ત્રીજી લહેરથી એલર્ટ:વાઇરલ ઇન્ફેક્શનમાં અપાતી 7 કરોડથી વધુ દવા ગુજરાત સરકાર ખરીદશે, હોસ્પિટલમાં એડમિટથી ઓપરેશન સુધી આ 64 પ્રકારની દવાઓનો સ્ટોક કરશે

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન દ્વારા દવા ખરીદવા ટેન્ડર બહાર પડાયું
  • 5 કરોડ 5 લાખ Amoxycillin 250mg કેપ્સ્યૂલ ખરીદશે સરકાર

દેશ સાથે ગુજરાતમાં પણ કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના રોકેટની ઝડપે વધતા કેસોથી સરકાર આખરે જાગી છે. ત્રીજી લહેર માટે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના એડમિશનથી માંડીને ઓપરેશન સુધીની દવાઓ, ઈન્જેક્શનો સહિત 64 પ્રકારની જુદી જુદી ડ્રગ્સની ખરીદી કરવા માટે ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે વપરાતી વિવિધ દવાઓ પણ સામેલ છે.

બેક્ટેરિયલ ઈન્ફેક્શન અટકાવતી દવાઓ ખરીદાશે
કોરોનાના સંક્રમણથી રાજ્યમાં બીજી લહેર જેવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ માટે સરકારે તૈયારીના ભાગ રૂપે દવાઓનું ટેન્ડર બહાર પાડ્યું છે, જેમાં 6 દવા, ઈન્જેક્શનોના લાખોની સંખ્યામાં ટેન્ડર બહાર પાડવામાં આવ્યાં છે. આ 6 જેટલી દવાઓમાં ત્રણ દવા બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવારમાં વપરાતી છે, જ્યારે બેક્ટેરિયાથી ફેલાતા સંક્રમણને અટકાવવા માટે વપરાતાં ઈન્જેક્શનો પણ મગાવવામાં આવ્યાં છે. આ માટે 12 જાન્યુઆરી સુધીમાં ટેન્ડરો મગાવવામાં આવ્યાં છે અને 13 જાન્યુઆરીએ ટેન્ડર ખૂલશે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

આ દવાઓનો સૌથી વધુ ઓર્ડર અપાયો

1. Amoxycillin 250mg કેપ્સ્યૂલ બેક્ટેરિયલ ઈન્ફેક્શનમાં વપરાય છે, જેમ કે ગળા, કાન, નાકમાં ઈન્ફેક્શન, સ્કીન, ટાઈફોઈડનો તાવ વગેરેમાં અપાય છે. આવી 5, 05, 61000 કેપ્સ્યૂલ માટે ટેન્ડર મગાવવામાં આવ્યું છે.

2. Carbamazepine Tablets 200mgનો ઉપયોગ શરીરમાં અચાનક આવતા હુમલાને રોકવા અને નિયંત્રણ કરવા માટે થાય છે. એનો ઉપયોગ અમુક પ્રકારના સ્નાયુના દુખાવા (જેમ કે ટ્રાઇજેમિનલ ન્યુરલજીયા)ને દૂર કરવા માટે પણ થાય છે. આ દવાની 1,81,92000 ટેબ્લેટ માટે ટેન્ડર મગાવાયા છે.

3. Benzathine Penicillin ઇન્જેક્શનનો ઉપયોગ બેક્ટેરિયાને કારણે થતા ચોક્કસ ચેપની સારવાર અને અટકાવવા માટે થાય છે અને Azithromycin દવાનો ઉપયોગ ન્યુમોનિયા, નાક ગળામાં ઈન્ફેક્શન માટે થાય છે. આ ઈન્જેક્શન તથા દવાના 22,000 કિટ માટે ટેન્ડર મગાવાયાં છે.

4. Nifedipine 10mg દવાનો ઉપયોગ હાઈ બ્લડપ્રેશરને ઓછું કરવા માટે થાય છે. આ દવાના 72,68,000 ટેબ્લેટ માટે ટેન્ડર મગાવાયાં છે.

