સ્માર્ટ સિટીની વાતો અને વાસ્તવિકતા:ગુજરાત સરકાર કહે છે રાજ્યના શહેરી વિસ્તારોમાં આઠ બાબતોમાં અમે ‘સ્માર્ટ’ છીએ, શું તમે માનો છો?

અમદાવાદ20 દિવસ પહેલા

ગુજરાતમાં જુલાઈમાં થયેલા વરસાદમાં શહેરો અને નગરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. ચોમાસામાં અનેક શહેરોમાં રોડ તૂટી ગયાં અને મોટા ખાડા પડી ગયાં છે. શહેરોમાં ચારેબાજુ રોડ પર ભૂવા પડી ગયાં છે. પાણીની ડ્રેનેજ લાઈનો ખરાબ છે. બીજી તરફ શહેરોમાં પાર્કિંગની સમસ્યાઓ છે. તમામ પ્રકારની સમસ્યાઓથી શહેરો અને નગરોના લોકો પરેશાન છે. ત્યારે સરકાર એવું કહે છે કે અમે આઠ બાબતોમાં સ્માર્ટ છીએ.

ભર ચોમાસે આજે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે યોજાયેલ “શહેરી વિકાસ રાષ્ટ્રીય કોન્કલેવ” યોજાયો હતો. જેમાં સરકારે કહ્યું કે, ક્લાસરૂમ, આંગણવાડી, પાર્કિગ, ટ્રાફિક મેનેજમેન્ટ, ડ્રેનેજ,વોટર મેનેજમેન્ટ, ચાર્જીંગ પોઈન્ટ,ઇલેક્ટ્રીક બસની સુવિધાઓ આપવામાં અમે સ્માર્ટ છીએ.

રાજ્યના શહેરોમાં ઇઝ ઓફ લિવિંગ સરળ બની રહ્યું છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન પ્લાનિંગ કોન્કલેવમાં કહ્યું હતું કે, રાજ્યના શહેરોમાં ઇઝ ઓફ લીવીંગ સરળ બની રહ્યું છે. બીજી તરફ શહેરોમાં પીવાનું પાણી અને પાર્કિંગની સુવિધાથી લઈને વધી રહેલા ટ્રાફિકથી લોકોને હેરાનગતિ થઈ રહી છે. ચોમાસામાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જવા અને રોડ પર મોટા મોટા ખાડા પડી જવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. ખુદ માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ ખાડાની ફરિયાદો માટે સ્પેશિયલ એપ્લિકેશન બનાવી છે. આ એપ્લિકેશન પર શહેરોમાંથી અનેક લોકો ફરિયાદો કરી રહ્યાં છે. સરકાર ખુદ કહે છે કે અમે સ્માર્ટ છીએ પણ માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ ખાડા પુરવા માટે એપ્લિકેશન તૈયાર કરી છે.

કેન્દ્ર દ્વારા રાજ્યના 6 શહેરોને સ્માર્ટ સિટી તરીકે પસંદ કરાયા
અર્બન પ્લાનિંગ કોન્કલેવમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા પણ અમદાવાદ, સુરત, વડોદરા, દાહોદ સહિતના 6 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા માટે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં પણ અમદાવાદ અને વડોદરા ઇઝ ઓફ લીવીંગ અને મ્યુનિસીપલ કોર્પોરેશન આંકમાં ટોપ-10 માં સ્થાન ધરાવે છે. તેમના આ નિવેદનની બીજી બાજુએ હકિકત એવી છે કે, ચાલુ વર્ષના શરૂઆતના વરસાદમાં જ અમદાવાદમાં પીવાના પાણી અને વરસાદી પાણીથી લઈને રોડ રસ્તા સહિતની અનેક ફરિયાદો છે. હજી ચોમાસાના બે મહિના બાકી છે. ત્યારે એકથી બે ઈંચ વરસાદમાં જ શહેરમાં લોકોના ઘર અને દુકાનોમાં પાણી ઘૂસી ગયાં હતાં. લોકોની સોસાયટીઓમાં પાણી ભરાવાથી પાર્કિંગમાં રહેલી ગાડીઓ ડૂબી ગઈ હતી. લાખો કરોડોના નુકસાન બાદ પણ શહેરમાં લોકો માટે ઇઝ ઓફ લીવીંગ કેવી રીતે સરળ હોઈ શકે?

જમીનના ઉપયોગના આયોજનનું મોડલ ગુજરાતે આપ્યું
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, લોકભાગીદારી સાથે ટાઉનપ્લાનીંગ અને અર્બન ડેવલેપમેન્ટના સમન્વયથી તમામ શહેરી વિસ્તારોમાં જમીનના ઉપયોગના આયોજનનું મોડલ ગુજરાતે આપ્યું છે. સરકાર દ્વારા ટી.પી. સ્કીમમાં ફાળવેલી જમીનમાંથી 5 ટકા જમીન વિસ્તાર સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નાગરિકો માટે આવાસો બનાવવા માટે ફાળવવામાં આવે છે. નીતિ આયોગના સી.ઇ.ઓ. અમિતાભ કાંતે શહેરોના ટ્રાન્સિટ સંદર્ભિત વિકાસ એટલે કે પલ્બીક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગને વધારવાની સાથો સાથે નાગરિક ઉદ્દેશી સાયકલીંગ અને વોક-વે જેવી સુવિધા, સવલતો વિકસાવવા પર ભાર મૂક્યો હતો.

શહેરી વિકાસનું વૈજ્ઞાનિક ઢબે લીવેબલ સિટી બનાવવા આયોજન
શ્રેષ્ઠ શહેરી વિકાસ માટે ફ્લોર સ્પેશ ઇન્ડેક્સ(FSI)માં વધારો કરીને શહેરી વિકાસના વૈજ્ઞાનિક ઢબે આયોજન કરીને લીવેબલ સિટી બનાવવા તેમણે જણાવ્યું હતુ.મુખ્ય સચિવ પંકજ કુમારે શહેરી વિકાસમાં ગુજરાત સમગ્ર દેશને નેતૃત્વ કરશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ગામડાઓના જન્મદિવસ ઉજવવાની વ્યક્ત કરેલી નેમના ભાગરૂપે ગુજરાતમાં 3 મહિનામાં 7 હજાર જેટલા ગામડાઓના જન્મદિવસ ઉજવવામાં આવ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતુ.