કેબિનેટ બેઠકમાં નિર્ણય:રાજ્ય સરકાર પ્રતિ 20 કિલો રૂ.1055ના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે, ઓનલાઈન રજિસ્ટ્રેશન બાબતે ટૂંક સમયમાં નિર્ણય

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મગફળી ખરીદીની સમગ્ર કામગીરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે - Divya Bhaskar
મગફળી ખરીદીની સમગ્ર કામગીરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે

રાજ્ય સરકાર દ્વારા હાલ ખેડૂતલક્ષી વિવિધ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ અંતર્ગત આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકારે મગફળીની ટેકાના ભાવે ખરીદીને મંજૂરી આપી છે. રાજ્ય સરકારે પ્રતિમણ 1055 રૂપિયાના ભાવે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેમજ ઓનલાઇન રજિસ્ટ્રેશન બાબતે બેઠક કરી નિર્ણય લેવાશે.

ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે તમામ સેન્ટરો પર વ્યવસ્થા
આ અંગે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું કે, મગફળી ખરીદી માટે ટેકાના ભાવે કેબિનેટે નિર્ણય કર્યો છે. જેની સમગ્ર કામગીરી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ કરશે. રાજ્ય નાગરિક પુરવઠા નિગમ બે વર્ષથી મગફળી ખરીદી કરતું આવ્યું છે, અને નોડલ એજન્સી તરીકે કામ કરશે. આ મગફળીની 5,275 રૂપિયાના પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે તમામ સેન્ટરો પર વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ રાહત ભાવે અનાજનું વિતરણ પણ ચાલુ છે.

ચાલુ વર્ષે કુલ 20 લાખ 65 હજાર 316 હેક્ટરમાં મગફળીનું વાવેતર
ગુજરાતભરમાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે ચાલુ વર્ષે કુલ 95.51 ટકા વાવેતર નોંધાયું છે. રાજ્યમાં કુલ 84 લાખ 48 હજાર 297 હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં પણ સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. મગફળીનું કુલ 20 લાખ 65 હજાર 316 હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે કપાસનું 22 લાખ 77 હજાર 104 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જ્યારે ધાન્ય પાકોનું કુલ 13 લાખ 47 હજાર 54 હેક્ટરમાં તો કઠોળનું 4 લાખ 36 હજાર 378 હેક્ટરમાં વાવેતર થયું છે. તેમજ તેલીબિયાંનું 120.65 ટકા વાવેતર નોંધાયું છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી મગફળીના પાકને નુકસાન
આ વર્ષે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસતા સૌથી વધુ મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મગફળીમાં મોટું નુકસાન પહોંચ્યું છે. તેમજ સતત વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાક બળી ગયો છે. આથી જંતુનાશક દવા, ખાતરનો ખર્ચ વધી રહ્યો છે. ત્યારે મગફળી સહિતના પાકોના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...