત
રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રમાં બજેટ થયેલી ફાળવણી અંગે આર્થિક બાબતોના જાણકાર પ્રોફેસર હેમંત શાહનું કહેવું છે કે, ગત વર્ષે ગુજરાત કોરોના મહામારીના પહેલા તબક્કામાંથી પસાર થઈ ચૂક્યું હતું. જેના પરથી આગામી દિવસોમાં હોસ્પિટલોમા જરૂરિયાતની સુવિધાઓ ઉભી કરી શકી હોત. સાથે સાથે વર્ષ 2021-22ના આરોગ્યના બજેટમાં સરકારી હોસ્પિટલો, CHC, PHCમાં જરૂરિયાતવાળા ઉપકરણની ખરીદી માટે અલગથી રકમ ફાળવી ખરીદી કરવાની હતી. જો આ ખરીદી થઈ હોત તો હાલના સમયમાં અતિ ઉપયોગી સાબિત થઈ હોત.

મહામારી હોવાથી પર્યાપ્ત માળખાગત સુવિધા પણ ઓછી પડી રહી છેઃ ડો.દેવેન્દ્ર
મહામારી હોવાથી પર્યાપ્ત માળખાગત સુવિધા પણ ઓછી પડી રહી છેઃ ડો.દેવેન્દ્ર

મર્યાદિત સંસાધનો, સુવિધા કોરોનાને રોકવા સામેનો મોટો પડકાર
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ગુજરાત બ્રાન્ચના પ્રમુખ ડો. દેવેન્દ્રનું કહેવું છે કે હાલ અણધાર્યો સમય છે, રાજ્ય સરકારની સાથે દરેક મોરચે કામ થઈ રહ્યું છે, જોકે મહામારી છે જેથી પર્યાપ્ત માળખાગત સુવિધા પણ ઓછી પડી રહી છે. ડોક્ટરોની સાથે સાથે તાલીમબદ્ધ પેરા મેડિકલ સ્ટાફની પણ મોટી અછત જોવા મળી રહી છે. માત્ર એટલું જ નહીં પરંતુ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ, વેન્ટિલેટર, બાયપેપ, સીટી સ્કેન મશીન, ટેસ્ટિંગ લેબ વગેરે જેવા મર્યાદિત સંસાધનો, કોરોનાને નાથવાની કામગીરીમાં મોટો પડકાર સાબિત થયા છે.

સરકારે ડિસેમ્બર સુધીમાં ખાનગી હોસ્પિટલોને રૂ.152 કરોડ ચુકવ્યા
ગત વર્ષે કોરોના હળવો થયા બાદ તકેદારીના ભાગરૂપે માળખાગત સુવિધાનું આયોજન અને વ્યવસ્થા કરી હોત તો ખાનગી હોસ્પિટલમાં સરકારી ક્વોટામાં દર્દીઓની સારવારનો ખર્ચ સરકારે ભોગવવાનો વારો ન આવ્યો હોત. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર ગુજરાત સરકારે ડિસેમ્બર સુધી 152 કરોડ ખાનગી હોસ્પિટલને સારવાર પેટે ચૂકવણુ કર્યું છે. પરંતુ જો સ્થિતિની ગંભીરતા સમજી આગોતરુ આયોજન કર્યુ હોત, તો સ્થિતિ કાબુમાં રાખી શકાઇ હોત અને ખાનગી હોસ્પિટલ પરનું ભારણ પણ અટકાવી શકાયુ હોત.

વિવિધ યોજનાઓમાં પણ ખાનગી હોસ્પિટલ્સને 1077 કરોડોનું ચૂકવણું
રાજ્ય સરકાર વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ હેઠળ લાભાર્થી ખાનગી હોસ્પિટલમાં સારવાર લે, જેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. દર વર્ષે આ પ્રકારે કેટલાક દર્દીઓ સરકારીની સાથે ખાનગી હોસ્પિટલમાં વિવિધ યોજના સંદર્ભે સારવાર મેળવે છે. આરોગ્ય વિભાગના આંકડા પર નજર કરીએ તો માં અમૃતમ યોજના અંતર્ગત 2017-18માં 587 કરોડ, 2016-17માં 330 કરોડ અને 2015-16માં 160 કરોડ ચુકવ્યા હતા. આ તો માત્ર એક યોજનાની વાત થઇ, આ પ્રકારે ઘણી યોજનાઓ અમલમાં છે, જેની પાછળ ખર્ચાતી રકમથી આરોગ્યક્ષેત્રે સરકારી માળખાગત સુવિધા ઉભી થઇ શકે છે.

સરકારી હોસ્પિટલમાં ઉપકરણો અભાવ
માર્ચ-2020ના વિધાનસભા સત્રમાં રજૂ થયેલ આંકડા પ્રમાણે રાજ્યની 33 જિલ્લાની સરકારી હોસ્પિટલ પૈકી 16 હોસ્પિટલમાં જ સીટી સ્કેન મશીન ઉપલબ્ધ છે. જો તમામ સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીન હોય તો દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયા હોત. જ્યારે કેટલીક હોસ્પિટલમાં બંધ અવસ્થામાં છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના વાર્ષિક અહેવાલના આંકડા પ્રમાણે સરકારી હોસ્પિટલમાં તબીબોની અછતની સાથે સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો પણ મંજૂર થયેલી જગ્યા કરતા પણ અડધા જ ઉપલબ્ધ છે. અહેવાલ મુજબ મંજૂર થયેલા 1085 અલગ-અલગ રોગના નિષ્ણાંત ડોકટરોની સામે માત્ર 509 જગ્યાઓ જ ભરાય છે, જ્યારે હજુ 574 જગ્યાઓ બાકી છે.

હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રોમાં પણ સ્ટાફની અછત
ફેબ્રુઆરી-વર્ષ 2019માં ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા આંકડા અનુસાર સરકારી હોસ્પિટલ, સામુદાયિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 12,653 સ્ટાફની ભરતી માટે પરવાનગી આપી હતી, જેમાં 2,928 જગ્યાઓ ખાલી હોવાની વિગત સામે આવી હતી. હોસ્પિટલોમાં ડોક્ટરની સાથે સાથે નર્સિગ સ્ટાફ અને અન્ય પેરા મેડિકલ સ્ટાફની પણ જવાબદારી અને કામગીરી મહત્વની હોય છે. કોરોના કાળમાં ડોક્ટરની સાથે સાથે પેરા મેડિકલ સ્ટાફની કામગીરી સૌથી મહત્વની રહી છે. છેલ્લે માર્ચ (2021) મહિનામાં યોજાયેલ ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ આંકડા મુજબ છેલ્લા બે વર્ષમાં MMBS થયેલ 2269 ડોકટરોને બોન્ડ મુજબ ફરજ પર હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો, જેમાંથી 1761 ડોકટરો જ હાજર થયા છે. જો બાકી રહેલા બોન્ડેડ વિદ્યાર્થી કામે લાગે તો મેડિકલ સ્ટાફ પરથી કામનું ભારણ હળવુ થઇ શકે.