લોકડાઉન:ગુજરાત છોડીને શ્રમિકો વતન ન જાય, શ્રમિકો-કામદારો માટે ભોજન-આવાસની સુવિધા ગોઠવાશે

ગુજરાત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર ગુજરાતમાં શુક્રવારે 85 હજાર 133 કવીન્ટલ શાકભાજી અને 4832 કવીન્ટલ ફળફળાદીનો આવરો થયો

ગાંધીનગરઃ રાજ્યમાં 21 દિવસના લોકડાઉનની સ્થિતિમાં નાગરિકો અને પ્રજાજનોને સરળતાથી આવશ્યક ચીજવસ્તુઓ મળી રહે એ માટે મુખ્યમંત્રી વિજય રુપાણીના માર્ગદર્શન હેઠળ કોર કમિટીની બેઠક મળી હતી. જેમાં નાગરિકો-પ્રજાજનોની સુવિધા સરળતા માટે ૪ જેટલા મહત્વના નિર્ણયો લવેમાં આવ્યા છે. આ બેઠકમાં અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતી મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે, ઉપરાંત અન્ય રાજ્યના શ્રમિકો કે જે વતન જઇ રહ્યાં છે તેમની માટે ભોજન અને આવાસની વ્યવસ્થા કરવા અંગે નિર્ણય લેવાયો છે. 

ઓફલાઇન પદ્ધતિએ પણ રાશન ઉપલબ્ધ કરાવવામાં આવશે
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું કે, રાજ્યમાં આ લોકડાઉનની સ્થિતીમાં એપ્રિલ માસમાં અંત્યોદય અને ગરીબ પરિવારોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી અનાજ વિતરણ વિનામૂલ્યે કરવાનો નિર્ણય મુખ્યમંત્રીએ અગાઉ કર્યો છે. હવે, તેમણે એક વધુ સંવેદનાસ્પર્શી નિર્ણય એવો પણ કર્યો છે કે, આ એક માસ પૂરતી આવી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી ઓફલાઇન પદ્ધતિએ પણ રાશન ઉપલબ્ધ કરાવવામાં આવશે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવાના ઉદાત્ત ભાવથી એપ્રિલ-2020ના માસ માટે રાશન મેળવવા લાભાર્થી માટેની બાયોમેટ્રિકસ પદ્ધતિનો અમલ કરાશે નહીં. 

અન્ય રાજ્યમાં ફસાયેલા નાગરિકો માટે હેલ્પલાઇન નંબર
આ લોકડાઉનની સ્થિતીમાં ગુજરાતના જે યાત્રિકો કે મુસાફર પરિવારો અન્ય રાજ્યોમાં સ્થગિત થઇ ગયા છે તેમને ત્યાં કોઇ અગવડ રહેવા-જમવાની ના પડે તેવી વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરતો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે હેઠળ આવા અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા પરિવારો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના કંટ્રોલ રૂમના હેલ્પલાઇન નંબર 1070 પર સંપર્ક સાધી શકશે. આવા યાત્રિકો-મુસાફરોની તેઓ જે રાજ્યમાં હાલ સ્થગિત થઇ ગયેલા છે તે રાજ્યના સંબંધિત સ્થળે ત્યાંના જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાતી સમાજના સહયોગથી ભોજન-આવાસ-નિવાસ વ્યવસાઓનું સંકલન ગુજરાત સરકાર કરશે.

શ્રમિકો-કામદારો માટે ભોજન-આવાસની સુવિધા ગોઠવાશે
મુખ્યમંત્રીએ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વસતા અન્ય રાજ્યોના કામદારો-શ્રમિકોને પણ પ્રવર્તમાન લોકડાઉન સ્થિતીમાં રહેવા-ખાવાની વ્યવસ્થાઓમાં કોઇ અગવડતા ન પડે તે માટે રાજ્યના જિલ્લા વિહવટીતંત્રોને પણ સાબદા કર્યા છે. આવા શ્રમિકો-કામદારોને રહેવા-જમવાની યોગ્ય વ્યવસ્થાઓ માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમની હેલ્પલાઇન ૧૦૭૭ કાર્યરત કરવામાં આવી છે. આ હેલ્પલાઇન પર સંપર્ક સાધવાથી સંબંધિત જિલ્લા વહિવટીતંત્ર સ્થાનિક સ્વૈચ્છિક સંગઠનોના સહયોગથી આવા શ્રમિકો-કામદારો માટે ભોજન-આવાસ સુવિધા ગોઠવશે. 

28500 જેટલા પાસ ફેરિયા, લારીધારકો, વેપારીઓને ઇસ્યુ
રાજ્યમાં લોકડાઉનનો સંપૂર્ણતઃ ચુસ્તપણે અમલ થાય અને નાગરિકો-પ્રજાજનોને જીવન આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા માટે ઘરની બહાર માર્કેટમાં આવવું ન પડે તે માટે પણ રાજ્ય સરકારે પુરવઠા વિતરણ વ્યવસ્થાઓ સુદ્રઢ બનાવી છે. જીવન આવશ્યક ચીજવસ્તુઓ,  શાકભાજી વગેરેનો પુરવઠો લોકોને સરળતાએ તેમના ઘર-સોસાયટી-શેરી-મહોલ્લા નજીક મળી રહે તે માટે 28500 જેટલા પાસ ફેરિયા, લારીધારકો, વેપારીઓને ઇસ્યુ કરવામાં આવ્યા છે. આવા પાસ સ્થાનિક જરૂરિયાતના આધારે મામલતદાર કક્ષાએથી આપવામાં આવ્યા છે. 

શુક્રવારે સમગ્ર રાજ્યમાં 51.30 લાખ લીટર દૂધનું વિતરણ થયું
રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતીના ત્રીજા દિવસે દૂધ, શાકભાજી, ફળફળાદિ સહિતની જીવન જરૂરિયાતની વસ્તુઓનો પુરવઠો નિર્વિઘ્ને નાગરિકોને મળી રહ્યો છે. શુક્રવારે સવારે સમગ્ર રાજ્યમાં 51.30 લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. સમગ્ર ગુજરાતમાં શુક્રવારે 85 હજાર 133 કવીન્ટલ શાકભાજી અને 4832 કવીન્ટલ ફળફળાદીનો આવરો થયો છે. જેમાં 23188 કવીન્ટલ બટેટા, 9685 કવીન્ટલ ડુંગળી, 9459 કવીન્ટલ ટામેટા અને 42871 કવીન્ટલ લીલાશાકભાજીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 705 કવીન્ટલ સફરજન, 747 કવીન્ટલ કેળાં અને 3368 કવીન્ટલ અન્ય ફળફળાદિ પણ રાજ્યમાં ઉપલબ્ધ છે. સમગ્ર રાજ્યમાં 69 માર્કેટ-મંડીઓ કાર્યરત રહી છે અને વિતરણ વ્યવસ્થાનું કાર્ય કરે છે.

અન્ય સમાચારો પણ છે...