રાજ્ય સરકારે આજે ખેડૂત લક્ષી વધુ એક નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર આગામી 21 ઓક્ટોબરથી મગફળીની પ્રતિમણ રૂ.1055ના ટેકાના ભાવે ખરીદી કરશે. આ અંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે, આજે વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરીને આગામી 21 ઓક્ટોબર 2020થી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
રાજ્યમાં ત્રણ મહિના સુધી ખરીદીની પ્રક્રિયા ચાલશે
મંત્રી ફળદુએ મીડિયાને વિગતો આપતાં કહ્યુ કે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય કરાયો છે. મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે 1 ઓક્ટોબરથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે અને 20 દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. ત્યારબાદ 21મી ઓકટોબરથી ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. ખરીદીની પ્રક્રિયા રાજ્યમાં 90 દિવસ સુધી ચાલશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા મુજબ નાફેડ એજન્સી દ્વારા ખરીદી કરાશે. એ માટે ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ નોડલ એજન્સી તરીકે નિયત કરવામાં આવી છે.
અધિકમાસને કારણે લાભ પાંચમ પહેલા મગફળીની ખરીદી કરવાનો નિર્ણય
ફળદુએ ઉમેર્યું કે રાજ્યમાં ચાલુ વર્ષે સારો વરસાદ થવાના પરિણામે રવિ અને ઉનાળુ સીઝનમાં પણ ખેડૂતો વધુ વાવેતર કરી શકશે. રાજ્યમાં મગફળીની ખરીદી કરવામાં આવશે, એમાં પ્રતિ મણ રૂ. 1055ના ભાવે ખરીદી કરાશે. સામાન્ય રીતે લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે અધિક માસ છે અને જે ખેડૂતોએ વહેલી મગફળીનું વાવેતર કર્યું હતું એવા વિસ્તારના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા વહેલી કરવા માટે રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રીએ વહેલી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. મગફળીની ખરીદી બાદ આગામી સમયમાં કઠોળ પાકોની પણ ટેકાના ભાવે ખરીદી કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
13 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન, ત્રણ લાખ હેક્ટરમાં સર્વે થઈ ગયો
મંત્રી ફળદુએ વધુમાં ઉમેર્યું કે રાજ્યમાં અતિવૃષ્ટિના પરિણામે જે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે એ માટે હર હંમેશની જેમ સરકાર ખેડૂતોના પડખે ઊભી રહી છે. જે ખેડૂતોના ઊભા પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું છે એમને SDRF(સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ)ના ધોરણે સહાય કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ માટે સર્વેની કામગીરી ચાલુ છે. જે પંદર દિવસમાં પૂર્ણ કરવાની છે. અંદાજે રાજ્યમાં 13 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જે પૈકી ત્રણ લાખ હેક્ટર વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે અને જરૂર જણાય તો ખેડૂતોના હિત માટે સર્વેની કામગીરી લંબાવવામાં પણ આવશે.
ચાલુ વર્ષે કુલ 20 લાખ 65 હજાર 316 હેક્ટરમાં મગફળીનું વાવેતર
ગુજરાતભરમાં વરસેલા સાર્વત્રિક વરસાદને કારણે ચાલુ વર્ષે કુલ 95.51 ટકા વાવેતર નોંધાયું છે. રાજ્યમાં કુલ 84 લાખ 48 હજાર 297 હેક્ટરમાં વાવેતર થયું છે. તેમાં પણ સૌથી વધુ મગફળીનું વાવેતર થયું છે. મગફળીનું કુલ 20 લાખ 65 હજાર 316 હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે કપાસનું 22 લાખ 77 હજાર 104 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જ્યારે ધાન્ય પાકોનું કુલ 13 લાખ 47 હજાર 54 હેક્ટરમાં તો કઠોળનું 4 લાખ 36 હજાર 378 હેક્ટરમાં વાવેતર થયું છે. તેમજ તેલીબિયાંનું 120.65 ટકા વાવેતર નોંધાયું છે.
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી મગફળીના પાકને નુકસાન
આ વર્ષે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસતા સૌથી વધુ મગફળી અને કપાસના પાકને નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે મગફળીમાં મોટું નુકસાન પહોંચ્યું છે. તેમજ સતત વરસાદને કારણે મોટાભાગના વિસ્તારોમાં પાક બળી ગયો છે. આથી જંતુનાશક દવા, ખાતરનો ખર્ચ વધી રહ્યો છે. ત્યારે મગફળી સહિતના પાકોના યોગ્ય ભાવ મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.