5. Budenoside કેપ્સ્યૂલનો ઉપયોગ આંતરડાંના રોગની સારવાર માટે થાય છે, જેમાં શરીરના પાચનતંત્ર પર હુમલો થાય છે, જેનાથી પેટમાં પીડા, ઝાડા, વજનમાં ઘટાડો અને તાવ આવે છે. આ કેપ્સ્યૂલના 53,70,000નો ઓર્ડરનું ટેન્ડર મગાવાયાં છે.

6. Trimethoprim & Sulphamethoxazole 160mg અને 800mg એ એક એન્ટીબાયોટિક્સ દવા છે, જે બેક્ટેરિયલ ઈન્ફેક્શનની સારવારમાં વપરાય છે. આ દવાના 53,84,000 ડોઝનાં ટેન્ડર મગાવાયાં છે.

કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર.
કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર.

બીજી લહેરથી બોધપાઠ લઈને સરકાર એલર્ટ
કોરોનાના કેસોમાં રાજ્યભરમાં ઉછાળો આવ્યો છે. ગત વર્ષે એપ્રિલ-મે મહિનામાં રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં દૈનિક કેસનો આંક 14,000ને પાર પહોંચી ગયો હતો, જેમાં દવાઓની અછતના કારણે યોગ્ય સારવાર નહોતી થઈ અને ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. મોટાં શહેરોમાં હોસ્પિટલમાં બેડ ન મળતાં બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી હતી. જ્યારે દવાઓ અને ઈન્જેક્શનોનાં કાળાં બજાર થયાં હતાં. ત્યારે હવે ત્રીજી લહેરની શરૂઆત થતાં જ સરકાર આ વખતે એલર્ટ થઈ ગઈ છે અને તૈયારીના ભાગ રૂપે દવાઓ અને ઈન્જેક્શનોનો સ્ટોક કરી રહી છે.

સિવિલની 1200 બેડ હોસ્પિટલમાં તમામ બેડ ઓક્સિજનમાં કન્વર્ટ
બીજી પીક પૂરી થઈ ત્યારથી જ એવું હતું કે ત્રીજી પીક આવશે, એવી આશંકા સાથે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી હતી. સિવિલના 1200 બેડમાં દરેકેદરેક બેડને ઓક્સિજન બેડમાં કન્વર્ટ કરી દીધા છે. ઓક્સિજન પ્લાન્ટ લાગી ગયા છે, જે અંદાજે પ્રતિ મિનિટ 4600 લિટર ઓક્સિજન જનરેટ કરી શકે છે. 550થી વધુ ઓક્સિજન કોન્સ્ટ્રેટર છે. બીજી જેટલી મેડિસિન જરૂર પડી હતી એનાથી દોઢ ગણી દવાનો સ્ટોક કરી દેવામાં આવ્યો છે. દરેક સ્ટાફ, જેમાં વર્ગ 1થી વર્ગ ચાર સુધીના તમામને કોવિડ મેનેજમેન્ટની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. દરેક સિચ્યુએશન માટે તૈયાર છીએ. ઓમિક્રોનનો વોર્ડ અલગ રાખવામાં આવ્યો છે.

સિવિલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો.
સિવિલમાં ઓમિક્રોન વોર્ડ શરૂ કરાયો.

દૈનિક કેસનો આંક 2200થી વધુ કેસ
રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 7 મહિના બાદ પહેલીવાર 4 જાન્યુઆરીએ 2200થી વધારે કેસ નોંધાયા હતા. આ પહેલાં 29 મેના રોજ 2230 કેસ હતા. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 4 જાન્યુઆરી સુધીમાં 7881 એક્ટિવ કેસ હતા, જેમાંથી 18 દર્દી વેન્ટિલેટર પર હતા, જ્યારે 7863 દર્દીની હાલત સ્થિર હતી.

રાજ્યમાં ઓમિક્રોનના 154 કેસ
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. 4 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 2 ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા, જેમાં અમદાવાદ શહેરમાં એક સ્ત્રી અને એક પુરુષ એમ 2ના ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. ગુજરાતમાં કુલ 154 ઓમિક્રોનના કેસ નોંધાયા હતા. જ્યારે 96 દર્દી ડિસ્ચાર્જ થયા હતા. ઓમિક્રોનના એકપણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત થયું નથી.

ગુજરાત રાજ્ય મેડિકલ સર્વિસીઝ કોર્પોરેશન દ્વારા ટેન્ડર પાડી મગાવાયેલી 64 દવા