શૈક્ષણિક કાર્ય પર કોરોનાનું ગ્રહણ:ધોરણ 1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા, ધો.9 અને 11ના મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા લેવા પર પણ વિચારણા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોરોનાની પરિસ્થિતિ જોતાં હવે સ્કૂલો ફરીથી કયારે શરૂ થશે એ અંગે કોઈ નિશ્ચિતતા નથી. - Divya Bhaskar
કોરોનાની પરિસ્થિતિ જોતાં હવે સ્કૂલો ફરીથી કયારે શરૂ થશે એ અંગે કોઈ નિશ્ચિતતા નથી.

રાજ્યમાં કોરોના મહામારીને પગલે 8 મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. હાલ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. દિવાળી પહેલાં રાજ્ય સરકારે 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ સરકારના આ નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આમ છતાં સરકાર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના ભોગે પણ સ્કૂલો શરૂ કરવા માગતી હતી, પરંતુ દિવાળી તહેવારો બાદ રીતસર કોરોના વિસ્ફોટ થતાં રાજ્ય સરકારને સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય મોકૂફ રાખવાની ફરજ પડી હતી. કોરોનાની પરિસ્થિતિ જોતાં હવે સ્કૂલો ફરીથી કયારે શરૂ થશે એ અંગે કોઈ નિશ્ચિતતા નથી. તેમાં પણ જો ડિસેમ્બર સુધીમાં સ્કૂલો શરૂ ન થાય તો ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે એવી પૂરી શક્યતા છે. જ્યારે એક અન્ય ફોર્મ્યુલા અપનાવીને ધોરણ 9 અને 11માં માત્ર ત્રણ મુખ્ય વિષયની વાર્ષિક પરીક્ષા લઈ શકે છે.

જ્યારે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ યોજવામાં આવશે. કોરોનાને કારણે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા મે મહિનામાં યોજાવાની છે, ત્યારે માધ્યમિક શિક્ષણ બોર્ડના ઓનલાઈન પરીક્ષા ફોર્મ જાન્યુઆરીમાં ભરાવવામાં આવે એવી શક્યતા છે, સામાન્ય સંજોગોમાં નવેમ્બરમાં ફોર્મ ભરાવવામાં આવતાં હોય છે.

‘નો-ડિટેન્શન’ પોલિસી લાવી માસ પ્રમોશનનો વિકલ્પ પસંદ કરી શકે
વર્ષની અંતિમ પરીક્ષાઓ મામલે સરકારનાં મુખ્ય સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર પાસે પહેલાંથી જ ‘નો-ડિટેન્શન’ પોલિસી છે’, સરકાર માસ પ્રમોશનનો વિકલ્પ પસંદ કરી શકે છે, જ્યારે ખાનગી સ્કૂલોના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ઓનલાઈન પરીક્ષા લેવા માટે મુક્ત છે. અમે સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓને ટેસ્ટ પેપર્સ આપીશું, જેના જવાબ તેમણે ઘરેથી લખવાના રહેશે’, તેમ મુખ્ય અધિકારીએ કહ્યું હતું.

જો સ્કૂલો ખૂલે તોપણ અભ્યાસના 100થી ઓછા દિવસ મળશે
કોરોનાના કહેર વચ્ચે માર્ચ મહિનાથી સ્કૂલો બંધ થયા બાદ હાલ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવાઈ રહ્યો છે. અગાઉ રાજ્યમાં દિવાળી સુધી સ્કૂલો બંધ રહેશે એવી જાહેરાત સરકારે કરી હતી. જોકે દિવાળી પછી પણ સ્કૂલો શરૂ થઈ શકી નથી. માર્ચ મહિનાથી ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવે છે, પરંતુ 60 ટકા વિદ્યાર્થીઓ તો ઓનલાઇનમાં અભ્યાસ કરી શકતા નથી, તો 40 ટકા જ બાળકો ઓનલાઇન ભણે છે. જો સ્કૂલો દિવાળી બાદ બંધ રહે તો વિદ્યાર્થીઓના અભ્યાસના 100થી વધુ દિવસ બગડશે અને અભ્યાસ માટે માત્ર 100 દિવસ જ મળશે. આટલા દિવસમાં સંપૂર્ણ કોર્સ પૂરો કરી શકાય તેમ નથી. આ સ્થિતિમાં ગુજરાત શિક્ષણ બોર્ડ પણ ધોરણ 1થી 9 અને 11માં માસ પ્રમોશન આપવાની તૈયારીઓ કરી રહ્યું છે.

ધોરણ 9 અને 11ના મુખ્ય ત્રણ વિષયની પરીક્ષા લેવા વિચારણા
સૂત્રો મુજબ, ડિસેમ્બરના અંત સુધીમાં સ્કૂલો શરૂ ન થાય તો ધોરણ 1થી8માં ભણતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવું પડે એવી સ્થિતિ છે, જ્યારે ધોરણ 9 અને 11માં માત્ર ત્રણ મુખ્ય વિષયની વાર્ષિક પરીક્ષા લઈને પરિણામ જાહેર થઈ શકે તેમ છે. જ્યારે બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે એમાં પણ 30 ટકા અભ્યાસક્રમમાં કાપ મૂક્યો છે અને OMR પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવે એવી શક્યતાઓ છે.

ધોરણ 10 અને 12નાં ઓનલાઇન ફોર્મ ભરવાની કામગીરી જાન્યુઆરીમાં શરૂ થશે
આ જાહેરાતને પગલે બોર્ડ દ્વારા હવે ધો.10 અને 12ની પરીક્ષા માટેનાં ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી જાન્યુઆરી માસમાં શરૂ કરવાનું આયોજન કરાયું છે. બોર્ડની પરીક્ષાના ચાર માસ પહેલાં ઓનલાઈન ફોર્મ ભરાઈ શકે અને ત્યાર બાદ બોર્ડ દ્વારા અન્ય કામગીરી પણ યોગ્ય રીતે કરી શકે. જાન્યુઆરીમાં કામગીરી શરૂ કરાય અને ફેબ્રુઆરી અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થયા બાદ પણ બોર્ડને બે માસ જેટલો સમય તૈયારી માટેનો મળી રહેશે, જેથી મે માસમાં બોર્ડ યોગ્ય રીતે પરીક્ષા લઈ શકશે.