રાજ્યમાં વધુ એક ભરતી:ગુજરાત સરકાર 3300 વિદ્યા સહાયકોની ભરતી કરશે, ટેટ પાસ ઉમેદવારોને પ્રાથમિકતા

અમદાવાદ6 મહિનો પહેલા
શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ભરતીની જાહેરાત કરી
  • ટેબલેટની ગુણવત્તામાં ખામી જણાતા વિતરણ અટકાયું

ગુજરાત સરકાર આગામી સમયમાં 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે. જેમાં ધોરણ 1થી 5માં 1300 અને ધોરણ 6થી 8માં 2000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. જેનો લાભ ટેટ પાસ કરનારા ઉમેદવારોને મળશે. આ અંગે શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી.

આ સિવાય શિક્ષણ મંત્રી જિતુ વાઘાણીએ ડિપ્લોમા કોમ્યુનિકેશનના નવા અભ્યાસક્રમ શરૂ કરવાની જાહેરાત કરી કહ્યું કે, શિક્ષણ વિભાગે આઠ સરકારી પોલિટેકનિક ખાતે ડિપ્લોમા ઈન ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ આઠ પોલિટેકનિકમાં સરકારી પોલિટેકનિક-વડનગર, ડો.જે.એન.મહેતા પોલિટેકનિક-અમરેલી, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા)-મોરબી, AVPTI રાજકોટ, સરકારી પોલિટેકનિક-પાલનપુર ઉપરાંત કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક સુરત, સરકારી પોલિટેકનિક-ગાંધીનગર અને કન્યાઓ માટેની સરકારી પોલિટેકનિક અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટેબલેટની ગુણવત્તામાં ખામી જણાતા વિતરણ અટકાયું
શિક્ષણ મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂ. 20 હજારની કિંમતના ટેબલેટ માત્ર રૂ.1 હજારના દરે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. તેના વિતરણમાં હાલ વિલંબ થયો છે. જો કે ઇ.ક્યુ.ડી.સી દ્વારા ટેબલેટની ગુણવત્તા અંગે જરૂરી ચકાસણી કરવામાં આવે છે. ચકાસણીમાં ટેકનિકલ ખામી જણાઈ હતી. ટેબલેટમાં ખામી જણાતા કંપનીને પરત મોકલવામાં આવ્યા હતા અને હવે ગુણવત્તાયુક્ત 50 હજાર જેટલા ટેબલેટનો જથ્થો ટૂંક સમયમાં મળશે જે સત્વરે વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3ની 373 જગ્યાઓ માટે ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની 373 જગ્યા પર ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા મંડળી વેબસાઇટ પર આ જાહેરાત મૂકવામાં આવી છે. જેમાં વિસ્તરણ અધિકારી, ડિવિઝનલ એકાઉન્ટન્ટ, સ્ટાફ નર્સ અને ડેપ્યૂટી એકાઉન્ટન્ટ સહિતની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ તમામ જગ્યા માટે ઓનલાઇન અરજી 11 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી વચ્ચે કરવાની રહેશે.

10,459 LRDની ભરતી પ્રક્રિયા ચાલુ
ગુજરાત પોલીસ વિભાગમાં લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક અને SRPF કોન્સ્ટેબલની 10,459 જગ્યા સીધી ભરતીથી ભરવા માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ઓનલાઇન અરજીઓ મગાવાઈ હતી, જેમાં લોકરક્ષક દળમાં ભરતી માટે કુલ 12 લાખ જેટલી અરજીઓમાંથી 9.46 લાખ અરજી કન્ફર્મ થઈ હતી. આમ, LRDમાં એક જગ્યા માટે કુલ 95 ઉમેદવારો દિવસ-રાત મેદાનમાં અને ક્લાસમાં તૈયારી કરી રહ્યા છે.

PSIમાં 1382 જગ્યા માટે ભરતી પ્રક્રિયા ચાલુ
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

બિનસચિવાલય ક્લાર્કમાં 3900 જગ્યાની ભરતી
પેપર લીકને કારણે રદ થયા બાદ ત્રણ વર્ષ સુધી અટવાઇ ગયેલી બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી પરીક્ષા 13 ફેબ્રુઆરી 2022ના રોજ યોજાશે. બિનસચિવાલય ક્લાર્ક- સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની અંદાજે 3900 જેટલી જગ્યાઓની ભરતી માટે સરકારે વર્ષ 2018માં પ્રક્રિયા હાથ ધરી હતી. આ માટે અંદાજે 10.45 લાખ જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે શરૂઆતમાં લાયકાત વધારવાને કારણે અને ઉમેદવારોના આંદોલન અને બાદમાં પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...