કેબિનેટની બેઠકમાં નિર્ણય:ખાનગી સ્કૂલ-સંચાલકો માત્ર 25 % જ ફી માફી આપશે, CBSE સહિતનાં તમામ બોર્ડને લાગુ પડશે, 31 ઓક્ટો. સુધીમાં ફી ભરે તો જ 20 % માફીઃ સ્કૂલ સંચાલક મંડળ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • ખાનગી સ્કૂલો કોઈ પણ શિક્ષકને છૂટા નહીં કરી શકે કે પગાર નહીં કાપી શકે
  • 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થયાના 24 કલાકમાં જ ફી માફીની જાહેરાત
  • ત્રણેક મહિનાથી અટવાયેલો મામલો ચૂંટણી જાહેર થતાં જ ઉકેલ્યો
  • વાલીમંડળે કહ્યું, લોલીપોપ આપી, આ ફી માફી ખરેખર ઓછી છે
  • આ ફી માફી ઘણી ઓછી છે અને હાઈકોર્ટમાં જવાની જરૂર પડશે તો જઈશુંઃ ઓલ ગુજરાત વાલીમંડળ

રાજ્ય સરકારે ગુજરાતની તમામ ખાનગી સ્કૂલોમાં આ વર્ષે વાલીઓને માત્ર 25 ટકા જ ફી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય રાજ્યમાં આવેલી CBSE, IB, ICSE, CSE સહિતની તમામ ખાનગી સ્કૂલોમાં ફી માટેની વાલીઓની વ્યાપક રજૂઆતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની આગેવાનીમાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ અંગે ચર્ચા વિચારણા કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણેક મહિનાથી ફી માફી અંગે વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે ગઈકાલે 8 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી જાહેર થયાના 24 કલાકમાં જ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જો કે આ નિર્ણય અંગે સ્કૂલ સંચાલક મંડળે કહ્યું કે,વાલીઓ 31 ઓક્ટોબર સુધી ફી ભરે તો જ 20 % માફી આપીશું અને જે વાલી મોડી ફી ભરશે તેને આ લાભ નહીં મળે.

સ્કૂલ સંચાલકો-વાલી મંડળ 25 ટકા ફી રાહત માટે રાજ્ય સરકાર સાથે સહમતઃ શિક્ષણમંત્રી
આ અંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતા કહ્યું કે રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટના દિશા નિર્દેશો અને ચુકાદાને પગલે સ્કૂલ સંચાલકો અને વાલી મંડળો બેય સાથે બેઠકનો દૌર કર્યો હતો. આ બેઠકોની ચર્ચા વિચારણાના પરિણામે સ્કૂલ સંચાલકો અને વાલી મંડળ બેય 25 ટકા ફી રાહત માટે રાજ્ય સરકાર સાથે સહમત થયા છે. રાજ્યની કોઇપણ સ્કૂલ ટ્રાન્સપોર્ટેશન, લાયબ્રેરી, કોમ્પ્યૂટર, સ્પોર્ટસ અને મનોરંજન સહિતની કોઈ જ ઈતર ફી લઈ શકશે નહીં. જે વાલીઓએ અગાઉ પુરી ફી ભરી છે તેમને હવે આ નિર્ણય મુજબ ફી સરભર કરી અપાશે.FRCમાં જોડાયેલી સ્કૂલને પણ 25 ટકા ફી રાહતનો આ નિર્ણય લાગુ પડશે.

શિક્ષકોને છુટા નહીં કરવા ખાનગી સ્કૂલ સંચાલકોને સ્પષ્ટ સુચના
ભૂપેન્દ્રસિંહે જે સ્કૂલોએ સ્વયંભૂ અને સ્વૈચ્છિક રીતે 25 ટકા ફી રાહતની જાહેરાત કરી છે તેમનો આભાર વ્યક્ત કરતા સૌ વાલીઓને અનુરોધ કર્યો કે હવે રાજ્ય સરકારે આ રાહત આપી છે ત્યારે વાલીઓએ 31 ઓક્ટોબર સુધીમાં 50 ટકા ભરી દેવી જોઈએ.ફીમાં આ રાહતને પરિણામે ખાનગી સ્કૂલના શિક્ષકોને છૂટા કરવાની કે પગાર-વેતન ન મળવાની જે ફરિયાદો આવેલી છે તે સંદર્ભમાં રાજ્ય સરકારે કોઈ પણ શિક્ષકોને છુટા નહીં કરવા ખાનગી સ્કૂલ સંચાલકોને સ્પષ્ટપણે સુચનાઓ આપી છે.

