AAPનો આક્ષેપ:ગુજરાત સરકારે ખેડૂતો વિરુદ્ધ પાણી ચોરીનું ષડયંત્ર રચ્યું, ખેડૂતો પાણી માંગે તો ફક્ત પોલીસના ડંડા મળે છે

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી - Divya Bhaskar
આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારી
  • ઉદ્યોગોને પાણી આપવા તથા RTI એક્ટમાંથી બચવા ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બનાવી છે: સાગર રબારી

ગુજરાત સરકાર પાણીની અછતની વાર્તાઓ કરે છે ત્યારે ખરેખર વાસ્તવિક સ્થિતિ શું છે એ સરકાર કે સરદાર સરોવર નર્મદા નિગમ કેમ જાહેર નથી કરતું? પાણી પુરવઠા બોર્ડને બદલે ગુજરાત વૉટર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની બનાવી સિંચાઇનું પાણી પીવાના નામે ઉદ્યોગોને પધરાવાય છે અને આર.ટી.આઈ.ના કાયદામાંથી છટકવા માટે ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતો વિરુદ્ધ ઘડેલું, પાણી ચોરી માટેનું ષડયંત્ર છે.આજે જે આંકડા નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની વેબસાઈટ પર મુકાયા છે તે મુજબ નર્મદા ડેમમાં પાણીની સપાટી 120.68 મીટર છે. એવો આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગર રબારીએ કર્યો છે.

નર્મદા ડેમમાં પાણીનો જીવંત જથ્થો 1341 MCM છે
તેમણે કહ્યું હતું કે, નર્મદા ડેમમાં પાણીનો જીવંત જથ્થો 1341 MCM છે. મિલિયન ક્યુબિક મીટરને એકર ફૂટમાં ફેરવીએ તો છોડી શકાય એવા પાણીનો જથ્થો 10 લાખ, 87 હજાર 166 એકર જમીન ઉપર એક ફૂટ ભરી શકાય એટલું પાણી હાલ નર્મદા ડેમમાં છે. આખા વર્ષ માટે ગુજરાતને પીવા માટે ડેમમાંથી 0.86 મિલિયન એકર ફૂટ પાણી ફાળવાયું છે. હવે ચોમાસાને માત્ર દોઢ મહિનાની જ વાર છે. છતાં આખા વરસનું પીવાનું પાણી બાદ કરીએ તો પણ 2 લાખ 27 હજાર 166 એકર ફૂટ પાણી ખેડૂતોને આપી શકાય તેમ છે.

9 લાખ 43 હજાર 833 એકર ફૂટ પાણી સિંચાઈ માટે આપી શકાય છે
તેમણે ઉમેર્યું હતું કે, 8 લાખ 60 હજાર એકર ફૂટ પાણી 12 મહિના માટે જોઈએ તો, દોઢ ને બદલે 2 મહિનાનો જથ્થો અનામત રાખવો હોય તો પણ 71 હજાર 666 એકર ફૂટ પ્રમાણે 2 મહિના માટે ગુજરાતને પીવા માટે 1 લાખ 43 હજાર 333 એકર ફૂટ પાણી જોઈએ. હાલના ઉપલબ્ધ જથ્થા 10 લાખ 87 હજાર 166 માંથી 1 લાખ 43 હજાર 333 એકર ફૂટ પાણી અનામત રાખીએ તો પણ 9 લાખ 43 હજાર 833 એકર ફૂટ પાણી ખેડૂતોને એમના ઉનાળુ કઠોળ, બાજરી, ઉનાળુ મગફળી અને પશુઓ માટેનો ઘાસચારો બચાવવા માટે આપી શકાય એમ છે.

ખેડૂતના નસીબમાં પોલીસના દંડા અને ગેરકાયદે અટકાયત જ છે
તેમણે આક્ષેપ કરતાં કહ્યું હતું કે, પરંતુ ભાજપની પ્રાથમિકતા ખેડૂતોનો પાક અને પશુઓ, ખાસ તો ગાય માતા માટે ઘાસચારો બચાવવાને બદલે ગિફ્ટ સીટી અને શાંતિગ્રામના બગીચાનું ઘાસ લીલુંછમ રાખવાની છે, અમીરોના સ્વિમિંગ પુલ ભરવાની છે.ખેડૂતો ચાહે સાણંદના હોય કે બનાસકાંઠા કે બીજા કોઈ જિલ્લાના, જો પાણી માંગે તો ભ્રષ્ટ ભાજપ સરકાર પાસે એમના માટે પોલીસના દંડા અને ગેરકાયદે અટકાયત જ છે. ગુજરાત સરકાર અને નર્મદા નિગમ સોગંદનામા ઉપર કહેશે કે એમને ગિફ્ટ સીટી અને શાંતિગ્રામ ને અપાતા પાણીમાં કેટલો કાપ મુક્યો? જો પીવાનું પાણી જ આપવું છે તો અમદાવાદના ઔડા વિસ્તારની અનેક સોસાયટીઓને કેમ ક્ષારવાળું પાણી પીવું પડે છે?

અન્ય સમાચારો પણ છે...