સરકારના 25 % નો જીઆર જોયા બાદ અમારી શરતો સામેલ હશે તો જ 25 % ફી માફી આપીશું: સ્કૂલ સંચાલક મંડળ
આ નિર્ણયને લઈ સ્કૂલ સંચાલક મંડળનું પણ નિવેદન આવ્યું છે. એસોસિએશન ઓફ પ્રોગ્રેસિવ સ્કૂલ(AOPS)ના પ્રમુખ મનન ચોક્સીએ કહ્યું કે, સ્કૂલ ફીમાં 20 ટકાના ઘટાડાનો પ્રસ્તાવ સરકારને આપ્યો હતો. ઉપરાંત, અમે એમ પણ રજૂઆત કરી હતી કે જે વાલીઓ એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 સુધીની એટલે કે બે ક્વાર્ટરની ફી 31 ઓક્ટોબર, 2020 સુધીમાં ભરી દેશે તેમને જ 20 ટકા ફી માફીનો લાભ મળશે અને જે વાલીઓ મોડી ફી ભરશે તેમને આ સુવિધાનો લાભ નહીં મળે. આજે સરકારે અમારી 20 ટકા ફી માફીની રજૂઆતના બદલે 25 ટકા ફી માફી જાહેર કરી છે. આ ફી માફી કઈ શરતો કે નિયમોના આધારે અપાશે તેની વિગતો જાણવા અમે સરકારના જીઆરની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. જો અમારી રજૂઆતને જીઆરમાં સમાવાઈ હશે તો એનો અમલ કરીશું.

25 ટકા રાજ્ય સરકાર ઉમેરીને 50 ટકા ફી માફી આપેઃઓલ ગુજરાત વાલી મંડળ
આ અંગે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, સરકારે ફી મામલે 6 મહિના થયા છતાં કોઈ ઠરાવ કર્યો નહોતો. આથી અમે હાઈકોર્ટમાં PIL કરી હતી. PILમાં અમે 50 ટકા ફીની માંગણી કરી હતી, કારણ કે શિક્ષકો અને પ્યૂનના પગાર બાદ કરતા જે ખર્ચાઓ છે તે બાદ કરીને ફી માફી આપો. ત્યાર બાદ હાઈકોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે અરજદારને બોલાવ્યા અને અમે તેમાં લેખિત રજૂઆત કરી કે અમને 50 ટકા ફી માફી આપો. સ્કૂલ સંચાલકો જો 25 ટકાની માગણી કરતા હોય તો અમને કોઈ વાંધો નથી તેમાં બીજા 25 ટકા રાજ્ય સરકાર ઉમેરીને 50 ટકા ફી માફી આપે. આજે સરકારે જાહેર કરેલી 25 ટકા ફી માફી ખરેખર ઓછી છે. રાજ્ય સરકાર પાસે 2020-21નું 1500 કરોડનું ભંડોળ વણવપરાયેલું છે. તો આ ભંડોળમાંથી 25 ટકા કાઢીને ફી માફી આપી હોત તો આર્થિક સંકડામણમાં વાલીઓને રાહત મળી હોત. અમારી પાસે હજુ હાઈકોર્ટમાં જવાનો મુદ્દો છે અને જરૂર પડશે તો હાઈકોર્ટમાં જઈશું.

50 ટકા ફી માફી આપો અથવા સ્કૂલો વાસ્તવિક રીતે શરૂ ન થાય ત્યાં સુધીની ફી માફ કરોઃ ગુજરાત વાલી એકતા મંડળ
જ્યારે ગુજરાત વાલી એકતા મંડળના પ્રમુખ જયેશ પટેલે જણાવ્યું કે, સરકારની 25 ટકા ફી માફીની જાહેરાત લોલીપોપ સમાન છે. સરકાર 25 ટકા ફી માફી આપીને વાલીઓની મજાક ઉડાવી રહી છે. જો સરકાર ખરેખર સાચા અર્થમાં વાલીઓના હિતમાં ફી માફી કરવા માગતી હોય તો રાજ્યના શિક્ષણ વિભાગે કરેલા તારીખ 16/7/2020ના જ્યાં સુધી સ્કૂલો વાસ્તવિકરૂપથી શરુ ના થાય ત્યાં સુધીની ફી માફ કરવાના ઠરાવનો યોગ્ય અમલ કરવા આદેશ આપે અથવા ચાલુ વર્ષની ઓછામાં ઓછી 50 ટકા શૈક્ષણિક ફી માફ કરે. ફી માફીની માંગ ચાલુ રહેશે. આગામી સમયમાં ફી માફીને લઈ આશ્ચર્યજનક કાર્યક્રમોની રણનીતિ ઘડવામાં આવશે.

હાઇકોર્ટે સરકારને આદેશ કર્યો હતો સ્કૂલ ફી ઘટાડવા સરકાર સ્વતંત્ર નિર્ણય લે
આ પહેલા ફી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો.

સ્કૂલ સંચાલકો ફી માફી આપવા કે નમતું જોખવા તૈયાર નહોતા
સરકારે સંચાલકો સાથે કરેલી ત્રણથી ચાર બેઠકમાં સ્કૂલ સંચાલકો સહેજ પણ નમતું જોખવા તૈયાર થયા નહોતા, એવી સરકારે કોર્ટમાં રજૂઆત કરી હતી. સરકારે હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી રજૂઆત કરી હતી કે ફી મામલે સંચાલકો સાથે ખુલ્લા મને બે વખત વચલો રસ્તો શોધવા બેઠક કરવામાં આવી છે. સરકારે વિદ્યાર્થીઓની 25 ટકા ફી માફ કરવા દરખાસ્ત આપી હતી, જેનો સંચાલકોએ ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...